સંવત ૧૯૪૫માં સદ્દગુરુ શ્રી યોગેશ્વરદાસ સ્વામી જૂનાગઢ મંદિરનો વહીવટ સંભાળતા હતા. આ અરસામાં ઈ.સ. ૧૮૮૭થી જૂનાગઢમાં રેલવે ટ્રેક બીછાવવાનું કામકાજ ચાલતું હતું. (ઈ.સ. ૧૭૬૩માં દીવાન ગોકુલજી ઝાલાના સમયમાં રેલવે નાખવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. જૂનાગઢ થી વેરાવળ સુધીની સુવિધાની સૌ પ્રથમ જાહેરાત જૂનાગઢમાં બહાઉદીનભાઈએ કરી હતી. ૧૦૭ કી.મી.ની રેલવે નાખવામાં જૂનાગઢ રાજ્યે ૩૭ લાખ રૂપિયા ખર્ચેલા. જાન્યુઆરી ૧૮૮૮ના રોજ પ્રથમ ટ્રેન જૂનાગઢ ખાતે પ્રવેશી હતી.)
આ રેલવે ટ્રેકનો માર્ગ આગળ જતાં મંદિરના ચોગાન પાસેથી નીકળતો હતો. જૂનાગઢ સ્ટેટની રેલવે ટ્રેકનું કામકાજ એ વખતનાં દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ સાંભળતા હતા. હરિદાસ એક સારા હરિભક્ત પણ હતા.
સદગુરુ યોગેશ્વર સ્વામીને ખબર પડતાં અગ્રગણ્ય હરિભક્તોને દીવાન સાહેબને મળવા મોકલ્યા પણ દીવાનજી કઈ કરી શકે તેમ ન હતા તેથી એમણે સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું. હરિભક્તોએ મંદિરમાં પાછા આવીને સ્વામીને બધી વાત કરી. “સ્વામી, દીવાન સાહેબ માને એવું તો લાગતું નથી. હવે જો શ્રીજીમહારાજ જ કંઈક પરચો દેખાડે તો જ આ કામ શક્ય છે. જો પાટા નંખાઈ ગયા તો રોજ મંદિર પાસેથી ગાડી નીકળશે, અવાજ – ઘોંઘાટ થશે અને ધ્યાન ભજન માં વિક્ષેપ થશે.” હરિભકતો એ અરજ કરી. એ સુણીને યોગેશ્વરદાસ સ્વામી કહે કે “તો હવે બીજું તો શું કરવું? ભક્તો આપણે સહું મળીને શ્રીજીમહારાજને પ્રાર્થના કરીયે. આપણા મહારાજ આપણને જરૂર કાંક રસ્તો સુઝાડશે.”
હરિભકતો કહે “સ્વામી, સાંભળ્યું છે કે દીવાનજીને એકેય દીકરો નથી. જો આપ આશીર્વાદ આપો તો એને ઘેર પારણું બંધાય તો કંઈક થઇ શકે.” સ્વામી કહે કે “અમે તો કોઈને દીકરા દેતા નથી પણ શ્રીજીમહારાજને પ્રાર્થના કરીએ, તમે દીવાનજીને અહીંયા બોલાવો.”
હરિભક્તોએ દીવાનજીને મંદિરે પધારવા આમંત્રણ આપ્યું. દીવાનજીએ મંદિરમાં આવીને દેવદર્શન કર્યા. પછી ધર્મશાળામાં સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી અને જુનાગઢના જોગી સમાધીનીષ્ઠ એવા સદગુરુ મહાપુરૂષદાસજી સ્વામી બેઠા હતા ત્યાં તેમની પાસે આવ્યા. પ્રણામ કરી સામે બેઠા ને બોલ્યા કે “પ્રણામ સ્વામીજી.”
“જય સ્વામિનારાયણ, દીવાનજી, આવો બેસો.” સ્વામીએ મીઠો આવકાર આપ્યો ને સન્માન કરીને બેસાડ્યા. શ્રી રાધારમણ દેવનો પ્રસાદીનો હાર પહેરાવ્યો. દિવાનજી કહે કે “બોલો સ્વામી, મારે લાયક કોઈ કામકાજ?” સ્વામી કહે કે “બસ દીવાનજી, અમારા ભક્તો જે કામે તમારી પાસે આવ્યા હતા તે જ કામ હતું.” ત્યારે દિવાનજી કહે કે “સ્વામી, એ બહુ અઘરું કામ છે. અંગ્રેજ અધીકારીઓ મોજણી પણ કરી ગયા છે. દીવાન ગોકુલજી ઝાલા ના સમય થી આ કાર્યની શરૂઆત થઇ ગઈ હતી પણ જમીનની સોંપણી ન થતા કામ અટકી પડેલું હતું. નવાબ મહાબતખાનજીએ જમીન બાબતની સત્તા અંગ્રેજોને સોંપી ત્યારબાદ આ કામ શરુ થઇ ગયું હતું. ધોરાજી સુધી તો ગાડીના પાટા પણ નંખાઈ ગયા છે. હવે તો જૂનાગઢ માં પાટા માટેનો માર્ગ પણ થઇ ગયો છે.”
યોગેશ્વરદાસ સ્વામી કહે કે “સાહેબ, અમે પણ જાણીએ છીએ કે આપ લોકસેવાના ઘણા કામો કરો છો પણ આ રેલવેનો માર્ગ થોડો આઘેરોક થઇને કાઢો તો સારું.” દિવાનજી હાથ જોડીને બોલ્યા કે “ભલે સ્વામીજી, હું બનતો પ્રયત્ન કરી જોઇશ.”, સ્વામી રાજી થતા બોલ્યા કે “દીવાનજી, આપ જો આ કાર્ય કરશો તો કેટલાય સંતો ભક્તોનો રાજીપો મળશે. સહુ કોઇ મંદિરમાં સુખેથી ભજન કરશે તો શ્રીહરિનો રાજીપો પણ મળશે.”
“સ્વામીજી, આપ પણ મહારાજને પ્રાર્થના કરજો કે હું આપનુ આ કામ કરી શકું.” દીવાન હરિદાસ ની સાથે મુમધાના પાટીદાર હેમાભાઇ પણ આવ્યા હતા તેમણે સદગુરુ યોગેશ્વરદાસ સ્વામીને કહ્યું, “સ્વામી હરિદાસભાઇને એકેય સંતાન નથી. આપ એમને દીકરો થાય એવા આશીર્વાદ આપો.”
“હે… દીવાનજી… આપને સંતાન નથી ?”
“હા સ્વામીજી, ભગવાને બધું આપ્યું છે પણ એક શેર માટીની ખોટય છે.”
“દીવાનજી, જો તમે આ રેલવે નું કામ અટકાવો તો શ્રીજીમહારાજ તમને જરુર દીકરા આપશે, આપ ગાડી ના પાટા બદલો, શ્રીજીમહારાજ તમારા નસીબ ના પાટા જરુર બદલશે..!”
“ભલે સ્વામીજી, હું એ કામ કરવા બનતું કરીશ જ..!”
યોગેશ્વરદાસ સ્વામી પણ દીવાન ઉપર રાજી થયા. સદગુરુ મહાપુરૂષદાસજી સ્વામી કહે, “હરિભાઈ, શ્રીજીમહારાજ અને સાધુની કૃપાથી દીકરા થશે માટે તેમના નામ સંતદાસ અને સ્વામીદાસ રાખજો.”
“ભલે સ્વામી.” ત્યારબાદ, જૂનાગઢ માં દીવાન હરિદાસજીએ રેલવે માર્ગ બદલીને મંદિર થી દૂર લઇ જવાનું નક્કી કર્યું. સમય જતાં દીવાનજી ને ૩ દીકરા થયા જેમાંથી એક જન્મતાં ની સાથે જ બાળમૃત્યુ પામ્યો. મહાપુરૂષદાસજી સ્વામી ના કહેવાથી દીકરાના નામ સંતદાસ અને સ્વામીદાસ રાખેલા.
– સદગુરુ યોગેશ્વરદાસ સ્વામીના જીવન પ્રસંગોમાંથી….