શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે “જે સમર્થ હોવા છતાં જરણા (સહન) કરે તે ખરો ગરીબ કહેવાય.”

એકવખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદ પધાર્યા હતા અને શીવલાલ શેઠના ફળિયામાં સભા કરીને બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ ત્યાગી તથા હરિજનોને ઉદ્દેશીને કહ્યું જે ‘કોના ઉદ્યમમાં પાપ ન લાગે..?’
ત્યારે સૌ કોઈ બોલ્યા જે ‘સ્વામી, ખેડૂતના, વેપારીના તથા ભાવસારના ઉદ્યમમાં પાપ લાગે પણ દરજીના ઉદ્યમમાં પાપ લાગે નહીં. કારણ કે સંચાની સોયથી કોઈ જીવની હિંસા થાય નહીં.’
ત્યારે સ્વામી બોલ્યા જે “સાંભળો દરજીના ઉદ્યમમાં જેવું પાપ લાગે તેવું બીજા એકેય ઉદ્યમમાં પાપ જ નથી. કારણ કે તે જ્યાંથી સ્ત્રી પુરુષના લૂગડાનું પરમાણું (માપ) લે ત્યારથી તેના ગુહ્ય અંગનું ધ્યાન થાય. માટે દરજીના જેવો તો બીજો કોઈ નબળો ધંધો જ નથી.”
તે સમયે ત્યાં એ સભામાં દરજી નારણભાઈ તથા બોઘા ભગત બેઠા હતા. તેમણે સ્વામીને હાથ જોડીને કહ્યું જે ‘સ્વામી, અમે વસ્ત્ર પ્રમાણે વસ્ત્રનું માપ લઈને સિલાઈ કરી આપશું પણ કોઈના શરીરને અડીને માપ નહીં લઈએ.’ તેવું નિયમ બંને દરજીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે લીધું, સ્વામી એ બંને ઉપર અતિ રાજી થયા અને એ નિયમ બેઉ હરિભકતો એ સ્વામીના આશીર્વાદે જીવનપર્યંત પુરેપુરુ રાખ્યું.

થોડીવાર સ્વામી વિચારી રહ્યા પછે બોલ્યા ‘જે ગરીબ કોણ ?’
પછી સૌએ પોતપોતાની સમજણ પ્રમાણે કહ્યું જે અન્ન વસ્ત્ર જેને ન મળે તે ગરીબ કહેવાય. ત્યારે સ્વામી બોલ્યા જે “તે તો તેનાં પૂર્વનાં પાપનાં ફળ ભોગવે છે. તે ગરીબ ન કહેવાય પણ ખરો ગરીબ કોણ ? જે સમર્થ હોવા છતાં જરણા (સહન) કરે તે ખરો ગરીબ કહેવાય.”

તે ઉપર સ્વામીએ ઉદાહરણ આપી વાત કરી જે ‘એક શહેરની નદીના પટમાં ભગવાન શંકર અને માતા પાર્વતી એ બંને બેઠાં હતાં. તે સમયે એક કઠિયારો લાકડાનો ભારો લઈ નીકળ્યો.
ત્યારે સતી કહે, ઈશ આ બિચારો ગરીબ છે, તેને કાંઈક આપો.
શંકર કહે, આ ગરીબ નથી.
સતી કહે, આથી વધારે ગરીબ કોને કહેવો ? પહેરવા વસ્ત્ર નથી, લાકડાં બાંધવા સારુ દોરડું નથી. પછી શંકર તેની પરીક્ષા લેવા માટે લાકડાના ભારા પાસે જઈ એક લાકડું તાણ્યું. તે જોઈ કઠિયારાએ શંકરને કેટલીક ગાળો દીધી.
પછી સતીને શંકરે પૂછયું, જુઓ આ ગરીબ છે ?
ત્યારે સતી કહે, ના પ્રભુ, તે ગરીબ નથી પણ જંગલી છે.
થોડી વાર થઈ ત્યાં શહેરમાંથી કોઈ ધનાઢય શેઠિયો પાલખીમાં બેસીને ત્યાંથી પસાર થયો. સાથે બસો માણસ હતા.
તે જોઈ શંકરે પાર્વતીને કહ્યું જે સતી આ ગરીબ છે.
સતી કહે, આટલા માણસ જેની સેવામાં છે તે ગરીબ કેમ કહેવાય ? પછી શંકરે પાલખી પાસે જઈ પાલખી ઉપર પથ્થર માર્યો.
શેઠિયો તરત પાલખીમાંથી નીચે ઉતરી શંકરના પગમાં પડયો અને બોલ્યો જે મહારાજ મને માફ કરો હું મહા દેહાભિમાની છું. તમે મહાત્મા પુરુષ ચાલ્યા આવો છો, તેની મને ખબર ન રહી. માટે તમે બંને આ મારી પાલખીમાં બેસો અને હું તમારી પાલખી ઉપાડું.
ત્યારે શંકરે સતીને કહ્યું જે જુઓ, આ ગરીબ છે. કારણ કે તે અત્યારે તેના માણસોને હુકમ કરી આપણને મારવા સમર્થ છે છતાં નિર્માની થઈને કહે છે કે મારો અપરાધ માફ કરો.” સ્વામીએ એ દિવસે સંતો-ભકતો પ્રત્યે ઘણી ઘણી વાતો કરી.

  • યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ના જીવનવૃતાંતમાંથી…