એકસમયે શ્રીજીમહારાજ પોતાના અંગભૂત સેવક મુળજી બ્રહ્મચારીજી સાથે ચાલતા થકા ગામ ઘોડાસરને પાદર થઈને ડભાણ જતા હતા. તે વખતે ગામને પાદર ઘોડાસરના રાજાનો કુંવર ગામને પાદર બીજા છોકરાં ભેગો રમતો હતો. તેણે શ્રીજીમહારાજને ભાળી કહ્યું જે, “બાપો આવ્યા…બાપો આવ્યા..!” શ્રીહરિ હસ્યા અને ચતુરાઇથી કહે, “બાપો તો પાછળ આવે છે.” પછી ઘડીક થયું, ત્યાં મૂળજી બ્રહ્મચારી ખંભે ખડિયો લઈને આવ્યા. તે ખંભે મોટો સામાનનો ખડિયો ભરેલો ને હાથમાં મોટી લાકડી હતી અને પોતાની દાઢી મોટી બહુ હતી. તે જોઈ છોકરાં બોલ્યાં જે, “બાપો આવ્યા…બાપો આવ્યા..!” બ્રહ્મચારી કહે, “બાપો તો આગળ ગયા તે અને હું તો એમનો બ્રહ્મચારી છું.” એટલે તુંરત જ રમત મેલીને રાજાનો કુંવર તો ઘોડે ચઢીને શ્રીજીમહારાજ ભેળો માર્ગે થયો અને મહારાજને કહ્યું જે, “ઊભા રહો, તમે બાપો છો ને કેમ ના પાડો છો ? અને આ ઘોડી ઉપર ચઢો.”
પછી મહારાજે ઘોડી ઉપર ચઢીને ઘોડીને કુંડાળે નાંખી. તે એક પછેડીવામાં (પછેડી જેટલા કુંડાળામાં) લાવ્યા. પછી શ્રીજીમહારાજ ડભાણ પધાર્યા. તે ખબર કોઇના પાસેથી તે રાજાની માંને પડી જે, “મારા દીકરાને(દીકરાના દીકરાને) ઓલા ભગવાન સ્વામિનારાયણ છે તે ડભાણ તેડી ગયા છે, તે વળી કામણ ટૂંમણ કરીને એને સાધુ કરી નાંખશે.’ એમ જાણીને રાત્રીએ બાઈ પાલખીમાં બેસીને ડભાણ ગયાં અને સાથે બે દીવીયું બળતી હતી, એનો રાજનો ચોપદાર પણ સાથે હતો.
શ્રીહરિ તો રાત્રીને સમે સભા કરીને બીરાજ્યા હતા. એ વખતે સભા નજીક એ બાઈ ગયાં એટલે ચોપદાર છડી બોલ્યો. ત્યારે સર્વસુજાણ શ્રીજીમહારાજ કહે, “આ કોણ આવે છે ?” ત્યારે રાજાનો કુંવર બોલ્યો જે, “મહારાજ! મારી માં આવતાં હોય એવું લાગે છે. કેમ કે, હું તેને પૂછ્યા વિના આવ્યો છું. ” એ બાઈએ એવો સંકલ્પ કર્યો હતો જે, “હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં અને એ મારો મનનો સંકલ્પ જાણીને મને એના જમણા કાનની બુટ્ટી ઉપર તલ દેખાડે તો એ ભગવાન ખરા.’
પછી તે બાઈ સભા નજીક આવી એટલે સર્વ સન્મુખ બેઠેલા સંતો તો ઊઠી ઊઠીને ભાગવા મંડ્યા. ત્યારે સદગુરુ મુક્તાનંદસ્વામી બોલ્યા જે, “મહારાજ! ઊઠો! ઊઠો! આ બાઇ અમને ઉપવાસ પડાવશે!” પછી બાઈ બોલી જે, “મહારાજ! બેસી રહો, હું પણ તમ જેવી છું.” બાઈ જાણે જે, “આ બધાય રાંડેલા ભેળા થયા છે અને હું પણ રાંડેલી છું.”
પછી શ્રીજીમહારાજ સામા ઊઠીને બાઈ પાસે ગયા. મહારાજે દીવી મંગાવી અને એના મનનો સંકલ્પ ને અંતર્યામીપણે જાણીને બોલ્યા જે, “બાઈ ! જોને મારી કાનની બુટ્ટીએ કાંઈ થયું છે.” પછી શ્રીજીમહારાજની જમણી બુટ્ટીએ તલ નું ચિહ્ન જોઈને એ બાઈ બોલી જે, “મારા દીકરાએ ભગવાન ઓળખ્યા” એમ કહીને તે વર્તમાન ધારીને તુંરત જ સત્સંગી થઈ.
– સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી….