ટોરડામાં ખુશાલ ભટ્ટની સામર્થીથી ગોપાળદાસ સાધુ ના આડંબર નો ભાંડો ફૂટી ગયો.

સંવત ૧૮૫૬ ના જેઠ મહિનામાં ગોપાળદાસ નામના એક રામાનુંજ સાધું ગામ ટોરડામાં ચાતુર્માસ ગાળવા આવ્યા. ટોરડા ગામનાં રાધાકૃષ્ણ મંદિરમાં આવીને ઉતારો કર્યો. ગામના સહુ બ્રાહ્મણ તેમજ સોનીઓ પોતાને ઘેર એમને જમવા નુ નોતરું દેતા હતા. આ ગોપાળદાસ સાધુ રોજ પોતાના ઠાકોરજીને સાથે લઇને જમવા જાય અને જમીને પોતાના ઠાકોરજી ને મુકી ને જ પોતે પાછા મંદિરે આવી જતા, એમના ઠાકોરજીનું સિંહાસન દરરોજ સંધ્યા સમયે આપોઆપ જ ચમત્કારે ગોપાળદાસ મહારાજ જયાં હોય ત્યાં એમના પાસે પહોંચી જતું. આ અચરજ જોઇને ગામના લોકોનો અહોભાવ ગોપાળદાસ પ્રત્યે વધતો જતો હતો. દરરોજ ની જેમ એકદિવસ મોતિરામ ભટ્ટ (સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પિતાજી) ને જમાડવા નો વારો આવ્યો એટલે એમણે પણ નોંતરું દીધું, એટલે ગોપાળદાસ સાધું એમના ઠાકોરજી લઇને જમવા પધાર્યા. રસોઇ તૈયાર થતા ઠાકોરજીને નૈવેદ્ય ધરાવીને પોતે જમ્યા. પછી રોંઢો ઢળતા જ્યારે ગોપાળદાસ સાધું રાધાકૃષ્ણ મંદિરે જવા ચાલ્યાં ત્યારે જીવીમાંએ કહ્યુ જે ‘આપના ઠાકોરજી તો ભૂલી ગયા, માટે સાથે લઇને ચાલો..!’ એ સુણીને સાધું મહારાજ બોલ્યા જે ‘હમારે ઠાકોરજી તો અપને આપ શામ હોતે હી ચલે આયેંગે…!’ દરરોજ હરેક ઘરે એમ જ થતું આવ્યું છે. આમ સાધુની સીદ્ધાઇનો અહોભાવ ગામમાં વધતો જતો હતો અને સહું કોઇ એમની સેવા સુશ્રુષા પણ સારી કરતા હતા. એ સાધુએ એક ભૂત વશ કરેલો, જે દરરોજ સીંહાસન ઉપાડીને મંદિરે પરત લાવતું હતું.

એ દિવસે બપોર પછી ખુશાલ ભટ્ટની ત્યાં આમ ન બન્યું ને ઠાકોરજી મંદિરમાં પરત ગયા નહી. સાધુએ બે વખત ભૂતને લેવા સારું મોકલ્યો પરંતું ગોવિંદ પટેલની દિવાલથી ભટકાઈ ને પાછો આવી ગયો. રામાનુંજ સાધુએ ફરીને જઇને સીંહાસન લઇ આવવા કહ્યુ પરંતુ ભૂત કહે કે ‘મારાથી ખુશાલભટ્ટના ઘરે જવાતું નથી.’ આમ ભૂતે સર્વવૃતાંત સાધુરામને કહ્યો, એટલે એ સાધુરામ તુરંતજ ઠાકોરજીને લેવા સારું પોતે જ મોતીરામ ભટ્ટને ઘેર ગયા.

આ ગોપાળદાસ સાધુ જેવા મોતીરામ ભટ્ટના ઘરે સીંહાસન લેવાં વાંકા વળ્યા ને સીંહાસન ને હજુ તો અડ્યા ત્યાંતો પોતે જમીન અને સીંહાસન સાથે ચોંટી ગયા. પોતે જડવત થયા થકા એમનમ પૂતળાની માફક થઇ ગયા. છૂટવા સારું ઘણા પ્રયત્ન કરા પરંતું જાણે પત્થરની જેમ થઇ ગયા.

આ અચરજ જોઇને ગામજનો સહું કોઇ ભેળા થઇ ગયા. એ વખતે ખુશાલ ભટ્ટ તો ઓરડામાં છોકરાઓને અભ્યાસ કરાવતા હતા. એ વખતે બારીમાંથી કૂબેરદાસ સોની ખુશાલ ભટ્ટને કહુ કે “ખુશાલભાઇ, તમે જુઓ તો તમારું ઘર ગામના માણસોથી ઉભરાય છે.” ખુશાલ ભટ્ટ તો અભ્યાસ કરાવવામાં ઘણા વ્યસ્ત હતા તે કશીય ખબર નહી, તે પુછવા લાગ્યા કે “કૂબેર શુ થયું ?” ત્યારે એમણે વિગતે વાત્ય કરી. ખુશાલભટ્ટ હસતા હસતા બોલ્યા કે “આજ તો ઠાકોરજી ખુબ જમ્યા છે તે સાધુ મહારાજ ઉપર રિસાયા હશે તો તેઓ એમને મનાવતા હશે.” ત્યારે કૂબેરદાસે ઘણી વિનવણી કરીને ખુશાલ ભટ્ટ ને ત્યાં લઇ આવ્યા.

ખૂશાલ ભટ્ટે ત્યાં આવીને ઠાકોરજીને પ્રાર્થના કરી તે ‘હે પ્રભો, આપને ન પધારવાની ઇચ્છા હોય તો આ સાધુ મહારાજ ને તો જવા દયો..!” ખુશાલભટ્ટની અરજ સુણતા જ એ સાધુ મહારાજના હાથપગ છૂટ્ટા થઇ ગયા અને એમના દેહની શુદ્ધી પરત આવી ગઇ. એ સાધુ મહારાજ તો છૂટ્ટા થતા તુંરત જ ખૂશાલ ભટ્ટને નમન કરીને અહોભાવથી જોતા જોતા મંદિરે જતો રહ્યો. એ જ રાત્રે એ પોતાના ઠાકોરજીને પણ લીધા વગર ગામ છોડીને જતો રહ્યો. આમ ખૂશાલ ભટ્ટના ઘરે ઠાકોરજી પોતાના સીંહાસન સાથે રોકાયા અને ખુશાલ ભટ્ટની સામર્થીથી એ સાધુ મહારાજ ના આડંબર નો ભાંડો ફૂટી ગયો.

– યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના સામર્થ્ય દર્શન માંથી…