એકવખતે સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા થકા ધોરાજી પધાર્યા હતા. સ્વામીએ મંદિરે ઉતારો કર્યો અને દરરોજ ગામમાં લાલવડે જઇને સહુને કથા કરીને શ્રીહરિના મહીમાંની વાતો કરીને બ્રહ્મરૂપ કરતા હતા.
એકદિવસે ભકતરાજ માધવજી દવેના ઘરે સ્વામીનો સહું સંતો સાથે થાળ રસોઇ જમવા પધાર્યા હતા. સ્વામી ઓંસરીમાં બેઠા હતા એ વખતે ગામનો એક મુમુંક્ષું મુસલમાન કાંઇક કામથી માધવજી દવેના ઘરે આવ્યો હતો તે ફળીયામાં ઉભો હતો. એ મુસલમાનને દૂરથી સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શન કરતા જ અનોખી અંતરમાં ટાઢક વળી બોલી ઉઠયો કે ‘માધવજીભાઇ, આ તો પરવરદિગારના કોઇ મોટા ઓલીયા પુરુષ છે.’ આમ ભાવથી નમાઝીના જેમ હાથ લંબાવી ઉભો રહ્યો. થોડીવાર સુધી દૂરથી જ એમ દર્શન કરીને પોતાનું કામ નીપટાવી ને જતો રહ્યો.
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી અંતર્યામીપણે એમના મુમુક્ષુંભાવને પામી ગયા અને બોલ્યા જે ‘માધવજીભાઇ, આ મુસલમાન તો ખરો ભાવિક નીકળયો.” ત્યારે માધવજીભાઇ હાથ જોડીને બોલ્યા કે ‘સ્વામી, એ સારો પ્રમાણિક માણસ તો છે પણ એને કાયમ જે કોઇ મળે એના વખાણ કરવાની પણ ટેવ છે.’ ત્યારે સ્વામી કહે કે ‘માધવજીભાઇ, હરકોઈ ટેવ તો ટેવ છે, પરંતું હમેશાં કોઇના ગુણ જોઇને એને વખાણવા એને બવ મોટો સદગુણ કહેવાય, બાકી સમાજમાં સહુંને જેની તેની નિંદા કરવા ના હેવા વધારે હોય છે. આજે એને અમારો યોગ થયો છે, એની એ ટેવ કામ આવી ગઇ સમજો.!’ આમ વાત કરીને જમીને સ્વામી મંદિરે પધાર્યા.
બીજેદિવસે સ્વામીએ મંદિરની ઓંસરી માં ઉભા હતા એ વખતે બહાર ફળીયામાં કૂવા પાહે વંડી નીચી હતી તે સ્નાન ક્રીયા વગેરે કરતા બજારમાં આવતા જતા સ્ત્રી-પુરુષો દેખતા હતા, એટલે સ્વામીએ માધવજીભાઇને બોલાવ્યાને કહ્યું કે ‘આપણે આહી બજારમાં સ્ત્રી-પુરુષોની અવર-જ્વર હોય ને વંડી ઉંચી હોય તો આંહી સંતોને નહાતા-ધોવાની નિત્યક્રીયા કરતા વિવેક રહે.’ એ સમે માધવજીભાઇને તુંરત આગલા દિવસનો પ્રસંગ યાદ આવ્યો એટલે બોલ્યા કે સ્વામી, ગઇકાલે પેલો મુસલમાનભાઇ આવ્યો’તો એ જ ચૂનો-પત્થર વગેરે રાખે છે, આપણે એના પાસેથી જ મંગાવીએ તો સારું રહેશે. હું હમણા જ એને બોલાવી લાવું. આમ કહીને પોતે ઝડપભેર ગયા ને એને મંદિરે બોલાવી લાવ્યા.
પેલો મુસલમાન પણ મંદિરે આવીને સ્વામીને પ્રણામ કરીને ઉભો રહ્યો ને હાથ જોડીને કહે ‘બોલો મહારાજ, મારા જેવા નાચીજ ની શું જરુર પડી?’ સ્વામી કહે અમારે મંદિરના ફળીયાની આ વંડી ઉંચી કરાવવી છે, થોડા બેલાને ચૂનો વગેરે જોઇએ છે, તમને જે થશે એ રકમ ચુકવી દેશું.
એ સુણીને એ બિરાદર બોલ્યો કે ‘માંઇ-બાપ, મારું જે કાંય છે એ આપ જેવા ઓલીયા પુરુષની દુવાને લીધે જ છે, હું આજે જ ગાડું ભરાવી ને મોકલું છું.’ આમ કહીને એ તુંરત જ ઉતાવળે પગે ગયા.
ગુણાતિતાનંદ સ્વામી રાજી થયા ને માધવજીભાઇ પ્રત્યે બોલ્યા જે ‘માધવજીભાઇ, જોયું ને જીવની ગુણગ્રહણ કરવાના સદગુણને લીધે એનું કેવડું મોટું કલ્યાણ રુપી કાર્ય થયું.’
માધવજીભાઇ હાથ જોડીને કહે કે સ્વામી, આપ જેવા પ્રગટપુરુષોત્તમનારાયણને ધારી રહેલા સંતની કૃપા વરહે તો પામર જેવો જીવ હોય તોય બહું મોટી પદવીને પામે, જીવના જનમોજનમ ના સ્વભાવ અને અંતઃકરણ ને બદલી નાંખવાને આપ સમર્થ છે.!
આમ, એ દિવસે ગુણાતિતાનંદ સ્વામીના આશીર્વાદ થી એ મુસ્લિમ બિરાદર મંદિરની સેવા કરીને પછે સમય જતા સત્સંગી થયા. જે પ્રસાદીનો કૂવો હાલ ધોરાજી મંદિરમાં વિદ્યમાન છે.
– ધન્ય ધોરાજી ધામને માંથી….