ગોંડલના જાદવજીભાઈ શેઠને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરી દુઃખ દૂર કરી, સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા.

ગોંડલમાં જાદવજીભાઈ શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ હતા. તેઓ ત્યાંના રાજાના કારભાર સંભાળતા હોય કોઠારી તરીકે ઓળખાતા હતા. તે એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા સહું સાથે ગઢપુર આવ્યા હતા. તેમને ભગુજીએ શ્રીજીમહારાજને ઓઢવા સારુ ચોફાળ કરાવવા નિમિત્તે સાડા છ રૂપિયા અપાવ્યા ને કહ્યું જે, સારો ચોફાળ કરાવીને ગોંડલથી જેમ બને તેમ વહેલાસર મોકલાવજો.
આ સાંભળીને જાદવજીભાઈ શેઠ કહે જે, જરૂર કરાવીને મોકલી આપીશ. બે દિવસ ગઢડા રોકાઈને ગોંડલ પરત ગયા.
ત્યાં ગામનાં વણકરને બોલાવીને કહ્યું કે મારા ઇષ્ટદેવ શ્રીજીમહારાજ માટે સારો ચોફાળ તૈયાર કરી લાવો. તેના સાડા છ રૂપિયા મારી પાસે છે. તે તૈયાર કરીને લાવશો ત્યારે આપીશ. થોડાક દિવસમાં ચોફાળ તૈયાર કરીને આપ્યો. તે વણકરે ચોફાળ બનાવતી વખતે શ્રીજીમહારાજ માટે હોવાથી મજૂરી ન લેતાં માત્ર માલના છ રૂપિયા લઈને બનાવી દીધો.
જાદવજીભાઇ કોઠારીએ ચોફાળ તુરત જ ગઢપુર ભગુજીને મોકલી આપ્યો; પરંતુ અડધો વધેલો રૂપિયો પાછો ન મોકલાવ્યો ને લોભને કારણે ઘરના વ્યવહારમાં વાપરી નાખ્યો. તેણે કરીને જાદવજીભાઈને કઠણ દેશકાળ આવ્યા. સમયજતાં તેમને રાજાએ કોઠારીમાંથી કાઢી મૂક્યા ને ઘરબાર વગેરે લુંટાવી દીધા. આથી બહુ જ કપરી સ્થિતિમાં આવી ગયા.

થોડો સમય વિત્યે સદગુરું ગોપાળાનંદ સ્વામી જૂનાગઢથી ગોંડલ પધાર્યા. ત્યારે ગામનાં હરિભક્તોએ જાદવજીભાઈના સમાચાર કહ્યા.
આ સાંભળી ગોપાળાનંદ સ્વામીએ જાદવજીભાઈને પોતાની પાસે બોલાવ્યા. જાદવજીભાઈ આવ્યા. દંડવત કરીને પોક મૂકી રોવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામી એ એમને ધીરજ આપીને થોડીવાર વિચારી રહ્યા પછી કહ્યું જે, ‘જાદવજીભાઇ, ધર્માદાના માત્ર અડધા રૂપિયાને પોતાના વ્યવહારમાં વાપરતા તમારી આ દશા થઈ છે.’ તેવું સ્વામીનું વચન સાંભળીને પોતાને યાદ આવ્યું જે મેં ધર્માદાનો અડધો રૂપિયો ભગુજીને પાછો ન મોકલતાં તે ઘર ખરચમાં વાપરી નાખ્યો હતો. તેથી મારે આ દશા આવી છે. એમ મનમાં સંભારી ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા.
આથી ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરી શેઠને કહ્યું, આજ તમો માલ વેચવા ગયા ત્યારે શું આવેલ તે મને બતાવો. શેઠે ખોરી જુવાર એક શેર આવેલી તે બતાવી, એટલે સ્વામીએ ખોરી જુવાર મંગાવી ને બે રોટલા પોતાના સેવક પુરુષાનંદ સ્વામી પાસે કરાવી ઠાકોરજીને થાળ ધરાવીને જમ્યા. સહુ સંતોને પ્રસાદ આપ્યો અને સહુ સંતો પાસે દશ-દશ માળા કરાવી. આમ એ પવિત્ર સંતો જમ્યા એ પુણ્ય પ્રભાવથી રાજાનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું ને જાદવજીભાઈને પાછા કોઠારી તરીકે નોકરીએ રાખ્યા. આમ પહેલાની પેઠે જાદવજીભાઇ વ્યવહારે સુખિયા થયા.
ધર્માદાનો એક અડધો રૂપિયો લોભને લીધે પાછો ન અપાયો તો બુરી દશા થઇ હતી, માટે લોભ ન કરતાં પોતાના સ્વામીનું ધન પોતાના કોઈ કામમાં વાપરવું નહીં. આમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એકાંતિક ભક્તરાજને કરુરુણાએ કરી દુઃખ દૂર કરી, સાચી સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા.

  • યોગીવર્ય સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન વૃંતાતમાંથી…