ગોંડલના દેરડી ગામના દરબાર ભક્ત એવા માંજરીયા મેરામભાઇ અને એમના પત્નિ બન્નેને સંતોના યોગે રૂડો સત્સંગ થયો હતો. સંવત ૧૮૬૮ની સાલમાં શ્રીજીમહારાજ સહું સંતો ભક્તો સાથે તેને ત્યાં પધાર્યા અને કહ્યું કે, “ભગત ! ભજન કરતા દાણાં ખૂટે તો ગઢડે આવતા રહેજો, પણ દુઃખી ન થશો.” તે સમયે દુષ્કાળના આગોતરા એંધાણ હોઇ શ્રીહરિ સહું આશ્રિત ભક્તોને અગાઉથી જણાવતાં હતાં. દુષ્કાળનાં વર્ષમાં ઘરના ઘર મેલીને લોકો વગડો વીખીને સીમાડા વળોટી ચાલ્યા. આવા કપરા સમયે મેરામભગતની કોઠીએ પણ દાણા ખુટયા. એમના ઘરવાળા કરમાબાઇએ મેરામભગતને કહ્યું, “હાલોને ગઢડે જઇએ. અહીં શીદ દુઃખી થઇ રહેવું ? શ્રીજીમહારાજે આપણે ગઢડે આવતા રેજયો એમ કહ્યું છે તો ત્યાં સુખે ત્યાં ભજન થશે. વળી ગઢપુર પેટ પુરતું અન્ન તો મળી રહેશે. આ કોઠીઓ તો હવે ખાલીખમ થઇ છે, ઘરમાં ઊંદરડા હડીયાપાટી કરે છે. આમ દિન પર દિન જશે તો ભૂખ સંતાપશે તેના દુઃખથી પીડા સહેવાશે નહિ ભગત !”
મેરામ ભગતે શુરવિરતાથી કહ્યું, “કાઠીયાણી ! ધર્માદો ખાવો એ આપણને કાઠીને કલંક બરાબર કહેવાય, એ કરતા ભુખ્યે મરી જઇશ પણ ગઢડે તો નહીં જ જાઉં..! હા ! તમારે જવું હોય તો છુટા છો.”
કરમાબાઇ બોલ્યા કે ‘ભગત સોય વાંહે વાંહે દોરો જાય. મારો ધરમ તમે જ્યાં હો ત્યાં રહેવું. તો પછે મારે જવાની વાત ક્યાં રહી ?” પછી તો પતિ-પત્નિ ઘરના કમાડ બંધ કરીને ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..!’ એમ અહર્નિશ ભજન કરવા લાગ્યા. આમને આમ ત્રણ ‘દિ ને ત્રણ રાત્રિ વીત્યા. અંતે મેરામ ભગતના મોંમાથી બોલ નીકળ્યાં, “કાઠિયાણી ! હવે તો ભુખ સહન થતી નથી. જીવ તાળવે ચોટીને જળ વિનાની માછલીની જેમ તરફડે છે.”
ત્યારે કરમાબાઇએ પતિને ફરી શ્રીજીમહારાજના કહ્યાં વેણ યાદ કરાવી કહ્યું, “તો પછી હજુય વેળા છે. મોડું નથી થયું. નિરાંતે ભજન કરવા હાલોને ગઢડે.” મેરામભગત પણ વટનો કટકો તે ઊંહ કરીને મોં ફેરવી ગયા.
એ દિવસે રાત્રિ નો ડોઢ પહોર થયો અને મેરામ ભગત ઘર બહાર લથડીયા ખાતા નીકળ્યા. ગામના એક વાણિયાના દુકાનનાં કમાડ ખસેડીને એક મુંઠી જુવાર કાચે કાચી ખાઇ પાછા ઘેર આવ્યા. ચોથો દિવસ તો એમ જ પસાર થયો.
સંધ્યા ઉતરી રાત રૂમઝૂમ કરતી રમણે ચડી તે જ વેળા એ ભગતના ઘરના આખા ઓરડામાં ચંદ્રમાં ઉતર્યો હોય તેવા તેજના પુંજ ઉતરી ને પથરાઇ ગયા. તે તેજ વચાળે શ્રીજીમહારાજને મેરામ ભગતે જોયા. એ જ વેળા ટેકા વગરની લાકડી પડે તેમ ભગત-ભક્તાણી શ્રીહરિને ચરણે પડયા.
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે, “મેરામભગત ! તમે ઉઠીને ચોરી કરી એ ઠીક ન કર્યું.”
ત્યારે મેરામભગત કહે ‘પણ ! મહારાજ ભૂખે બહું દુખવ્યો તે મતિ ભ્રમિત થઇ ગઇ’તી.’ શ્રીહરિ કહે ‘તો પણ તમે ધર્મ ચુક્યા છો. લ્યો, આ પાંચસો કોરી.’ એમ કહી શ્રીજીમહારાજે રૂપિયાનો ઢગલો કર્યો અને કરમાબાઇને કહ્યું, “મારા ભક્તે વાણિયાની દુકાને રાત્રે જઇ એક મુઠ્ઠી જુવાર ચોરી ખાધી છે. માટે ભગતે વાણિયાને ઘેર જેટલા જુવારના દાણાં ચોર્યા તેટલા જન્મ લેવાં પડશે.”
કરમબાઇએ મહારાજને આજીજીથી વિનંતિ કરતા કહ્યું કે, “મહારાજ ! તેનો અપરાધ માફ કરો. તમે તો દયાળું છો.”
શ્રીજી કહે ‘બાઇ કર્મ કર્યા તેના ફળ તો ભોગવવા જ જોઇએ.’ તે સુણીને શ્રીજી મહારાજને કરમાંબાઇ હાથ જોડીને કહે ‘તો…તો…મહારાજ ! હું કલંકીત બની, એકલી અટુલી તેની ઝંખનામાં ઝુરતી ભવોભવ દુઃખી થઇ ભટકતી રહીશ. તેમના વિના મારૂ એકેય આયખું સુખે જશે નહીં.’
શ્રીજીમહારાજે કરમાબાઇની વિનંતી સાંભળી દયા આવતા કહ્યું, “તો વાણિયાની એક મુઠ્ઠી જુવારના ત્રણ રૂપિયા આપી તેને ત્રણ દંડવત કરી માફી માંગજો અને ભગત ! બાકીના રૂપિયામાં આ દુકાળનું વરહ પાર કરજો.” આટલું કહી શ્રીજીમહારાજ અંતર્ધ્યાન થઇ ગયા. ઓરડામાં રાત્રીનો આછો અંધકાર ફરી પથરાઇ ગયો.
પ્રભાતમાં ઉઠતા જ નિત્ય કર્મથી પરવારી ભગતે વાણિયાના ઘર તરફ ગડગડતી દોટ મેલી. વાણિયો ઓશરીમાં બેઠેલો જોઇને પગે પડી ત્રણને બદલે છ દંડવત કર્યા, પાંચ કોરી મેલી ને માફી માંગતા કહ્યું, “શેઠ ! મને માફ કરજો. ભૂખના દુઃખમાં મે કાળું કામ કાલે રાત્રે કર્યું. તમારી હાટડીના કમાડ ખેંચી મુઠ્ઠી જુવાર ખાધી’તી, તેનો હિસાબ રૂપિયા અને વ્યાજ સાથે આપું છું. અને દંડવત કરી માફી માંગુ છું. તમે માફ કરો.” આ સાંભળી વાણિયો ગદ્ગદ્ થઇને ભગતના હાથ પકડી બોલ્યો, “ભગત ! હાંઉ કરો બાપલા ! તમારી ભૂલ જ નથી. હું જ માયામાં ડુબેલ. ભૂખ્યાનો ભાવ સમજ્યા વિના આયખું એળે વીતાવ્યું. તમારો હિસાબ વ્યાજ સાથે મળી ગયો, લ્યો હવે રાખો !’ અને એ જ સમયે શેઠ પાસે પ્રાયશ્ચિત કરતા મેરામભગતને જોઇને વણિક શેઠ ને બહું ગુણ આવ્યો. એ શેઠ શ્રીસ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય દ્રઢ કરી ને શ્રીહરિના ચરણે આશ્રિત થવા ગઢડા પ્રયાણ કરવા મેરામભગત હારે જવા તૈયાર થયા.
સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૧૩ની પંકિત ૭૬-૭૭માં દેરડીના હરિભક્તોમાં ચિંતવતા લખ્યા છે કે….
સરતાનપુરે આલો તેલી, ભજે હરિ જગલાજ મેલી..!
શેઠ લાધો ખીમો ને રૂપશી, કાઠી મેરામ રામજી કરશીં..!!
એહાદિ દાસ વસે દેરડી, જેની પ્રીત્ય પ્રભુ સાથે જડી..!
એવા હરિજનનાં જે નામ, લખવા છે મારે હૈયે હામ..!!
- શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…