શ્રીજીમહારાજ વડતાલ બીરાજતા હતા. બપોર પછી ગોમતીના કાંઠે આંબલા હેઠે સભા કરીને બેઠા હતા ત્યાં ગામ કપડવંજથી મોઢ વણિકની એક બાઇ પોતાનો નાનો એવો દિકરો તેડીને આવી ને મહારાજ ના દર્શન કર્યા. પોતાના નાના એવા દિકરાને મહારાજ ને ચરણે સુવારયો ને પંચાગ પૃણામ કરીને બોલી કે હે ભગવાન..! તમે મારા આ દિકરાને વર્તમાન ધરાવો ને તમારે શરણે લયો..! શ્રીજીમહારાજે એ બાળક નો હાથ પકડીને વર્તમાન ધરાવ્યા ને બાઇને કહ્યું કે આનું નામ તમે ભૂદર પાડજો. ભવિષ્ય મા આ ઘણો સત્સંગ કરાવશે ને સાધુ સંતોની સેવા કરશે.
એ બાઇ તો ઘણીય રાજી થઇ ને હર્ષના આંસુ સાથે અહોભાવથી બોલી કે હે મહારાજ..! મે પણ મનમા એજ સંકલ્પ કરેલો કે તમે મારા દિકરાનુ નામ પાડશો. આજ તમે મારા મનની વાત્ય જાણી ને મારો સંકલ્પ પુરો કર્યો. પછે એ દિકરો મોટો થતા શ્રીજીમહારાજના આશીર્વાદે ભૂદરભાઇ નામે મોટા એકાંતિક ભક્ત થયેલા.
આવા જ ઝાડી દેશના ગોઠીલ ગામે કડવાભગત હતા. જેમને નંદસંતો ના વિચરણ વખતે સત્સંગ થયેલો. જે પોતે જન્મથી અંધ હતા પણ પોતે આત્મનિષ્ઠ હતા ને શ્રીજીમહારાજ ની મુર્તી કાયમ દેખતા. એમને શ્રીજીમહારાજની મુર્તીનુ અહોર્નિશ દર્શન નુ સુખ હતું એટલે તેઓ સદાસુખીયા રહેતા .
એકવાર તેઓ માંદા થયા તે શરીરમાં બહુ ચૂંક આવે ને કાળી પીડા ઉપડે. એક તો પોતે અંધ હતા એટલે પોતાના દેહની કૃીયા કરવામા અગવડતા ને ઉપરથી આ શરીરે સહન ન થાય એવી પીડા થતી. ઘણીવખત ચૂંક ઉપડેને પેટમાં દુખાવો થાય તા રાડ્ય પડી જાય ને બોલી ઉઠતા કે હે સહજાનંદ સ્વામી…! આ કડવા ની પરિક્ષા તમે ઉભા ઉભા જોવો છો…! પણ આ કડવા ને તમારે જેટલું શરીરે દુખ દેવું હોય એટલું દ્યો પણ મુખે એકવખત નહી બોલું કે મારુ આ શરીરનું દુખ તમે ટાળો. મારે તો તમારા અક્ષરધામની લાલચ છે એટલે ગમે એટલું દુખ દેશો તોય હુ તમારા શરણે થયો છુ તો શરણે જ કાયમ રહેવા આવીશ.
- સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામી ની વાતો