એક સમયે શ્રીજી મહારાજે, એકાંતવાસ રાખ્યો હતો; એવામાં એક વાર આંબા શેઠ, મહારાજના દર્શને ગઢડે આવ્યા.
હવે અંહિયા તો મહારાજની આજ્ઞા સિવાય, કોઈ જ દર્શન નો જઈ શકે. પણ પ્રેમીભક્ત આંબાશેઠ તો વળી કેવી રીતે દર્શન વિના રહી શકે ?
એટલે તેમણે એક યુક્તિ વિચારીને, એ જ સમયે, અક્ષર ઓરડીએ બિરાજેલા મહારાજના દર્શન કરવા વંડીએ ચડ્યા. પણ આ તો વાણિયાનું શરીર, એટલે વંડીએ ચડવાનું ફાવ્યુ જ નઈ. આંબાશેઠ વંડીએ ચડી તો ગયા; પણ ત્યાં ટકી જ નો શક્યા, અને ગોથું ખઈને, ધબ્બ કરતા નીચે પડ્યા.
શેઠ તો નીચે પડ્યા, એનાથી તેમને મુઢ માર વાગ્યો, એટલે જોર જોર થી બૂમો મારવા માંડ્યા, “ન્યાલકરણ..! ન્યાલકરણ..!” આ ઘોંઘાટ સાંભળીને મહારાજે બહાર આવીને, સેવામાં રહેલા પાર્ષદ ને પૂછ્યું કે, “આ અવાજ શાનો આવ્યો ? શું થયું છે બહાર ?”
પાર્ષદે જણાવ્યુ કે, “ઈ તો આંબાશેઠ, છુપાઈને તમારા દર્શન કરવા વંડીએ ચડ્યા હતા. એ નીચે પડી ગયા, એમનો અવાજ છે.” એટલે ભક્તવત્સલ શ્રીજી મહારાજે, પાર્ષદોને જણાવ્યુ કે, “મારા દર્શન માટે સૌવ ને બંધી, પણ આંબા શેઠ માટે નહીં. કેમ કે, એ વાણિયો પ્રેમ ને પ્રેમમાં દર્શન કરવા જતાં, હાથ પગ ભાંગી નાખશે. એટલે એમને ક્યારેય પણ દર્શન માટે ના પાડવી નહીં..!”
ત્યાંરે મહારાજ અક્ષર ઓરડીની ઓસરીએ ઊભા હતા. આંબા શેઠે એમના દર્શન કર્યા, અને શાંત થઈને પૂછ્યું, “મહારાજ ! હવે આંબો તમારા દર્શને આવી શકે ?”
ત્યારે મહારાજે હંસતા હસતાં કીધું, “ખીજડા આવે, લીંબડા આવે, તો આંબો કેમ નો આવે ? જરૂર થી આવજો, બસ !”
અને શ્રીજી મહારાજનું દર્શનસુખ પામીને, આંબા શેઠ મહા આનંદને પામ્યા.