જયારે શ્રીજીમહારાજે મુકતરાજ ઝીણાભાઇના આગ્રહે પંચાળાધામમાં સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને એ ઐતિહાસિક રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા માં સદગુરુ શ્રીબ્રહ્માનંદ સ્વામીએ તેથી ગાયું છે કે….
છેલો ઠમકે માંડે પાવ ઠાવકા રે,
વાજે ઘુઘરડીનો ઘેર…
કહી શોભા ન જાય પ્યારા કા’નની રે…
એ વખતે પંચાળા ગામના આ ભકતરાજ મકન ઠક્કર (કોટક અટક) આર્થિક વ્યવહારે ખુબ જ ગરીબ સ્થિતિમાં હતા, પરંતુ તેઓ ખુબ સેવાભાવી અને શ્રીહરિને વિશે અતિ હેતવાળા હતા. તેમને પંચાળા ગામમાં નાની એવી કરીયાણાની હાટડી હતી, તે હાટડીથી ઘરનો વહેવાર માંડ માંડ ચાલતો. જયારે મહારાજ કે સંતો-ભક્તો પંચાળા પધારે ત્યારે મકન ઠક્કર ખુબ ભાવથી સંતો માટે કૂવેથી પાણી સીંચી લાવવું, રસોઈ માટે લાકડા લાવવા, વાસણો ઉટકવા, શાકભાજી સમારવા, રસ્તા સાફ કરવા, સભાની બેઠક વગેરે જરુરી વ્યવસ્થા કરવી વગેરે દરેક નાની મોટી સેવામાં તેઓ આત્મિયભાવે લાગી જતા. એક વખત શ્રીજીમહારાજે મકન ઠક્કરની ગરીબ સ્થિતિ અને ફાટેલા વસ્ત્રો જોઈને નવા વસ્ત્રો આપ્યા, તેમને મુઠી ભરીને રૂપિયા આપ્યા ! આમ સર્વેશ્વર શ્રીહરિએ મકન ઠક્કરને પોતાના સ્વહસ્તે રુપીયા આપીને એમની ગરીબાઈ કાઢી.
એવી સાંભળી વાલાની વાત, સહુ થયા અતિ રળિયાત..!
પછી આવ્યો દુર્બળ એક દાસ, અકિંચન નહિ વસ્ત્ર પાસ..!!
તેને આપ્યા અંબર કરાવી, વળી મૂઠડી મોરે ભરાવી..!
કાપ્યું દારિદ્ર એમ જનનું, હતું દુઃખ જે બહુ દનનું…!!
-શ્રીભક્તચિંતામણી પ્રકરણ ૭૫ પંકિત ૧૭-૧૮
આમ શ્રીજીમહારાજે સ્વહસ્તે ભકતરાજ મકન ઠક્કરનું પ્રારબ્ધ બદલાવ્યું ને એમની ગરીબાઈ દૂર કરી, ત્યાર પછી તેમની દુકાનમાં વેપાર વૃદ્ધિ પામ્યો, અને વહેવાર પણ ખુબ સારો થયો ! મકન ઠક્કરની દુકાન ધમધોકાર ચાલતી થઇ ને આજુંબાજુંના ગામડાઓમાં મકન ઠક્કર હવે તો મકન શેઠ તરીકે ઓળખાવા મંડ્યા.
એક વખત શ્રીજીમહારાજ સુરાખાચર, અલૈયાખાચર, મોકાખાચર વગેરે સહું સાથે પંચાળા પધાર્યા, તેમની દુકાને પધારીને મહારાજે મકન ઠક્કરને કહ્યું કે અમારે પંચાળામાં સમૈયો કરવો છે. એમાં તમે શું આપો છો ?’ ત્યારે મકન ઠક્કર હાટડીના થડા ઉપરથી ઉભા થઇને મહારાજને હાથ જોડીને કહ્યું કે ‘હે મહારાજ ! આ બધુંય તમારું જ દીધેલું છે ! બાકી અમારે તો બે ટાણાંના દાણા પણ કોઠીએ ટકતા નહોતા. પ્રભું, આપને જે વસ્તું પદાર્થ જોઈ એ તમામ આમાંથી જ વાપરીએ‘ આમ એ વખતે ઉત્સવમાં મકન શેઠની દુકાનનો માલ સમૈયામાં વપરાયો, મકનશેઠે પોતાની દુકાનમાંથી કોઈ દરકાર રાખ્યા વિના સંતો-ભક્તો અને શ્રીજીમહારાજની સેવા કરી. જ્યારે સમૈયો પૂર્ણ થયો ત્યારે શ્રીહરિના ઐશ્વર્યપ્રતાપે મકન શેઠની હાટડીમાં તમામ માલસામાન એમ ને એમ જ હતા ! આમ, વિશ્વાસુંભકત એવા મકન ઠક્કરની દુકાને શ્રીહરિએ પરચો પુર્યો હતો !
સમય જતા શ્રીહરિ સ્વધામ સીધાવ્યા અમને ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ભકતરાજ મકન ઠક્કરના દિકરા રામજી ઠક્કર પંચાળાથી કાલસારી ગામ, (જિલ્લો જૂનાગઢ, તાલુકો વિસાવદર) આવીને વસ્યા.
જૂનાગઢના નવાબે કાલસારી ગામની સીમમાં ગાયોની ગૌશાળા સારું એક ખડની વીડીની જમીન શ્રીસ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આપી હતી. ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીએ પંચાળાથી મકન ઠક્કરના પુત્ર રામજી ઠક્કરને જૂનાગઢ તેડાવ્યા અને કાલસારી ગામની વીડીનો વહીવટ અને ઢોર-ઢાખરની દેખરેખ રાખવા માટે રામજી ઠક્કરને સાથે લઈને કાલસારી ગામ આવ્યા. રામજી ઠક્કરને કાલસારીમાં મૂકીને સ્વામી ગીર તરફમાં પ્રદેશમાં ગયા, રામજી ઠક્કરને કાયમ ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું નિયમ હતું. ગુણાતીતાનંદ સ્વામી તો ચાર પાંચ દિવસે કાલસારી આવ્યા, ત્યારે જાણ્યું કે રામજી ઠક્કરે તો પાણીનું ટીપુંય પીધું નથી ! ગુણાતીતાનંદ સ્વામી તેમના ઉપર ખુબ રાજી થઈને ઠાકોરજીના દર્શન કરવા માટે એક પથ્થરને સિંદૂર લગાવીને વિધિ પૂર્વક કાલસારી ગામમાં શ્રીહનુમાનજી તરીકે સ્થાપીને રામજી શેઠને કહ્યું “ આજથી હવે આ જ તમારા ઠાકોરજી છે ! જાઓ તેમાં તમને શ્રીજીમહારાજ અને શ્રીહનુમાનજીના બેઉના દર્શન થશે ! હવેથી રોજ તેના દર્શન કરીને જમી લેજો ! હવે આ ગામમાં તમે રહો, તમારા કુટુંબની અમે દેખરેખ રાખશું, તમે તો આ પ્રદેશના શેઠ કહેવાશો “ આમ રામજી ઠકકર પંચાળાથી કાલસારી રહેવા આવ્યા ને સ્વામીના આશીર્વાદે પોતાના પરિવાર સાથે આહીં જ કાયમી થયા. ગુણાતીતાનંદ સ્વામીએ સ્થાપન કરેલા શ્રીહનુમાનજીને રાજકોટ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રીજી શ્રીધર્મજીવનદાસજી સ્વામીએ કાલસારી ગામમાં શ્રીસ્વામિનારાયણ મંદિરમાં સ્થાપન કર્યા છે.
કાલસારીમાં અને બીજા ગામોમાં રહેલા રામજી શેઠના વંશજોમાં અદ્યાપિ પણ ખુબ સારો સત્સંગ છે. આમ, શ્રીજીસમયથી ભકતરાજ મકન ઠક્કરના વંશજો વિસાવદર અને કાલસારીમાં વસતા, આ ઠક્કર (કોટક) કુટુંબમાં ઘણા સભ્યોને પણ મહારાજે વખતો વખત પરચાઓ આપીને એમના પ્રારબ્ધના દુઃખો દૂર કર્યા છે.
મકન ઠક્કરના વંશજ એવા વિસાવદરમાં રહેતા શામજી કોટકના પુત્ર કાળિદાસ કોટક પુરાયે વિસાવદર પંથકમાં પ્રમાણિક શેઠ તરીકેની ઘણી ખ્યાતિ હતી. એકવખતે નજીકના ગામના એક સથવારા વ્યક્તિએ આ કાળિદાસ શેઠની પાસે કપડાંની થેલીમાં પોતાની બચાવેલ મુડીના રૂપિયા લઈને આવ્યા, કાળિદાસ શેઠે પોતાના ચોપડામાં તે વ્યક્તિનું નામ ગામ લખીને તેની રૂપિયા ભરેલી થેલી જેમ આપી હતી તે જ સ્થિતિમાં પોતાની પેઢીએ તિજોરીમાં મૂકી દીધી ! તે થેલીની ગાંઠ પણ કદી નહોતી છોડી ! સમય જતા રૂપિયા મુકનાર વ્યક્તિનું મૃત્યુ થયું, મરનાર વ્યક્તિના પુત્રો તેમના કહ્યામાં નહોતા, તેમ રૂપિયા મુકતી વખતે તેમણે કહ્યું ન હોવાથી કાળિદાસ શેઠે તેમના પુત્રોને રૂપિયાની જાણ નહોતી કરી, આથી કાળિદાસ શેઠ એ જ સ્થિતિમાં રૂપિયાની થેલી શાસ્ત્રી શ્રીધર્મજીવનદાસજી સ્વામી ને આપી, સ્વામીએ રૂપિયા મુકનારના પુત્રોને તેડાવીને રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરાવ્યો. પરંતુ નિતીવાન અને પ્રમાણિક એવા કાળિદાસ કોટકે તે રૂપિયાને સ્પર્શ પણ નહોતો કર્યો !
કાળિદાસ કોટકના પુત્ર કાનજીભાઇ કોટક પણ એક પરમ મુક્ત હતા, જિંદગી પર્યન્ત વિસાવદરના સ્વામિનારાયણ મંદિરમાં વિરાજતા ઠાકોરજીની પ્રગટભાવથી સેવા કરી ને શિક્ષાપત્રીની નાની મોટી દરેક આજ્ઞાઓનું યથાર્થ પાલન કરતા.
હાલ પણ પ્રવિણભાઇ, શ્યામભાઇ કોટક વગેરે સહું આખોયે ઠક્કર (કોટક) પરિવાર દેશ-વિદેશમાં વસતા થકા શુદ્ધ જીવન જીવીને ખુબ સારો સત્સંગ રાખે છે ! સંતોના રાજીપાના પાત્ર બન્યા છે.
સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણી ના પ્રકરણ ૧૧૩ની કડી ૨૪ પંચાળા ગામના આ મુકતરાજ મકન ઠક્કર ( કોટક) ને ચિંતવતા લખ્યા છે કે….
ઠકકર ઉકો મકન જેરામ, એહ આદિ તે પંચાળે ગામ..!
ભક્ત હમીર ખોડો કુંભાર, બાઈ કાનું સૂત્રેજ મોઝાર..!!
– શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…