સંવત ૧૮૮૨ના કારતક સુદિ પ્રબોધીની એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર શ્રીઅયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર શ્રીરઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ (ઉત્તર) અને વડતાલ (દક્ષિણ) એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યારબાદ સંવત ૧૮૮૩ના માગસર સુદિ પૂનમના દિવસે શ્રીજીમહારાજે શુકમુનિ પાસે દેશ વિભાગનો પાકો લેખ તૈયાર કરાવી ગઢપુરમાં શ્રીવાસુદેવનારાયણના ઓરડામાં મોટાભાઇ રામપ્રતાપભાઈ અને ઇચ્છારામભાઈ તથા સર્વ ધર્મકુળના કુટુંબીજનો તેમજ સદગુરુ મુકતાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, શુકમુનિ વગેરે સહું સંતો દાદાખાચર, સુરાખાચર વગેરે હરિભક્તો સમક્ષ વંચાવ્યો. નાનાભાઇ ઈચ્છારામભાઈને એ વખતે અસાધ્ય મંદવાડ લાગુ પડ્યો હતો. દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદો શ્રીવાસુદેવનારાયણનો ઓરડો છે, ત્યાં શ્રીહરિ ઈચ્છારામભાઈ પાસે આવ્યા. એમનું શરીર બહુકૃશ થઇ ગયું હતું. શ્રીજીમહારાજના દર્શનની જ એકમાત્ર તેમને ઝંખના રહ્યા કરતી હતી. શ્રીજીમહારાજ પધાર્યા એટલે તેમના દર્શનથી ભાઈને અતિ આનંદ થયો; એમની આંખો હર્ષાશ્રુથી ઉભરાઈ ગઈ. તે જોઈ શ્રીજીમહારાજે તેમને કહ્યું: “ભાઈ, આયુષ્ય તો આજે પૂરું થાય છે, પણ જો આ લોકમાં વધુ રહેવાની ઈચ્છા હોય તો વધુ આયુષ્ય આપીએ.” આ સાંભળી પથારીમાં જરાક બેઠા થઇને ઇચ્છારામભાઇએ બે હાથ જોડ્યા અને ગદ્ગદ કંઠે બોલ્યા: “ભૈયા! આપ તો સાક્ષાત્ પુર્ણપુરુષોત્તમનારાયણ છો. તેથી આપના સાનિધ્યમાં મારો દેહ પડે તેથી મોટું બીજું મારું શું ભાગ્ય હોય શકે ! આ દેહ હવે જીર્ણ થઈ ગયો છે, આ લોકની હવે અંતરમાં કોઈ વાસના નથી. આપના સ્વરૂપમાં જ મારી વૃત્તિ સ્થિર થઈ ગઈ છે. તેથી આ દેહ છોડાવી બ્રહ્મમયતનુ ધરાવી અક્ષરધામમાં આપની સેવામાં મને રાખો અને એ શાશ્વત સુખનો અનુભવ જ હવે કરવા રહેવું છે. હવે મારે બીજી કોઈ ઈચ્છા રહી નથી.” શ્રીજીમહારાજ તેમની સમજણ જોઈ બહુ રાજી થયા.
આઠેક દિવસ પછી સંવત ૧૮૮૩ના પોષ સુદ ૮ના શુક્રવારે ઈચ્છારામભાઈએ બોલતા ચાલતા પોતાનો દેહત્યાગ કર્યો. ઈચ્છારામભાઈ ધામમાં ગયા તે સમાચાર દરબારમાં પ્રસરી ગયા. શ્રીજીમહારાજે તરત જ જરી અને કિનખાબ ભરેલ સુશોભિત વિમાન તૈયાર કરાવ્યું. ઈચ્છારામભાઈના ભૌતિક દેહને ષોડશોપચારે સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવી વિમાનમાં પધરાવ્યો. રઘુવીરજી મહારાજે તેમના પિતાશ્રીના દેહનું પૂજન કર્યું, આરતી ઊતારી. શ્રીજીમહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને નજીક બોલાવી કહ્યું: “સ્વામી! કીર્તન બોલો.” બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા મળતાં તરત કીર્તન ઉપાડ્યું: ‘લગાડી તેં પ્રીતિ લાલ રે …. પ્રીતલડી તો લગાડી , લગાડી તેં પ્રીતિ લાલ રે ….’ પછી રઘુવીરજી મહારાજ, અયોધ્યાપ્રસાદજી મહારાજ , ગોપાળજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ એ ચારેએ વિમાન ઉપાડ્યું અને ઝાંઝ, પખવાજ વગાડતાં થકા નારાયણ ધૂન્ય કરતાં સર્વ દરબારગઢ વાસીઓ ઇચ્છારામભાઇની અંતિમયાત્રામાં ચાલ્યા. શ્રીજીમહારાજ તથા દાદા ખાચર પણ સાથે ચાલ્યા. ઘેલા કાંઠે અગ્નિસંસ્કાર કરી, ત્યાં મહારાજે સભા ભરી. એ વખતે પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું: “સ્વામી! ‘લગાડી તેં પ્રીતિ લાલ રે’ કીર્તન ગાઓ.” બ્રહ્મમુનિએ ખૂબ ભાવથી ફરી એ કીર્તન ગાયું . પછી શ્રીજીમહારાજ બોલ્યા: “આ કીર્તનમાં જેવું કહ્યું છે તેવું જ ભાઇ ઈચ્છારામજીને અમારી સાથે હેત હતું.” બ્રહ્મમુનિ ઉપર ખૂબ પ્રસન્નતા બતાવીને શ્રીજીમહારાજે પોતે ઓઢેલો ચોફાળ સ્વામીને આપ્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે : “મહારાજ! આ તો નવો જ ચોફાળ છે, તે તમે રાખો તમારે ઓઢવાના કામમાં આવશે. મને તમારો ઓઢેલો જૂનો પ્રસાદીનો ચોફાળ આપો.” પછી મહારાજે પોતે નિત્ય ઓઢતા હતા તે જૂનો ચોફાળ સજ્જમાંથી મંગાવીને આપ્યો. ત્યારબાદ શ્રીજીમહારાજે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.” એમ મહારાજે બંને આચાર્યોને સ્વામીની સંભાળ રાખવાની ભલામણ કરી.
શ્રીજીમહારાજની આ ભલામણ ને બંને આચાર્યશ્રીઓ એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની કાયમ વિશેષ બરદાસ્ત જાળવતા થકા ‘શ્રીજીમહારાજે અમારા દશોંદી સ્થાપ્યા છે’ એમ કહીને સ્વામીને માન-સન્માન પુર્વક મર્યાદા રાખતા.
– સદગુરૂશ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવનકવનમાંથી….