એકવખત ગુરૂદેવ શ્રીરામાનંદ સ્વામી માણાવદર પધાર્યા અને બપોર પછી ગામથી પૂર્વ તરફ લક્ષ્મીવાડીએ નહાવા ગયા. ત્યાં સ્નાન કર્યા પછી બોરડીના ઝાડ નીચે આસન ઉપર બેઠા અને આજુબાજુ સંતદાસ, ભાઇરામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા મયારામ ભટ્ટ, ભીમભાઇ, પર્વતભાઇ, આંબાભક્ત, જેઠાભક્ત, શામજીભક્ત જાટકિયા અને આલસી ઘાંચી આદિક ઘણાં હરિભક્તો બેઠા, એટલે સ્વામીએ થોડીવાર જ્ઞાનોપદેશ કર્યો. એ સભામાં એક બીજા પરસ્પર પ્રશ્નોત્તર કરવા લાગ્યા. એ વખતે શામજી જાટકિયાએ સ્વામીને પ્રશ્ન પૂછ્યું કે, “ સ્વામી ! તમારાથી કોઇ મોટા છે ?”
ત્યારે સ્વામીએ કહ્યું, “હા, અમારાથી જે મોટા અને જેના મોકલ્યા અમે અહીં આવ્યા છીએ, તે સર્વોપરી, મહાપ્રભુ હાલ તીર્થમાં વિચરે છે અને થોડા દિવસમાં અહીં આવશે અને અપાર ઐશ્વર્યપ્રતાપ બતાવીને સર્વને ઝાંખા પાડી દેશે. અમે તો એમનું ભજન કરીને મોટા થયા છીએ. માટે જો તમારે મોક્ષ જોઇતો હોય તો એમને ભગવાન માની એમની આજ્ઞા પ્રમાણે વર્તજો.” આ રીતે કોઇ દિવસ નહિ કહેલી સ્પષ્ટ વાત સાંભળીને સૌ શિષ્યો શાંત થઇ ગયા. એ વખતે એ સભામાંથી આલસી ઘાંચી ઊભા થઇ બે હાથ જોડીને બોલ્યા કે, “સ્વામી ! અમારે એ આવનાર પ્રભુ કેવી રીતે ઓળખવા ?” ત્યારે સ્વામીએ કહ્યું, “અમે તમને અર્થ સાથે એક કીર્તન શિખવીએ તેનો અર્થ તેમને પૂછજો. જો અમારા કહ્યા પ્રમાણે બરાબર અર્થ સમજાવે તો તમે તેમને ભગવાન માનજો .” એમ કહી સ્વામીએ અર્થ સાથે કીર્તન શીખવ્યું. પછી સ્વામી બીજા ગામ પધાર્યા.
જયારે શ્રીજીમહારાજ સત્સંગમાં પધાર્યા અને રામાનંદ સ્વામી અક્ષરધામમાં સીધાવ્યા. ત્યાર પછી શ્રીજીમહારાજે સોરઠના ગામડાંમાં ફરી અનેક લોકોને સમાધિઓ કરાવી અને અદ્દભૂત ઐશ્વયોં બતાવવા લાગ્યા. આ રીતે મહારાજ ફરતા ફરતા માણાવદર પધાર્યા અને ત્યાં મયારામ ભટ્ટને ઘેર ઉતર્યા. ભટ્ટજીએ બહુ ભાવથી પ્રથમ મહારાજને જમાડ્યા. મહારાજ જમીને પરવાર્યા એટલે સંતપાર્ષદોની પંક્તિ થઇ. પછી મહારાજે પોતે પીરસીને બધાને જમાડયા. ત્યાર પછી મહારાજ પોઢી ગયા. ચાર વાગ્યા પછી સૌ સંત-પાર્ષદો અને સત્સંગીઓએ સહિત શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. બધાએ ત્યાં સ્નાન કર્યું. સભા કરીને શ્રીજી મહારાજ સદુપદેશ આપી રહ્યા હતા એ વખતે આલસી ઘાંચી ત્યાં આવ્યા. કથાવાર્તાનો પ્રસંગ પુરો થયો ત્યારે તેણે પૂછ્યું કે, “મહારાજ, તમે ભગવાન છો ?” ત્યારે મહારાજે કહ્યું, “હા, અમે ભગવાન છીએ. તારે શું કહેવું છે ?” ત્યારે તે કહે, “હું એક કીર્તન બોલું, તેનો અર્થ કરો તો તમે ભગવાન ખરાં.” ત્યારે મહારાજે કહ્યું, “ભલે, બોલ તારું કીર્તન.” ત્યારે તે કીર્તન બોલ્યા એટલે તેના એક ચરણનો અર્થ મહારાજે એ જ વખતે કયો અને બીજે દિવસે બીજા ચરણનો અર્થ કરવાનું કહ્યું, ત્યારે આલસી હસીને બોલ્યા કે, “આજ તમે અરધા ભગવાન તો થયા.” ત્યારે મહારાજ પણ આનંદપૂર્વક કહેવા લાગ્યા કે, “તું અમને પૂરા ભગવાન નહિ માને તો શું અમે ભગવાન મટી જશું ? અમે તારા જેવા ઘણાંને શિષ્ય બનાવશું.” એમ બે દિવસ આલસી ઘાંચીએ માન્યા નહિ, પણ ત્રીજે દિવસે તે સભામાં આવ્યા ત્યારે તેની પાસે આખું કીર્તન બોલાવીને જેવા રામાનંદ સ્વામીએ તેને અર્થ શીખવ્યા હતા તે પ્રમાણે મહારાજે બરાબર અર્થ કરી દીધા ત્યારે આલસી સભામાંથી ઊભો થયા અને માફી માગી દંડવત પ્રણામ કર્યા અને મહારાજ પાસે સત્સંગના વર્તમાન ધારણ કરી સત્સંગી થયા.
આલસી ભક્તનો સ્વભાવ બહુ આનંદી હતો એટલે એ હંમેશા અત્યંત આનંદમાં રહીને ભજન સ્મરણ કર્યા કરતા. જો કે તેમનો વ્યવહાર બહુ સાધારણ હતો છતાં તેઓ કદી પણ કોઇ પ્રકારે શોક કે ચિંતા કરતા જ નહિ. આલસી ભક્ત પોતાના અહોભાગ્ય માની સતત આનંદપૂર્વક ભજન કીર્તન બોલતા થકા પોતાનો ધંધો કરતા. પોતાની ઘાણી ઉપર બેસી બળદ ચલાવતા હોય, પણ જાણે રાજગાદી ઉપર બેસી સુખ માણતા હોય તેટલા ઉમંગથી પ્રગટ પ્રભુની ભક્તિના આનંદમાં મસ્ત બનીને કામકાજ કરતા. આ જોઇને લોકો બહુ આશ્ચર્ય પામતા અને કેટલાક પૂછતા કે, આલસીભાઇ, તમે આટલા બધા હર્ષઘેલા થઇને ભજનભક્તિ કરો છો, તે તમને શું મળી ગયું છે? કે જેથી તમારો આનંદ ક્યાંઇ સમાતો નથી ? ઉત્તરમાં આલસી ભક્ત કે, ભાઇ મને રાંકને રતન મળ્યું છે તે આનંદ ન હોય ?
શ્રીજી મહારાજ જ્યારે જ્યારે માણાવદર પધારતા ત્યારે આલસી ભક્ત પોતાને યોગ્ય એવી સેવા કરતા કીર્તનો વગેરે ગાઇને સહુને ખુશ કરતા અને શ્રીજી મહારાજ જ્યારે ક્ષારવતી નદીમાં નહાવા જતા. ત્યારે પાણીના ધરામાં સૌ સંત હરિભક્તો સાથે શ્રીહરિ પણ જળ ક્રીડા કરતા. મહારાજ ભક્તજનોને આનંદ પમાડતા થકા રમુજ કરી આલસીના ખભા ઉપર ચડી જઇને પાણીમાં ધુબાકા મારતા. તો કોઇવાર તેના ખભા ઉપર ઘોડો પલાણીને બેસી તેના માથા ઉપર વારંવાર હાથ ફેરવે અને પગની એડીઓ તેના શરીર ઉપર લગાવે. “હો, ચાલ ઘોડા ચાલ. સરખો ચાલજે હો.” ત્યારે આલસી ભક્ત કહે, “ઘોડાને કાંઇ ખાણ-ખુટણ ખવરાવવું નહિ ને ઠાલા મફતના પાનીઓ મારો છો તે હખણાં રહો. નહિતર, પછાડીશ તો સો વર્ષ અબઘડી પુરા થઇ જશે.” ત્યારે મહારાજ કહેતા, “માળો આ ઘોડો તો તોફાની લાગે છે. આ રીતે પરસ્પર ખૂબ રમુજ કરી શ્રીજી મહારાજ આલસી ભક્ત સાથે જળક્રીડા કરતા. જે સ્થળે એ લીલા કરેલી તે સ્થળે દર્શનાર્થીઓ માટે મોટો ઓટો કરેલો છે.
આલસી ભક્તની અનન્ય ભક્તિ ભાવના જોઇને શ્રીજી મહારાજ તેમના ઉપર ઘણીવાર પ્રસન્ન થયેલા અને પ્રસાદીની વસ્તુઓ આપેલી. આલસી ઘાંચીની પરંપરામાં ત્રણ પેઢી સુધી સત્સંગ હતો. આલસીના દીકરાનું નામ ગીગો અને તેના ડોસાભાઇ સારા સત્સંગી હતા. ડોસાભાઇ પાસે એક ચરણારવિંદની જોડ, દાતણ અને એક રૂપિયો પ્રસાદીની ત્રણ વસ્તુઓ હતી. ડોસાભાઇના દીકરા મુસા અને તેના દીકરા હબીબ. પોતાના બાપદાદા સ્વામીનો ધર્મ પાળતા એમ માની હાલમાં હબીબભાઈ સત્સંગ રાખતા. તે પણ સત્સંગનો ખૂબ જ ગુણભાવ રાખી સેવા સમાગમ કરતા અને ગામથી સારું શાક બકાલું લાવી મંદિરમાં આપતા.
સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એ શ્રીભકતચિંતામણી પ્રકરણ ૧૧૩ ની ૧૩મીં પંકિતમાં પરમભકત એવા આલસી ઘાંચીને ચિંતવતા લખ્યા છે કે
જમો આલશી જાતિ યવન, ભક્ત હરિના થયા પાવન…!
એહ આદિ જે ભક્ત અકામ, થયા મુક્ત માણાવદ્ર ગામ..!!
- શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી..…