ગીરગઢડાના પાસે વડવીયાળા નામે એક ગામ આવેલું છે, આ વડવીયાળા ગામમાં સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજ્યાઁનંદ સ્વામી એ સત્સંગ વિચરણ કરીને મુમુક્ષુંઓને સત્સંગ કરાવેલ. ગામમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનું મંદિર સદગુરુ વૃજ્યાનંદ સ્વામીએ કરાવેલ. આથી ગામમાં સંતોના યોગે ઘણા પરિવારો સત્સંગી હતા. સમયજતાં ગામમાં જુનાગઢથી શ્રીરાધારમણદેવના મંદિર થી અવારનવાર સંતો આવતા સત્સંગનું બળ પુરુ પાડતા અને ગામના હરિભકતો વતિ દેવધર્માદો લઇ જતા અને શ્રીરાધારમણ દેવને અર્પણ કરતા.
એકવખતે જૂનાગઢથી સદગુરુ વિષ્ણુવલ્લભદાસજી સ્વામી અને માધવચરણદાસજી સ્વામી વડવીયાળા ગયા. ત્યાં ગામમાં ધના વિપ્ર નામે એક હરિભકત હતા. તે મંદિરે સંતો આવ્યા જાણીને તુરંત જ મંદિરે આવ્યા, સંતોને પગે લાગીને કહે કે ‘સંતો, હું ખીચડી ઘેરથી કરી લાવું તે તમારે મહેનત નહીં.’ ત્યારે માધવચરણ સ્વામી કહે, ‘ધના ભગત, તમે ઘી ન નાખો તો જ કરી લાવો.’ ત્યારે ઘના વિપ્ર કહે, ‘સ્વામી, હુ તો જાતે બ્રાહ્મણ છવ, મારે ક્યાં દુજાણું છે? થોડુંક ઘી લાવીશ, તે તમે ઠાકોરજીને ધરીને જમજ્યો.’ સંતો રાજી થયા અને હા કહી. ધનાભગત તો અતિ હર્ષથી પોતાને ઘેર ગયા અને અતિ હેતે પવિત્રપણે ખીચડી કરી તે જેટલી ખીચડી તેટલું ઘી નાખીને બનાવી, પછી એક વાસણમાં ખીચડી અને એક વાટકામાં ઘી લઇને મંદિરે સંતો પાસે લાવ્યા. સંતો ઠાકોરજીને થાળ ધરીને માનસીપુજા કરીને સંતો જમવા માંડ્યાં તે ખીચડીમાં ઘણું ઘી જોઇને કહે, ‘ધનાભગત, ના પાડી હતી તો પણ ખીચડીમાં ઘી નાખ્યું?’ ત્યારે હાથ જોડીને ધના વિપ્ર કહે, ‘મા-બાપ, તમે ક્યારેક આવ્યા હો તો અમારું થોડું અન્નદ્રવ્ય તમારે અર્થે વપરાય તો અમારું સારું થાય ને! અમારા સંસારીના ઘરનું કાંક દ્રવ્ય તમ જેવા પવિત્ર સંતો જમે તો, અમારું આ આયખું લેખે લાગેને..! સંતો ભગતનો અતિ ભાવ જોઇને થોડી ખીચડી જમ્યા અને બીજી પ્રસાદી તરીકે પાછી દીધી.
સાંજે ઠાકોરજી ને આરતિ-ધૂન્ય થયા ને સહુ હરિભકતો એ વરહનો ધર્માદો સંતોને આપવા ભેગા થયા. આ ધના ભગત પાહે ધર્માદો આપવા માટે પાસે બીજું કાંઇ નહી એટલે એણે એની ઘંટી વેંચીને તેની એક રાળ આવી તે આપી. ત્યારે ગામના સત્સંગીઓએ તુંરતજ કહ્યું, ‘સ્વામી! ધના વિપ્રે પોતાની ઘંટી વેંચીને ધર્માદો આપ્યો છે.’ એટલે સ્વામીએ પાળા (પાર્ષદ)ને કહ્યું કે, ‘તેને એની રાળ પાછી આપી દ્યો.’ સ્વામીએ ધના ભક્ત ઉપર ખીજાયને કહ્યું, ‘ઘંટી વેંચી તે હવે દળશો શેણે?’ ત્યારે ધના વિપ્ર ગળગળા થઇને કહે, ‘મા-બાપ! શ્રીજીમહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે ને ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ તો અમારે વરહદાડે કાંક ધર્માદો તો આપવો જોઇએ ને!’ સંતો તો એમની વાત સાંભળીને અવાક્ થઇ ગયા. મોટા સંતોના સમાગમે આવી તેમની અડગ સમજણ હતી.
જ્યારે સમયજતાં ધનાભગત વિપ્રનો દેહ પડવાનો થયો ત્યારે એમણે ગામના માણસોને બોલાવ્યા ને કહ્યું, ‘જુઓ મને આપણા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે. ને હજારો વિમાન, રથ અને સાધુનો પાર નથી. જેને આવવું હોય તેને ચાલો તેડી જાઉં. એમ કહીને બોલતા ચાલતા વાતો કરતા સહું ને જય શ્રી સ્વામિનારાયણ કહીને દેહ મેલ્યો. જ્યારે તેઓ શ્રીહરિ અને અનંતમુકતો સાથે અક્ષરધામમાં સીધાવ્યા ત્યારે રથનો ઝણઝણાટ ગામનાં કેટલાંક લોકોએ સાંભળ્યો.
– સદગુરુ શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતોમાંથી…