અમરેલી પાસેના ગામ મોટા આંકડીયા માં પવિત્ર બ્રાહ્મણ અને એકાંતિક ભકત એવા પિતાંબરભાઇ ત્રિવેદી રહેતા હતા. નાનપણથી સંતોના યોગે સત્સંગ માં રંગાયેલા હોવાથી તેઓને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી તથા બાલમુકુંદદાસ સ્વામી તથા સર્વ શિષ્યમંડળ પ્રત્યે એમને બહુ જ આત્મભાવ હતો. તેઓ સ્વામીના ખાસ કૃપાપાત્ર શીષ્ય હતા. સ્વામીએ એમને બ્રહ્મરુપ થઇ ને પરબ્રહ્મને ભજવાની રીત શીખવી હતી. જ્યારે જ્યારે સંતો વિચરણમાં પધારે ત્યારે તેઓ સંતોનો સમાગમ કરીને શ્રીહરિના સ્વરુપ નો મહીમાં સમજતા હતા. સંતોની સીધા વગેરેની સેવા કરીને તેઓ રાજીપો રળતા.
પિતાંબર ત્રિવેદીનો ઘરનો વ્યવહાર ઘણો સાધારણ હતો, પરંતું સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના આશીર્વાદે એમનો વ્યવહાર ઘણો સારો થયો હતો. બાલમુકુંદદાસ સ્વામી જ્યારે જ્યારે કોઇ આજ્ઞા કરે તો તેઓ એક ઇશારે સમજતા અને સ્વામી ની અનુવૃત્તિ માં રહીને કાયમ અનુસરતા હતા. તેઓ ભણેલ ગણેલ હતા એટલે નામું લખી જાણતા. બાલમુકુંદદાસ સ્વામીની આજ્ઞાએ જુનાગઢ, ઉના, ગોંડલ વગેરેના મંદિરોના નાણાકીય હીસાબના વહીવટમાં અગત્યની સેવા કરતા.
એકસમયે એમના દિકરા મુળશંકર ઘણા માંદા થયા, એ વખતે પિતાંબર ત્રિવેદીને પોતાના દિકરા મુળશંકરને સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી દર્શન દેવા પધારે તો સારું એમ વિચાર આવ્યો, સ્વામી એ વખતે રાજકોટ ના માખાવડ ગામે સતંસગ વિચરણ કરવા પોતાના મંડળ પધાર્યા હતા. પિતાંબર ત્રિવેદીએ કાગળ લખીને હરિભકત ત્રિકમદાસ બાવાજીને માખાવડ ગામે મોકલ્યા.
આ ત્રિકમદાસ બાવાજી એ રામાનંદી સાધુ હતા. તેઓ એક સમયે સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી સાથે અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા ગયેલા ત્યારે તે વખતે શ્રીહરિ દિક્ષિત એવા સદગુરુ પ્રસાદાનંદ સ્વામીએ એમને એકધારા ત્રણ દિવસ સુધી સમાધી કરાવેલ. સમાધિમાં અક્ષરધામ માં અનંત સુર્ય સમા તેજ માં રત્નજડિત સીહાંસને બિરાજતા શ્રીહરિના સ્વરૂપમાં સર્વ અવતારો પ્રગટ અને લીન થતા હોય એવા દિવ્ય દર્શન કરેલા હતા. ધામોધામના દિવ્ય દર્શન અને સુખ ની પ્રાપ્તિ ભોગવીને ત્રણ દિવસે જ્યારે ત્રિકમદાસ સમાધિમાંથી જાગ્યા ત્યારે સદગુરુ પ્રસાદાનંદ સ્વામી પાસે કંઠી બંધાવીને સત્સંગી થયા હતા. તેઓ બાલમુકુંદ દાસ સ્વામીના સત્સંગ અને શ્રીહરિ નિષ્ઠાભરી વાતોથી એકાંતિક ભકત થયા હતા. એમને સ્વામીના આશીર્વાદે પાંચ પુત્રો થયા હતા.
ત્રિકમદાસ તો સત્વરે પિતાંબરભાઇ ત્રિવેદીનો કાગળ લઇને માખાવડ આવ્યા ને બાલમુકુંદદાસ સ્વામીને મુળશંકરને દર્શન દેવા પોતાને ગામ મોટા આંકડીયા પધારવા કહ્યું.
બાલમુકુંદ દાસ સ્વામીએ પિતાંબરભાઇનો પત્ર વાંચ્યો ને માળા કરતા થકા બોલ્યા કે “મુળશંકર તો હજુ નાનો છે, એનું આયુષ્ય તો હજી ઘણું છે, જાઓ પિતાંબરભાઇ ને કહેજો કે ચિંતા ન કરે, મુળશંકર ને શ્રીહરિ અને ગુરૂદેવ ગુણાતિતાનંદ સ્વામી હમણા જ સાજો કરશે.” સ્વામીનો સંદેશો લઇને ત્રિકમદાસ બાવાજી માખાવડથી મોટા આંકડીયા આવ્યા અને સંદેશો આપ્યો.
પિતાંબરભાઇ નો દિકરો મુળશંકર થોડા જ દિવસ માં સ્વામીના આશીર્વાદે સાવ સાજો થઇ ગયો. આમ, પિતાંબરભાઇને સતસંગમાં રહ્યા થકા કાયમ મોટા સંતમાં આત્મબુદ્ધિ નું હેત હતું.
પિતાંબરભાઇ પોતાના ઘર વ્યવહાર સારું વ્યાજવટાવ નો ધંધો કરતા હતા. તેઓ વારે વારે અમરેલીની કોર્ટ કચેરીમાં કામે પણ જતા હતા. આ વખતે પોતે વધારે ભણેલા ગણેલા ન હોય એમને કોર્ટ ના અધિકારીઓ સાથે વાતચિત અને પત્ર વ્યવહારમાં ઘણી અગવડતા પડતી હતી, એ વાતે એમને ઘણો સંકોચ રહેતો હતો. એકવખતે સ્વામી આંકડીયા પધાર્યા ત્યારે એમણે સ્વામી ને આ વાત કરી ત્યારે સ્વામી એને માથે હાથ મેલીને બોલ્યા કે “પિતાંબર, એ બધા ભલેને ગમે એટલા ભણેલા ગણેલા હોય પણ એ તો જગત ના જીવ છે ને આપણે સર્વેશ્વર શ્રીહરિના અક્ષરધામના મુક્ત છીએ. જગતના વિષયી જીવ ભલે ને ગમે એટલો પ્રભાવ બતાવે પણ એનાથી સહેજ પણ દબાવું નહી, હૃદય માં શ્રીહરિ ને ઘારીને કાયમ પોતાનું કામ કરવું, જા પિતાંબર તારી જીભે શ્રીહરિની કૃપા વરહશે.” આમ સ્વામીના આશીર્વાદે એમની વાણીના પ્રભાવે મોટા મોટા અધિકારી ઓ સાથે તેઓ સત્ય વાત કરતા ડરતા નહી.
આવા પરમભકત પિતાંબર ત્રિવેદી કાયમ કહેતા કે “આ બધોય પ્રતાપ ગુરુદેવના આશીર્વાદ અને શ્રીહરિનો પ્રતાપ છે.”
– સદગુરૂ બાલમુકુંદદાસ સ્વામીના જીવનપ્રસંગોમાંથી….