અષાઢી સંવત ૧૮૬૮ના શ્રાવણ મહિનામાં શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા. સભામાં ભક્તોને પૂછયું, “ભક્તો તમારા ધ્યાનમાં આકાશેથી તારોડિયો ખરે એવી ગતિવાળું અને જગતમાં એની તોલે કોઈ નજરમાં ન આવે એવું જાતવાન ઘોડું ખરું?” ત્યારે સભામાં બેઠેલા સુરાખાચર, માંચાખાચર, અલૈયાખાચર આદિ કાઠી ભક્તો મનનો વેગ વધારી મલકમાં દોડાવવા લાગ્યા. તો કોઈ માથાની પાઘ ઊતારી માથું ખંજવાળીને વિચાર દોડાવી ગામેગામ તપાસ કરવા લાગ્યા. કોઈએ ઓડય ખંજોળીને હૈયાનાં ઊંડાણેથી પોતપોતાના મલકના ગામડાઓમાં ઘૂમરા માર્યા.
તે વખતે એક ગઢવી લઘર-વઘર સભા વચ્ચે ઊભો થતા બોલ્યો, “અરે સહજાનંદ મહારાજ ! હજુ આ ધરતીનાં અમીજળ સુકાઈ ગયા નથી. કો’ક ઠેકાણે તો તમે ધારો એવીજ દેવતાઇ વછેરી છે, પણ ઈ મેળવવી દોહ્યલી છે. મીણાપર ગામના દરબાર મનુભા પાસે છએક માસની વછેરી છે. ઘોડાની તો છત્રીસ જાત્યું છે, પણ એ વછેરી તો જાણે ચિત્તોડના રાણાની ઘોડહારમાંથી છટકીને નોખી પડી ગઈ હોય તેવી દેવાંગનાના રૂપ જેવી છે. અરે, ઘોડાની જાત્યું તો ઘણી જોઈ. માણકિયો, મલિયો, હરણિયો, રેડિયો, કેસરિયો, ફૂલમાળો, બોદલીયો અને તેની સામે ઊભી રહે એવી ઘોડિયુમાં તાજણ, રેવડી, વાંગણી, હરણી, બેરી, રેશમડી, લક્ષ્મી, ઢેલી. એ બધાંયના પાણી ઊતારે એવી એ વછેરી માણકીને જોયા પછી બીજું ઘોડું ધ્યાનમાં જ નો બેહે હોં !”
ગઢવીની વાત્ય સુણીને શ્રીજીમહારાજે કહ્યું, “તો હવે ક્યાંય બીજે ખોટી હડિયું કાઢશો મા ! જાવ મીણાપર ને કરો દરબાર મનુભાને વાત. એ કહે એવા મૂલ અમે આપીશું.” અને મીણાપર ગામે દરબાર મનુભા પાસે ચાર ઘોડા તબડક તબડક દોડતા પૂગ્યા.

અસવારોએ વછેરીની માગણી મેલી. ત્યારે મનુભાએ કહ્યું, “દરબારો ! તમે આવ્યા તે આજે અમારી મહેમાનગતિ કરો, પણ દીકરીના માગા હોય, વહુના નહીં ! હજુ એને પાળવા માટે હું સક્ષમ છું. જે’દી મારા દિ’ માઠા આવે, તે દિ’ જોયું જશે !”
મનુભાનો જવાબ સાંભળી અસવારો વીલા મોંઢે પાછા આવ્યા ને મહારાજને વાત કરી. શ્રીજીમહારાજે સુરા ખાચરને પૂછયું, “આ મીણપરના દરબારને મનાવે એવું ઓળખીતું સબંધી છે કોઈ ?”
સુરા ખાચર બોલ્યા, “હા મહારાજ ! મનુભા તો છે થોડા માની સ્વભાવના. એ બીજા કોઈથી ન માને. એની રગના બરાબર જાણતલ ભેંસજાળના કાયાભાઇ છે, એનું વેણ એ નહિ ઉથાપે. બીજાથી એ નહિ માને.”
શ્રીહરિ કહે, “એ તો આપણા સત્સંગી છે. ચાલો આપણે જ ભેંસજાળ જઈએ. સારાં કામમાં ઢીલ શી ?” એમ કહી સુરા ખાચરને સાથે લઈ મહારાજ ભેંસજાળ ચાલ્યા. ત્યાંના પાદરે હનુમાનજીની દેરીએ ઊભા રહીને ગામનાં છોકરાને બોલાવી કાયાજીને સમાચાર કહેવડાવ્યા.
સંદેશો મળતાં જ કાયાજીના મોંઢેથી વેણ વછૂટયા, “અરે ! ન્યાં પાદર શીદ આવી ઊભા રહ્યા ને અમને ન્યાં બોલાવે છે ? અહીં પોતાનું તો ઘર છે તો આહી જ પધારવું જોવે ને !” એમ બોલી પ્રભું પધાર્યા જાણીને ઉતાવળા પગલાં ભરતા ડેલી બહાર નીકળ્યા.
કાયાભાઇ શ્રીહરિને જોતાં જ હરખાયા અને દોડીને ધબોધબ દંડવત કરીને પગે લાગતા બોલ્યા, “મહારાજ ! આહી શીદ ઉભા? દરબારગઢમાં પધાર્યા હોત તો ?”
શ્રીહરિ કહે ‘કાયાભાઇ ! અત્યારે ઉતાવળમાં છીએ અને તમારું કામ પડયું, તે આવ્યા છીએ. ને વળી એ કામ તમારા સિવાય પતે એવું નથી, એટલે પરબારા ડેલીએ નો આવ્યા ને તમને આહી જ બોલાવ્યા. આ સુરા ખાચરે મૂળ વાતનું બીજ વાવ્યું છે.’

કાયાભાઇ તો હાથ જોડીને બોલ્યા કે ‘હે પ્રભું એવું તે શું કામ છે ? મારા સિવાય કોઈથી ન થાય એવું ? વચમાં સુરાબાપું બોલી ઉઠ્યા કે ‘કાયાભાઇ ! મહારાજ માટે મીણાપરના મનુભા પાસેથી માણકી વછેરી લેવી છે ! તેઓ પાસે માગણી કરવા જતા તેઓએ ના કહી. એ મનુભા તમારા જાયભાઇ તે અમે તમને યાદ કર્યા. કાયાભાઇ તો અતિ હરખે બોલ્યા કે ‘લ્યો ! એમાં તે શું ? એ તો તમે મને ગઢડે બેઠા કહેણ મોકલ્યું હોત, તોય ન્યાં વછેરી ને હું પોતે જ પૂગાડી દેત ! એમ કહી કાયાભાઇએ પોતાની ઘોડી મંગાવી ને ત્રણેય મીણપર ના રસ્તે ચાલી નીકળ્યા.

મીણાપર આવીને મનુભાના દરબારગઢે આવ્યા. ગઢમાં ખબર કરતાં જાણ્યું કે મનુભા તો કોઈ કામસર ગામતરેં ગયા છે. કાયાભાઇએ દરબારગઢમાં આવીને મનુભાં બાપુના ઘરવાળા બાઈને પૂછયું, “દરબાર ક્યારે પાછા આવશે ?” ત્યારે ગઢમાંથી ઠકરાણાએ પૂછયું, “કાયાભાઇ, એવું તે ઉતાવળું શું કામ છે ? જે કામ હોય તે કહોને ?” કાયાભાઇ દરબારે કહ્યું, “આ અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે, તેને તમારી માણકીની વછેરી જોઈએ છે !” ત્યારે મનુભાં ના ઘરવાળા બોલ્યા કે ‘લ્યો, એમાં તે શું મોટું કામ છે ? દરબાર ઘરે નથી તો શું થયું, ઇ ઘરબાર થોડા હારે લઇને ગયા છે ! એમાં આદમી હોય તો જ કામ થાય એવું થોડું છે ? અને અમારા આંગણે ઠાકર ભગવાનના પગલાં કે’દિ હોય ? આજ તો એમને એમ પાછા જવા નહીં દઉં, છાશું તો પીવી જ પડશે. એમ બોલી ઠકરાણાએ તેની દસ વરસની દીકરીને સાદ કર્યો, “મોંઘીબા ! પથુભાઇને કહો કે ઓલી માણકીની વછેરીને અહીં લાવે.”
શ્રીજીમહારાજ, સુરા ખાચર અને કાયાભાઇને ઓંસરીમાં ઢોલીયો ઢાળીને રઝાઇ-તકીયો પાથરીને બેહાર્યા ને પાણીયારેથી કળશયા ભરીને જળ પાયું. થોડીવારમાં તાંહળીયું ભરીને દહીંનું ઘોળવું ત્રણેયનું સ્વાગત કરતા પાયું. ત્યાં માણકીની વછેરી લઈ પથુભા ગોલો આવ્યા અને ઠકરાણાએ ઘરમાંથી કંકુની દાબડી લાવી વછેરીને ચાંદલો કરતા કહ્યું, “બાઈ ! તું તો ખૂબ ભાગ્યશાળી. ભગવાનના આશરે જાય છે. જોજે હોં, આ જન્મારો સુધારી લેજે.” એમ કહી વછેરીની સરક શ્રીહરિના હાથમાં સોપી.
ત્યારે સુરાખાચર બોલ્યા, “દરબાર ઘરે આવશે ત્યારે જાણીને ખીજાશે તો નહીં ને ? વળી કાંક ઘરમાં કજિયો થશે તો ?” ત્યારે બાઇ બોલ્યા કે ‘એ ચિંતા ન કરતા, હું દરબારનું અરધું અંગ છું, જે કરું તે દરબારનાં રાજીપાથી જ થાય છે.’
ત્યારે શ્રીહરિ બાજુમાં ઊભેલી નાની દીકરીને પૂછયું, “તમારું નામ શું ?” દીકરીએ કહ્યું, ‘મોંઘીબા.’ એ સાંભળી શ્રીહરિએ કહ્યું, “આ મોંઘીબા તો જ્યાં સાસરે જશે, ત્યાં મોંઘામૂલે રહેશે.” એમ આશીર્વાદ આપીને શ્રીહરિએ મોંઘીબાંને માથે હાથ મેલ્યો ને આશિષ દઇને વછેરી લઈ ચાલ્યા.
સમય જતાં જ્યારે ગોંડલના રાજા સંગ્રામસિંહજીના પ્રથમ રાણીનું અવસાન થયું, પછી એમણે બીજાં લગ્ન મોંઘીબા સાથે કર્યા. મોંઘીબા સત્સંગી હતા, તેથી રાજમાં પણ સત્સંગનો રંગ ચડયો, ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી સાથે રાજાને ખૂબ હેત થયેલું.
વખત જતાં પૂર્વ રાણીના પુત્ર પથુભાનું અવસાન થયું, તેનું દુઃખ રાજાને ખૂબ થયું. તેથી મોંઘીબાએ ગુણાતીતાનંદ સ્વામીને તેડાવ્યા અને પુત્રશોકમાં હતાશ થયેલ રાજાને સ્વામીએ ઉપદેશ આપી શોક હળવો કર્યો.
એક વખત મોંઘીબાએ ગુણાતીતાનંદ સ્વામીને દરબારગઢે તેડાવ્યા અને દરબાર પાસે સ્વામીની પૂજા કરાવી, ધોતિયા ઓઢાડયા. ત્યારે મોંઘીબાએ કારભારી સાથે સ્વામીને કહેણ મોક્લ્યું, ‘સ્વામી ! તમારા સેવક દરબારનો વંશ-વેલો લીલો રહે અને ગોંડલની ગાદીને વારસ મળે તેવા આશીર્વાદ આપો.’
સ્વામીએ પ્રસન્ન ચિત્તે સંગ્રામસિંહજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “બાર માસમાં શ્રીજીમહારાજ તમારાં મનોરથ પૂર્ણ કરશે.”
આ વાતને બરાબર એક વરસ થતાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ઉપર રાજમાતા મોંઘીબાનો સંદેશો આવ્યો, ‘સ્વામી ! રાજ્યમાં કુંવરનો જન્મ થયો છે, માટે તમે આશીર્વાદ આપવા પધારો !’ ગુણાતીતાનંદ સ્વામી સંતમંડળ સાથે લઈ ગોંડલ પધાર્યા. ત્યારે કુંવરને પગે લગાડવા માટે દરબાર તેડી લાવ્યા. હરખાતા સ્વામીએ કુંવરના માથે ફૂલડાં વેર્યાં. કપાળે કંકુનો ચાંદલો કરી ડોકમાં કંઠી પહેરાવી. માથે હાથ મેલી આશીર્વાદ આપતા કહ્યું, “આ તો ગોંડલની ગાદીના ધણી થઈ સૌ રાજાઓમાં શિરોમણી થશે. મલકમાં તેની નામના અચળ રહેશે. તેનું નામ ભગવતસિંહ રાખજો !” એમ કહી સ્વામી મંદિરે પધાર્યા.

ગોંડલના પ્રજા વત્સલ રાજા ભગવતસીંહજી પણ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના આશીર્વાદથી બહું પ્રજાપ્રિય અને કુશળ વ્યવહારું થયા, તેઓ એ ગુજરાતીભાષાના સંવર્ધન સારું ‘ભગવદ્ગોમંડલ’ નામે શબ્દકોષ તૈયાર કરાવ્યો, જે સાહિત્ય સર્જન માં આજે પણ અજોડ છે. એમના પૌત્રી વિજયાબાં કે જેઓ ભાવનગરના ગોહિલવંશના રાજવી કૃષ્ણકુમારસીંહજી સાથે પરણાવેલા જેઓ એ અખંડભારતમાં સૌપ્રથમ પોતાનું ૧૮૦૦ પાદરનું ગોહિલવાડનું રાજ્ય આઝાદ ભારત સરકારના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલને કૃષ્ણાર્પણ કરીને અખંડભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારાયા છે.

  • ‘મોંઘીબાં તમે તો બહું મોંઘા થશો’ માંથી…

🙇🏻‍♂️🙏