શ્રીહરિએ સુખાનંદ સ્વામીને કહ્યું કે, ‘સ્વામી, તમારી આવરદા એક વર્ષની છે, માટે તમે અહી જ સેવામાં રહો.’

સદગુરુ સુખાનંદ સ્વામીનો જન્મ “ઉજ્જૈન” માં એક પવિત્ર દંપતિ એવા નાગર બ્રાહ્મણને ઘેર થયો હતો. પોતે પુર્વજન્મના યોગી અને ભગવાનને મળવા ઝંખતા એવા સાચા મુમુક્ષુ હોવાથી સદ્‌ગુરૂની શોધ કરતા ગુજરાત તરફ સાધુઓના મંડળમાં આવ્યા. ફરતા ફરતા એમને સોરઠ દેશમાં ગુરુદેવ શ્રીરામાનંદ સ્વામીનો ભેટો થયો અને તેમની પાસેથી સાધુ દીક્ષા લીધીને રામાનંદ સ્વામીએ એમનું  ‘‘સુખાનંદ’’ એવું નામ પાડ્યું.

લોજની વાવે પ્રભું શ્રીનિલકંઠ વર્ણીના સૌથી પ્રથમ એમને દર્શન થયાં, એ ધ્યાનમુદ્રામાં બેઠેલા, વિશાળ તેજસ્વી ભાલ, સુકલકડી કાયા, માથે ભૂરા કેશની જટા, સાથે કમંડળું, સતશાસ્ત્રનો ગૂટકો, શાલિગ્રામ ભગવાન અને જળ ચિંચવાની દોરી…નિસ્પૃહી યુવાન વયના વર્ણીને જોઇને મનમાં કાંઇક અચરજ થયું ને નામઠામ પુછતા જ વર્ણી સાથે અપાર હેત થયું. પોતે આગ્રહે કરીને વર્ણીને સદગુરુ મુકતાનંદ સ્વામી પાસે આશ્રમમાં લઇ ગયા.

સમય જતા જ્યારે મુમુક્ષુઓને દિવ્ય સત્સંગની ઓળખાણ કરાવવા સહજાનંદી સંતોની ભગવી ફોઝ સત્સંગ માં ગામોગામ ફરતી હતી, એ વખતે સુખાનંદ સ્વામી પણ સદગુરુ મુકતાનંદ સ્વામી અને બારભાયા ગુરુભાઇઓ એ સર્વે કાયમ શ્રીહરિની અનુવૃત્તિમાં જ રહેતા હતા.

સુખાનંદ સ્વામી એ શ્રીહરિના પરિપુર્ણ નિશ્ચય ને પોતાના કિર્તનમાં પણ ભારોભાર વર્ણવ્યો છે કે…।

સહજાનંદકે દર્શન કરકે, મગન ભયે સબ ગુરુજ્ઞાની;

અદ્‍ભુત રૂપ વિચારત મનમેં, નહિં આવે મુખસે બાની… ꠶ટેક

અનંત કોટિ જાકે ચરન પરત હૈ, બ્રહ્મમહોલ કે સુખખાની;

સો હરિકો હમ પ્રગટ બતાવે, ભેદ વિના ભટકત પ્રાની… સહજાનંદકે꠶

કોટિ વિષ્ણુ બ્રહ્મા કર જોડી, શંકર કોટિ સૂરત આની;

શારદ શેષ અરુ નારદ બરને, નહિં માનત નર અભિમાની… સહજાનંદકે꠶

નિઃસ્વાદ નિઃસ્પૃહી નિર્લોભી, નિષ્કામી જન નિર્માની;

પાયો ભક્તિ પદારથ મોટો, તન મન કીનો કુરબાની… સહજાનંદકે꠶

પરબ્રહ્મ પૂરણ પુરુષોત્તમ, સ્વામિનારાયણ સુમરાની;

સુખાનંદ શરણે સુખ પાયો, ભજન ભરોસા ઉર આની… સહજાનંદકે

એકવખતે સુખાનંદ સ્વામીને વતનમાં ઉજ્જૈન ગામે પોતાના માતા-પિતાને શ્રીહરિનાં આશ્રિત કરી તેમનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી. તેથી તેમને ઉજ્જૈન જવાનો આગ્રહ હતો. શ્રીહરિએ તેમને કહ્યું કે, સ્વામી, તમારી આવરદા એક વર્ષની છે, માટે તમે અહી જ સેવામાં રહો. પરંતુ પોતાની પ્રબળ ઈચ્છા હોવાથી સુખાનંદ સ્વામી સંવત્‌ ૧૮૬૯માં જેતલપુરથી એકલા જ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગામના ચોરામાં “જય સ્વામિનારાયણ”કહીને ખીટીંએ પોતાની ઝોળી લટકાવી ને તે જ ક્ષણે એ આખાયે ચોરામાં મહામંત્ર બોલતા જ ચોમેર તેજ છવાઈ ગયું.

એ વખતે એ ગામના ચોરામાં ઉતારો કરીને રહેતા અન્ય બે બીજા મુમુક્ષુ વૈરાગીઓ આ દ્રશ્ય જોઈ શ્રીહરિના આશ્રિત થવાની ઈચ્છા થઈને એમણે સમર્પિત થવાની અદમ્ય ઈચ્છા જણાવી. તેથી સુખાનંદ સ્વામીએ તે વૈરાગીઓને દીક્ષા આપી એકનું નામ ‘રામાનુજાનંદ’ પાડ્યું અને બીજા વૈરાગીનું નામ ‘ગોપાળાનંદ (નાના)’ પાડ્યું. પછી ત્યાથી તેઓ ગ્વાલિયર દેશમાં જઈને પોતાના માતા-પિતા તથા પોતાના બે ભાઈ અને તેમના કુટુંબીઓને સત્સંગની વાતો કરીને સહુને શ્રીહરિની ઓળખાણ કરાવીને સત્સંગના રંગે રંગી નાખ્યા.

એ સમે બંગાળ દેશનો એક કાયસ્થ કરોડ પતિ હતો. તે ગોકુળમાં આવીને વૃંદાવનમાં આરસનું શિખરબંધ મંદિર બનાવીને શ્રીરાધાકૃષ્ણ દેવની પ્રતિમા પધરાવી અને પોતે સહુ આગંતુક બ્રાહ્મણોને જમાડી દાન આપતા. તે વણિક સાધુ-અભ્યાગતને કાયમ પકવાન જમાડતાને પોતે નિત્ય લૂખું અન્ન જમતા. ભવાટવીમાં ભટકતા સાચા મુમુક્ષુ હોવાથી તેઓ એકસમયે પ્રગટની ઉપાસના કરતા એવા સદગુરુ સુખાનંદ સ્વામી ને મળ્યા. સુખાનંદ સ્વામીએ એક મહિનો મથુરામાં ત્યાં જ રોકાઈને એ કાયસ્થને કથા વાર્તા કરી. તેથી સત્સંગની વાત સાંભળીને તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાન, એ પ્રગટ પુર્ણપુરુષોત્તમ ભગવાન છે તેવી પ્રતિતી થઈ.

તેથી જ્યારે સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે કાયસ્થે એક પત્ર લખ્યોને સદગુરુ સુખાનંદ સ્વામીને આપ્યો અને સાથે મથુરાના પેંડા તથા અત્તરની શીશી આપીને કહ્યું કે “આ પ્રગટ ભગવાન શ્રીસ્વામિનારાયણ પ્રભુને તમે હાથો હાથ આપજો.” સુખાનંદ સ્વામી ગ્વાલિયર પહોંચ્યાને ત્યાં રસ્તામાં તેમનો દેહ છૂટી ગયોને પોતે અક્ષરધામ સીધાવ્યા. એ વખતે સુખાનંદ સ્વામીના બેઉ શિષ્ય સંતો હતા, તેઓ સાથે હતા, તેથી મહારાજનાં દર્શન કરવા વિચરણ કરતા કરતા લોયા આવ્યા. શ્રીહરિએ સર્વે સમાચાર પૂછ્યા ત્યારે તેમણે સ્વામી ના અક્ષરધામ ગમનના સમાચાર દીધા. એ વખતે એ કાયસ્થ શેઠનો પત્ર પણ શ્રીહરિને આપ્યો. પત્ર વાંચીને શ્રીજીમહારાજ કહે “જુઓ, એ કાયસ્થ શેઠ કે જેને સત્સંગમાં ભાવ હતો તે શેઠ તો હવે મૃત્યું પામ્યા છે, સુખાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો તેથી તેઓ સત્સંગીને ઘેર પુનઃ જન્મ લેશે. તેઓને અમારી ઓળખાણ થશે અને અક્ષરધામના અધિકારી થશે.” આમ, સ્વમુખે આશીર્વાદ દીધા.

બેઉ સંતો એ અત્તરની શીશી આપવી તો ભૂલી ગયા, ત્યારે શ્રીહરિએ એ શેઠના શુભસંકલ્પ ને ગ્રહણ કરવા સારું સામેથી જ અત્તરની શીશી માંગી..! સંતોએ એ આપતા પોતે જાતે જ એ અત્તરથી રમુજ કરતા થકા સર્વે સંતોના નાકે ચાંદલા કર્યા. શ્રીહરિએ રાજી થઇને સહુને અત્તર ચર્ચ્યું.

સુખાનંદ સ્વામીએ જીવનભર પ્રગટ પરમાત્મા શ્રીહરિની પ્રતીતિ કરાવવા પરિભ્રમણ કરીને પોતાના જીવનને સત્સંગ સેવા યજ્ઞમાં આહુતિ આપી.

– નંદસંતોના જીવનકવનમાંથી…..