શ્રીહરિએ વરતાલમાં પુષ્પદોલોત્સવ કરીને પાર્ષદો સાથે ઘોડે ચડીને જાવા પ્રયાણ કર્યું, એ વખતે નિત્યાનંદ સ્વામી શ્રીહરિને દર્શને આવ્યા ને કહ્યું કે “હે મહારાજ, સદગુરુ મુકતાનંદ સ્વામીની અવસ્થા હોઇ તે માર્ગમાં તમ સાથે ઉતાવળે ચાલી શકશે નહી, તો આ શુન્યતિતાનંદ સ્વામી અને વૈકુંઠાનંદ બ્રહ્મચારીને તમારો થાળ વગેરે કરવા સાથે લઇ જાઓ.”
નિત્યાનંદે વિચાર્યું તે કાળ, કોણ કરશે હરિ માટે થાળ…!
રસ્તે નાથ ઉતાવળા જાશે, મુકુંદાનંદે તો ન ચલાશે..!
માટે મોકલીયે બીજા કોઈ, રસ્તે ચાલી શકે એવા જોઈ…!
નિજ શિષ્ય શૂન્યાતીતાનંદ, વૈકુંઠાનંદ વર્ણી અદ્વંદઃ..!
એહ આદિક મુનિજન ચાર, કર્યા સાથે જવાને તૈયાર…!
શ્રીહરિએ સંમતિ દેતા સહુ નીસર્યા. માર્ગ માં સીંજીવાડે, ગલીયાણા, જાંખડા, ધોલેરા ને નાવડા વગેરે રાત્ય રહેતા ને સહુ પ્રેમીભકતોના મનોરથ પુર્ણ કરતા થકા થોડા દિવસે ગામ શ્રી કારીયાણી વસ્તાખાચરના દરબાર માં પધાર્યા.
શુન્યતિતાનંદ સ્વામી તથા વૈકુંઠાનંદ બ્રહ્મચારીજીએ થાળ તૈયાર કર્યો એટલે શ્રીહરિ જમ્યા ને ચળું કરી. શ્રીહરિ કહે કે “સ્વામી, તમે સહુ દરબારો ને બોલાવી લાવો, અમારે સહુને વાત કરવી છે.” એ સુણીને તુરંતજ શુન્યતિતાનંદ સ્વામી જઇને દાદાખાચર, સુરાખાચર, વસ્તાખાચર વગેરે સહુને બોલાવી લાવ્યા એટલે સહુ આવીને સન્મુખ બેઠા.
શ્રીહરિ કહે કે અમારે આહીથી ભાવનગર જવાનો વિચાર છે, તમે સહુ સાથે ચાલો. ત્યારે ભકતરાજ દાદાખાચર બોલ્યા કે મહારાજ, આપણે ભાવનગર રાજમાં આમ એકલા જઇશું એ કરતા થોડાક વધારે સંધમાં સંતો-ભકતો સાથે જઇએ તો વધારે સારું..! આમ, દાદાખાચરની વિવેકની વાત સુણીને શ્રીહરિ કહે કે તો એક અસવારને મોકલો કૂંડળ અને સારંગપુર વગેરે મોકલો એટલે એ સહુ દરબારો અને જે સંતો ત્યાં હોય એ આહી આવે અને એક અસવાર ગઢપુર ખબર દેય કે ત્યાંથી સહુ સીધા જ ભાવનગર આવે..! એ વખતે શુન્યતિતાનંદ સ્વામી ભાતા વગેરેની તૈયારી કરવા લાગ્યા ત્યારે શ્રીહરિએ એમને રોક્યા ને કહેયું કે “ભાતાની કશીય ચિંતા ન કરો, જો સહુ પોતપોતાના ધર્મમાં રહે તો સહુને અષ્ટ સિદ્ધિ નવ નિધી સામેથી જ મળી રહે છે.”
શૂન્યાતીતાનંદે તેહ વાર, ભાતું કરવાનો કીધો વિચાર…!
વળિ શ્રીજીના થાળને સારુ, સાથે સામાન લેવા વિચાર્યું…!
જ્યારે વાત તે શ્રીજીએ જાણી, બોલ્યા સંત પ્રત્યે પ્રભુ વાણી..!
ભાતાનું ને સીધાનું શું કામ, તે તો તૈયાર છે ગામોગામ…!
સંત જો સંતનો ધર્મ પાળે, અન્ન આવી મળે સર્વ કાળે..!
ધર્મમાં રહે છે નવનિધી, રહે ધર્મ વિષે અષ્ટસિદ્ધી..!
શ્રીહરિ સહુ અસવારો અને સંતો-ભકતો સાથે સંઘમાં ભાવનગર જવા ચાલ્યા ને રસ્તામાં ગામ રોહીશાળા પધાર્યા. આ વખતે ગામ રોહીશાળાના પવિત્ર ભૂદેવ અને શ્રીહરિના વિશે અનન્ય નિષ્ઠાવાન લક્ષ્મીરામ ઓઝા શ્રીહરિ સન્મુખ સામૈયું લઇને આવ્યા અને પોતાના ઘેર લઇ ગયા. શ્રીહરિને ઢોલીયે પધરાવ્યા, પોતે ભાવથી પુજન કરીને દંડવત પ્રણામ કર્યા. સહુ દરબારો અને સંતોને પણ યથાયોગ્ય ઉતારા કરાવીને સહુને હેતેથી લાડું, ભજીયા, શાક-દાળભાત વગેરેની રસોઇઓ કરીને પ્રેમે જમાડયા.
શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા અને બાથ માં ઘાલીને ભેંટયા અને માથે બે હાથ મેલ્યા.
રહ્યા રાત જઈ રોહિશાળે, હરખ્યા હરિજન તેહ કાળે..!
વિપ્ર ત્યાં ઓઝા લક્ષ્મીરામ, ઉતર્યા પ્રભુ એને ધામ..!
ઓઝે સર્વની બરદાશ કીધી, રસોઇ રુડી રીતથી દીધી..!
પ્રેમે પૂજા પ્રભુજીની કરી, ભાવે ભેટ તે આગળ ધરી…!
આ પરમભકત લક્ષ્મીરામ ઓઝા કે જેઓ શ્રીહરિ એ જ્યારે સંવત ૧૮૬૬માં ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે પોતે ત્યાં આવવા સારું મનમાં સંકલ્પ કર્યો પરંતુ પોતાના પાસે નાણા હતા નહી, એ વખતે એમણે પોતાના ખાવા સારું કોઠીએ વર્ષના દાણા હતાએ વેચીને સોળ રુપીયા આવ્યા, જે તેઓ લઇને ડભાણ આવ્યા હતા, એ વખતે પોતે હજારોની જનમેદનીમાં ઉભા હતા. શ્રીહરિએ અંતર્યામીપણે એમના મનનો સંકલ્પ જાણીને એમને પાસે બોલાવ્યા, અને જયારે લક્ષ્મીરામ ઓઝાએ એ સોળ રુપીયા શ્રીહરિ ના ચરણે ધર્યા ત્યારે અતિ રાજી થયા અને પ્રસન્ન થકા થકા બોલ્યા કે “આ ભકતે પોતાને ખાવા સારું દાણા પણ રાખ્યા નહી અને અમને સર્વસ્વ અર્પણ કર્યુ છે, માટે હવે આ યજ્ઞ નિર્વિઘ્ન ધામધૂમથી પરિપુર્ણ થશે.”
એ વખતે એમને શ્રીહરિ એ વર દીધેલો કે “લક્ષ્મીરામ, આજે તમે અમને આ યજ્ઞમાં સર્વસ્વ અર્પણ કરીને જે સેવા કરી છે, એ અમે હાથો હાથ સ્વીકારીએ છે, અમારો વર છે કે તમે ધનસંપત્તિથી ઘણા સુખી થાશો, તમારા યોગ અને ક્ષેમનું અમે વહન કરીશું.”
કેવા ભક્ત તે લક્ષ્મીરામ, તેનિ વાત કહું એહ ઠામ..!
થયો જજ્ઞ ડભાણમાં જ્યારે, થયા તૈયાર ત્યાં જવા ત્યારે…!
ભેટ ધરવા હતું નહિ ધન, વેચી નાંખ્યું ખાવા તણું અન્ન..!
એના સોળ રુપૈયા જે આવ્યા, જૈને શ્રીજીને ભેટ ધરાવ્યા…!
જાણી અંતરજામીયે વાત, સભામાંહી બોલ્યા સાક્ષાત..!
આવા ભક્ત છે આ અવસરમાં, ખાવા અન્ન રાખ્યું નહી ઘરમાં…!
વેચી નાંખી તેનાં નાણાં કર્યાં, યજ્ઞ અર્થે લાવી આંહી ધર્યાં..!
પરિપૂર્ણ હવે જજ્ઞ થાશે, નહીં નાણાંનો તોટો જણાશે..!
સુણી અંતરજામીની વાત, રુદે સર્વે થયા રળિયાત..!
જ્યારે ઘેર ગયા લક્ષ્મીરામ, ધનપ્રાપ્તિ થઇ તેહ ઠામ…!
આમ, લક્ષ્મીવાન ઓઝાની ત્યાં રાતવાસો કરીને શ્રીહરિ વલ્લભીપુર, વરતેજ થઇ ને ભાવનગર દરબારશ્રી વજેસીંહને મળવા જતા ભકતરાજ રૂપાભાઇને ઘેર ઉતારો કરી ને રોકાયા.
-શ્રીહરિલીલામૃત કળશ ૯ વિશ્રામ ૧-૨ માંથી…!