એકસમે શ્રીહરિ કચ્છદેશમાં સંતમંડળ-પાર્ષદો સાથે વિચરણ કરતાં કરતાં ગામ સામત્રા પધાર્યા ને પોતાના પ્રિયભક્ત એવા રૂડા પટેલને ઘરે ખબર આપ્યા, ત્યારે ખબર આપનારે આવીને કહ્યું, “હે મહારાજ ! રૂડા પટેલ તો વાડીએ ગયા છે.” એથી શ્રીહરિ સંઘ લઈને વાડીએ પધાર્યા. ત્યાં વિશાળ વડની છાયા જાઈને મહારાજ બોલ્યા, “આજ તો અહીં જ વડલાના છાંયડે જ સહું ઉતારો કરીશું.” એમ કહીને પોતે ત્યાંજ ઉતારો કર્યો. બપોરટાણું થતા સૂરજનારાયણ માથે ધોમધખતા તપતા હતા. તે વખતે રૂડા પટેલના ઘરવાળા અમૃતબાઈ રૂડા પટેલ અને વાડીએ મૂલીનું (મજૂરોનું) બપોરનું ભાત લઈને આવ્યા. થોડાક આઘેરાક થી જ પોતાની વાડીનો શેઢો ચડતાં કૂવા પાસે નજર પડતાં ભગવાન શ્રીહરિ અને ભગવા ધારી સ્ત્રી-ધનના ત્યાગી એવા પવિત્ર સંતોને જોયા અને તેના હૈયે ખુશીના ફૂવારા છૂટયા. ઉતાવળા પગલે અમૃતબાઈએ ભાતનો સૂંડલો નીચે મૂકી હરખભેર સાડલાનો છેડો લંબાવી પંચાગ પ્રણામ કરીને બોલ્યા, “અહો મહારાજ ! તમે તો હમણાં બહુ મોંઘા થયા છો ! કેટલા દાડાથી તમારી જ રટના કરતી હતી. આજે અમને પાવન કર્યાં. હવે બપોરા થઈ ગયા છે, તે અહીં વાડીએ જ મંગાળો કરીને રોટલા ઘડી નાખું. આજ તો અમારા રોટલા જમવા જ પડશે.”
શ્રીજીમહારાજ અમૃતબાઇને ભાળીને પડખે ગયા અને બાઇને ભાવ ભાળીને કહ્યું, “અમૃતબાઈ ! તમારા ભાતમાં રોટલા તો છે ! પછી બીજા વધારે શીદને કરવા ? અમને એમાંથી જ સહુંને જમાડો.” ત્યારે અમૃતબાઇ કહે “અરે મહારાજ ! એ તો ઘરધણી પટેલ અને દાડિયા પુરતા છે અને બીજા રોટલા કરતા વાર શી લાગશે ? હું હમણાં જ પટેલને ઘરે મોકલીને લોટની માટલી મંગાવું છું. તમે અમારા પરોણા થયા છો, આવો વખત વળી ફરીને પાછો મારે મનખો ક્યારે આવે !” બાઈના હૈયાનો ઉમળકો જોઈ શ્રીહરિ અતિ પ્રસન્ન થયા.
શ્રીહરિએ અમૃતબાઈએ માથેથી ઊતારેલ ભાતના સૂંડલા પાસે આવીને ભથાણું છોડી બે બાજરીના રોટલા કાઢયા. તેના અડધા અડધા બે ભાગ કર્યા અને પોતાના સર્વ ભક્તોને વહેચવા માંડયા. માથે છાશ પીરશી અને અથાણું આપ્યું. નટનાગરની લીલા અમૃતબાઈ જોઈ રહ્યા. તેના હૈયે સ્મૃતિ થઇ. શ્રીકૃષ્ણે પાંડવોના વખતે જેમ દુર્વાસા મુનિના સંઘને એક પાંદડાથી તૃપ્ત કરી પૂર્ણ રીતે ભોજન કરાવ્યું, તેમ શ્રીહરિએ સર્વે સંઘને એ બે રોટલાથી જમાડયા.
જ્યારે સૌને અડધો અડધો રોટલો વહેંચ્યો, તોએ ભાતમાંના રોટલા એમને એમ એટલા જ રહ્યા. છાશ અને અથાણું પણ જરાએ ઓછું થયું ન હતું. ‘ભાવભૂખ્યા ભગવાન છે’ એ વાત અમૃતબાઇએ પ્રત્યક્ષ પ્રગટ પરચો ભાળીને નિહાળી.
શ્રીહરિએ અમૃતબાઈ સામે હેતભરી દૃષ્ટિ કરીને કહ્યું, “લ્યો અમૃતબાઇ ! તમારો કોડ પૂરો કર્યો. અમે તમારા રોટલા જમ્યા, અમારી પણ ભૂખ ભાંગી ગઈ.” રૂડા પટેલ અને દાડિયાઓ ખેતરમાં દૂર કામ કરતા હતા. આ બાજુ શું થઇ રહ્યું છે, એની હજુ એને ખબર નહોતી. ભાતનું ટાણું થયું એટલે એ બધા કૂવા પાસે આવ્યા. ત્યાં શ્રીજી મહારાજને અમૃતબાઈ સાથે વાત કરતા જોયા અને હૈયામાં આનંદનો ઉભરો ચડયો. આવતાં જ મહારાજનાં ચરણે ઢળી પડયા. શ્રીહરિએ પ્રેમથી ભક્તને ઊઠાડયા અને બથમાં લઈ ભેટયા.
રૂડા પટેલે અમૃતબાઈને કહ્યું, “કોસના પૈયામાં મંગાળો કરો, ત્યાં હું ઘરેથી સીધુ-સામગ્રી લઈ આવું. આજ તો શ્રીજીમહારાજ અને સંતો-ભક્તોને અહીં જ જમાડવા છે.” અમૃતબાઈ કંઈ બોલે તે પહેલા શ્રીહરિએ કહ્યું, “રૂડા પટેલ ! તમારા ઘરવાળાએ તો તમારા ભાતમાંથી અમને જમાડયા. અમે જમી લીધું, હવે તમે ભૂખ્યા થયા છો તે જમવા બેસો !” ભગવાનની આવી વાત સાંભળી રૂડાં પટેલ તો મનમાં ઉંડા વિચારમાં પડી ગયા. ત્યાં અમૃતબાઈ બોલ્યા, “શ્રીહરિએ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી આપણા ભાતના રોટલામાંથી સૌને જમાડયા ને તૃપ્ત કર્યા છે.” અમૃતબાઈની વાત સાંભળી રૂડા પટેલને ભારે આશ્ચર્ય થયું. આજે રૂડા પટેલને અમૃતબાઈની ભક્તિનું મહાત્મ્ય સમજાયું. એમણે મહારાજને કહ્યું, “મહારાજ ! ક્ષમા કરજો. આપ ક્યારે પધાર્યા એની મને કામકાજમાં જરાએ ખબર જ ન રહી.”
શ્રીજીમહારાજ કહે, “પટેલ ! આ તો અમારું જ છે, તમે જરાય ચિંતા ન કરો. અમને કોઇ તકલીફ નથી પડી.” પછી તો મહારાજ કહે, “આજની રાત્રિ પણ અહીં જ રહેવું છે.” મહારાજની વાત સાંભળી રૂડા પટેલ અને અમૃતબાઈનાં અંતરમાં ખૂબ આનંદ થયો. સાંજની જમવાની ત્યાંજ તૈયારી કરી. ગાડું ભરીને પોતાના ઘેરથી સીધું લઇ આવ્યા ને સંતોએ રસોઇ કરી, શ્રીહરિ અને સહું સંતો-ભકતોએ વાળું કરી. સાંજ પડતા વાડીમાં જ આરતી-સ્તુતિ કર્યા. પછી સંતોએ મોટીરાત સુધી કિર્તન કર્યાં. શ્રીજીમહારાજે પોતાનાં અમૃત સમા વચનથી કથાવાર્તાનું આચમન કરાવ્યું. રૂડા પટેલે શ્રીહરિને અને સંતો-ભક્તોને પોઢવા માટે ઘઉંના પૂળા અને ઘાસ પાથરીને ઉપર ચોફાળ પાથરી ગાદલા જેવી પથારી કરી, શ્રીહરિ તથા સંતો-ભક્તોને પોઢાડયા. ઢોલિયા પર પોઢનારા શ્રીહરિ આજે ઘઉંના પૂળા ઉપર પોઢ્યા. પ્રાતઃકાળે વહેલા ઊઠી નિત્યકર્મથી પરવારી આગળ વિચરણનું પ્રયાણ કર્યું.
રૂડા પટેલના ચિત્તમાં શ્રીહરિની એ મનોરમ્ય મૂર્તિ કાયમ માટે વસી ગઇ. અમૃતબાઈ તો જાણે અક્ષરધામનું સુખ અહીં જ ભોગવવા લાગ્યા. એમના હૈયે આનંદના પૂર ઉમટયા અને એ આંખો દ્વારા પ્રેમભિનાશે કાયમ વહેતાં રહ્યા હતાં.
– શ્રીનારીરત્નો માંથી…