સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણ થી અમરેલી પાસેના ચાડીયા ગામે ખેડૂત મુમુક્ષું રામ ભંડેરીને શ્રીહરિની પુર્ણપુરુષોત્તમપણા ની દ્રઢ ઓળખાણ થઇ. તેઓ સત્સંગી થયા અને પંચવર્તમાન પાળતા થયા. અવારનવાર સંતો પધારતા તેઓ પોતાનું બળદ ગાડું જોડીને તેડવા-મુકવા જતા અને વિષમ દેશકાળમાં સત્સંગને નિખાલસપણે શીરસાટે પાળતા.

એકવખતે રામભાઇ એ એક અઢી-ત્રણ વરહનો બળદ લીધો. બહુધા ગાયનો વાછડો અઢી વરહનો થાય ત્યાં સુધી બે દાંતે હોય અને એક વરહ ખેતીકામમાં પલોટાય ત્યારે ચાર દાંતનો થઇ જાય.

એ વરહે ચોમાસું બેહે તો વાવણીએ જોડવા સારું એ બળદ એણે લીધો હતો. એ વખતે ગામના સહું એ બળદને જોઇને રામ ભંડેરીને કહે કે આ બળદ તો હજું ત્રણ દાંતે છે. આ વાવણીયે જોડાય એવો છે નહી.

વાવણીટાણું નજીક આવે એ હૂતાશણીના ટાણે રામભાઇ મનમાં મુંજાયા ને માનતા કરી કે “જો મારો આ બળદ ચાર દાંતે થઇ જાશે તો હું ગઢડે જઇને શ્રીહરિના ચરણે બે નાળીયેર મેલીશ.” એમ સંકલ્પ કરીને રામભાઇ મનોમન શ્રીહરિ ને પ્રાર્થના કરવા લાગ્યા.

એ વખતે હૂતાશણીનો ઉત્સવ ગઢપુર થતો હોઇ ચાડીયા થી રામભાઇ, બગસરા થી વેલાભાઇ, પીઠવાજાળથી ખીમા ડોબરીયા, હામાપુરના કરશન બાંભણીયા વગેરે સહું સાથે મળીને ગાડા જોડીને ભજન કિર્તન કરતા થકા શ્રીહરિના દર્શને ગઢપુર ગયા. રામભાઇ ઘેલા માં નાહીને બળદને પાણી પાવા ગયા ત્યારે જોયું તો એના બળદને ચોથો દાંત દેખાતો હતો, એ જાણીને પોતાને મનમાં થયું કે શ્રીહરિએ એમની માનતા સ્વીકારી છે એમ વિચારી રાજી થતા થકા ગઢપુર બજાર માંથી બે શ્રીફળ લઇને જ શ્રીહરિના દર્શન કરવા સારું દરબારગઢમાં ગયા. શ્રીહરિને દંડવત પ્રણામ કરીને રામભાઇ ભંડેરીએ બે શ્રીફળ શ્રીહરિના ચરણે મેલ્યા.

આ વખતે શ્રીહરિ એમના મનનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને બોલ્યા કે “રામભાઇ, કેમ બળદને ચોથો દાંત આવ્યો ને..? તમે એ માનતા ના બે શ્રીફળ લાવ્યા,  અમ સારું એક શ્રીફળ વધુ લઇ આવો..!” આમ કહીને પ્રસન્ન થઇને એક શ્રીફળ વધારે માંગ્યું.

રામભાઇ તો તુંરત ઉભા થયા ને એક શ્રીફળ લઇ આવ્યા ને શ્રીહરિએ ચરણે ફરીને ધર્યું. 

સૌ ગઢપુર પાંચ દિવસ રહીને શ્રીહરિ અને સહુ સંતો-ભક્તોનો સમાગમ કરીને પરત ચાડીયા આવ્યા. જ્યારે ગામના સહુએ બળદનો ચોથો દાંત જોયો ત્યારે ગામના સહું અતિ આશ્ચર્ય પામ્યા.

રામભાઇ ભંડેરી અવાર નવાર જુનાગઢ જતા અને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીનો સમાગમ કરતા. આ થકી સ્વામીનો અતિ રાજીપો મેળવીને તેઓ એકાંતિક સ્થીતીને પામેલા. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીએ ચાડીયા ગામે નાનું એવું સરસ હરિમંદિર કરાવીને શ્રીહરિની મુર્તિ પધરાવી હતી ને આ મંદિરે રામભાઇનો પરિવાર વગેરે સહુ ભજન-ભક્તિ કરતા હતા. ચાડીયા ગામના ગામધણી પટેલને દ્વેષ હોય એ સત્સંગીઓનો વિરોધ કરતો હતો. ગામધણીએ દ્રેષથી મંદિરમાં ધોબીને રહેવા સારું કહેલું, આથી મંદિર મા ધોબી રહેતો હોઇ નિષ્ઠાવાન એવા રામભાઇએ મંદિરેથી શ્રીજીમહારાજની મુર્તિ લઇને પોતાની વાડીએ ઓરડી બનાવી ને ત્યાં પધરાવી, ને પોતે ત્યાં જ પોતાની વાડીએ જ ભજન-ભકિત કરતા. ગામધણી પટેલની અવળચંડાઈ હોવા છતા પણ ગામના કોઇ એના સામે બોલી શકતું નહી.

આ વાતથી થોડા દુખી થયેલા રામભાઇ ભંડેરી જુનાગઢ ગયા અને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શન કરીને એમને વિગતે આ વાત જણાવી. સ્વામી એમને ધિરજ આપતા બોલ્યા કે “રામભાઇ, આપણે તો શ્રીજીમહારાજનો આશરો છે, એને પ્રાર્થના કરીએ, શ્રીજીમહારાજ સહું સારા વાના કરશે..! અમે સહું સંતો તમારા સહુ વતિ પ્રાર્થના કરીશું.” આમ કહી ધિરજ આપીને પાછા પોતાને ગામ ચાડીયા મોકલ્યા.

આ વખતે અમરેલીમાં ગાયકવાડ સરકારનું શાસન હતું ને અમરેલીના સુબા તરીકે વડોદરા થી ગણપતરાવ નામે પ્રજાપાલક નિમણુંક પામીને આવેલા, એમણે પ્રજાજોગ ફરમાન કરાવેલ હતું કે “જો કોઇ પ્રજાજન ને કાંઇ દુખ કે તકલીફ હોય તો તેઓ અમરેલી આવીને એમના નિવાસસ્થાને એમને પોતાને રૂબરૂ મળી ને પોતાની ફરિયાદ કરી શકે છે” આ ફરમાન ની વાત જાણીને રામભાઇ ભંડેરી અમરેલી ગયા અને સુબા ગણપત રાવ ને પોતાના ગામમાં ગામધણીના દ્વેષથી મંદિરમાં ધોબી રહેતો હોઇ અને એ સારું મંદિરના ઠાકોરજીને પોતે વાડીએ ઓરડીમાં રાખે છે, તો ઘટતું કરવા અરજ કરી.

આ અરજથી સુબાએ તુરંત જ આદેશ કર્યો કે “ચાડીયા ગામનું મંદિર તુંરત જ ખાલી કરાવવા માં આવે અને જો એ હૂકમ અમલ ન થાય તો ગામધણીને ગામની હદ બહાર કરવામાં આવશે. મંદિરમાં કોઇને અડચણ કરવા માં આવશે તો રાજ તરફથી દંડ-સજા થશે.” આમ હૂકમ લખીને ચાડીયા કાગળ રવાના કર્યો. ગામના વાળંદે ગામધણીને જઇને તુંરંત જ સુબાનો હૂકમ કહી ને જાણ કરતા ધોબી તુંરતંજ મંદિર ખાલી કરી ગયો અને રામભાઇ પોતાની વાડીએથી શ્રીજી મહારાજની મુર્તી લાવીને ફરીને પધરાવી ને પુનઃ મંદિરમાં જ શ્રીહરિનું ભજન સ્મરણ કરતા થયા.

આમ, રામભાઇ ભંડેરી ની અડગ નિષ્ઠાએ ગામધણીનો ઘણો દ્વેષ હોવા છતા પોતે સત્સંગ છોડ્યો નહી.

– ભગવાનશ્રી સ્વામિનારાયણ ના ભકતરત્નોમાંથી….