ઈડરમાં વિપ્ર અંબાશંકર નામે એક ધર્મનિષ્ઠ અને પવિત્ર ગૃહસ્થ બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં ચોર પેસી ખાતર પાડી રોકડા રૂપિયા તથા સોનાનાં ઘરેણા લઈ ગયા. અંબાશંકરે રાજમાં ફરિયાદ કરતા સરકારી સિપાઈઓએ ઘણી તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહિ. ત્યારે બ્રાહ્મણે ખુશાલ ભટ્ટને (સદગુરૂ ગોપાળાનંદ સ્વામી) મોટા પ્રતાપી જાણી પોતાનાં દુઃખની તમામ વાત કરી જણાવ્યું કે આ ધન સાથે ચોરો મારા કુળપરંપરાના ભગવાન વિષ્ણુ આદિ દેવની પંચાયતન દેવ સહિત મૂર્તિઓનો રૂપાનો દાબલો પણ લઈ ગયા. તેથી મારે ચાર દિવસથી ભગવાનની પૂજા થઈ નથી અને મારે ચાર દિવસનો ઉપવાસ થયો છે. માટે કૃપા કરી મારું દુઃખ દુર થાય તેમ કરો. મને ધન પાછું નહિ મળે તો ચાલશે પણ મારા ઠાકોરજીની મુર્તિ પાછી મળે એવું કરો કારણ કે, મારા બાપા નાસ્તિક અને બ્રહ્મ કર્મકાંડમાં માનતા નથી પણ મને તો નાનપણમાં તમારા જેવા સત્પુરુષના દર્શન થયા તેમની વાતો સાંભળી તેથી આજે ચાલીસ વર્ષથી એવો નિયમ લીધો છે કે પંચાયતન દેવની પૂજા કરી વૈશ્વદેવ કર્યા પછી કોઈ અભ્યાગત બ્રાહ્મણને ખોળી તેને મિષ્ટાન જમાડી પછી જ મારે ભોજન કરવું. વળી મારે ઘેર હું ગાયનું પાલન કરું છું, તે પણ ઘાસનું તરણું ખાતી નથી અને પાણી પણ પીતી નથી.
અંબાશંકર બ્રાહ્મણના આ દિનવચન સાંભળી ખુશાલ ભટ્ટ અંતર દષ્ટિ કરીને બોલ્યા કે હે વિપ્ર તારું દ્રવ્ય તથા દેવનો દાબલો ચોરીને જતાં ચોરમાં જેની પાસે દેવનો ડાબલો હતો તેને પર્વત જેવો ખુબ ભાર લાગતાં, તે ચોરે એ ડાબલાને તળાવને કાંઠે મુકી દીધો અને તે આંધળો થઈ જવાથી ઘરે જઈ પડયો છે. હવે તળાવને કાંઠે જે ડાબલો ચાર દિવસથી પડયો છે તે દેવની પૂજા તારા પિતા સોમેશ્વર કરે છે. જે મુવા પછી તો નર્કને પામેલા પણ તારા સત્કર્મ વડે એમનો સ્વર્ગમાં વાસ થયો છે. તે વિરાટનારાયણનો લોક છે ત્યાંથી આવીને અહી ષોડશોપચાર વડે પૂજા કરી જાય છે, તે જુવો એમ કહી અંબાશંકરને ખુશાલ ભટ્ટે સમાધિ કરાવી. અંબાશંકરે સમાધિમાં સ્વર્ગવાસી પિતાને વેદમંત્રથી પૂજા કરતા જોયા.
પુત્રને જોઈ તેઓ તુરંત જ બોલ્યા કે ‘ અંબાશંકર, હું જીવ્યો ત્યાં સુધી નાસ્તિકના સંગે કરી કુસંગી થયો. આપણા પંચદેવની મૂર્તિને બીજા પાષાણ જેવા જાણી ને ઘરમાં એક ખૂણે રાખી મુકતો અને ધર્મ અને અધર્મનો ભેદ ભુલ્યો, તેથી શાસ્ત્રના વિધિ-નિષેધ સર્વે ખોટા છે. એમ જાણી પાકો નાસ્તિક થયો. તારી બાલ્યા અવસ્થા હતી ત્યારે હું મરણ પામ્યો અને યમપુરીના કષ્ટને પામ્યો હતો, પછી કેટલીક મુદતે ઘર્મરાજાએ મને બોલાવી કહ્યું કે ‘તારો પુત્ર જે અંબાશંકર છે તેને બાળ અવસ્થામાં ઉદ્ધવના અવતાર શ્રી રામાનંદ સ્વામી પ્રગટ થયા છે તેમના અમદાવાદમાં દર્શન કરી બે ઘડી જ તેમની સભામાં બેસી વાત સાંભળી તેથી તે મહા ધર્મનિષ્ઠ થયો છે. અને શાસ્ત્ર મર્યાદા પ્રમાણે રહે છે, તેના મહાપુણ્ય વડે તારો નરકથી ઉદ્ધાર થયો. તો તું સ્વર્ગમાં જા, પછી હું ઇંદ્રલોકને પામ્યો. વળી, બ્રાહ્મણનો વેરો ઈડરના રાજા પાસે બંધ કરાવેલા ખુશાલ ભટ્ટને મેં અતિ પ્રતાપી જાણ્યા તેથી હું સ્વર્ગલોકને પામ્યો છુ. તારી દેવ ભક્તિની ટેક જોઈ હું ભગવાન શ્રીવિષ્ણુની પ્રેરણાથી આ આપણા પંચાયતન દેવની ચાર દિવસથી નિત્ય પૂજા કરી જાઉં છું. માટે હે પુત્ર! તે અતિ મોટા સમર્થ પરમેશ્વર જેવા આ પરમસત્પુરુષના યોગ વડે આસ્તિક થઈ ભક્તિ કરી તેથી મારો નરકમાંથી ઉદ્ધાર થયો છે. એમ કહી દેવનો ડાબલો ને આશિષ પુત્રને આપી ને સોમેશ્વર પોતે સ્વર્ગલોકમાં ગયા.
પછી થોડીવારે જ્યારે અંબાશંકર સમાધીમાંથી જાગ્યા ત્યારે દેવનો ડાબલો એના પોતાના હાથમાં જ હતો સમાધીમાં થયેલી બધી વાત ખુશાલ ભટ્ટને કહી, તેથી ત્યાં બેઠેલા સર્વને આશ્ચર્ય થયું. ખુશાલ ભટ્ટ પોતાની ગાય વાડામાંથી છોડી અને બોલ્યા કે અંબાશંકર! તમે બે બ્રાહ્મણોને સાથે લઈ આ ગાયની પાછળ જાઓ ને ગાય જ્યાં ઉભી રહે અને એના ચાર આંચળમાંથી દૂધની ધારા છોડે તે સ્થાનમાં થોડું ઉંડું ખોદાવજો એટલે ત્યાંથી પ્રાચીન કાળમાં દટંતર થયેલું ભગવાન શ્રીશંકરનું શિવલિંગ નું બાણ નીકળશે અને તેની પાસેથી જ ચોરે દાટેલું તમારું ધન પણ નીકળશે અને ભગવાન શ્રીશંકરના શિવલિંગ ના બાણ નીચેથી બીજી સોનામહોર પણ નીકળશે. તે ઘન વડે તમે ત્યાં ભગવાન શ્રીશંકરનું સરસ આરસનું દહેરું બંધાવજો અને જે દ્રવ્ય વધે તે ધર્મ કાર્યમાં વાપરજો. એમ કહી ગાય પાછળ મોકલ્યા.
પછી ગાય આગળ આગળ ચાલી અને બાવળના ઝાડ નીચે ઊભી રહી ત્યાં ચારે આંચળમાંથી દૂધ નીકળ્યું. તે જગ્યાએ ખોદતા ખુશાલ ભટ્ટે જેમ કહ્યું હતું તે પ્રમાણે સર્વે મળ્યું. પછી અંબાશંકરે ખુશાલ ભટ્ટની આજ્ઞા પ્રમાણે એ દ્રવ્યનો તમામ ખર્ચ કર્યો તથા સાધુ બ્રાહ્મણ માટે અન્નક્ષેત્ર પણ કરાવ્યું.
એ અંબાશંકર વિપ્રે જીવન પર્યંત સુખ ભોગવ્યું અને મરણ પછી ફરી પ્રાંતિજ પાસે પામોલ નામે ગામ છે, ત્યાં પવિત્ર બ્રાહ્મણને ઘેર જન્મ ઘારણ કર્યો. પ્રથમ જન્મમાં રામાનંદ સ્વામી અને ખુશાલ ભટ્ટનો સમાગમ થયેલો. આ જન્મે સદ્ગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામીનો પ્રસંગ થયો અને બાળ અવસ્થામાં જ સાક્ષાત શ્રીહરિના ઘણીવાર દર્શન કર્યા હતા, તેમનું નામ ગૌરીશંકર હતું. તેઓ બ્રહ્મચારી થયા ત્યારે જ્ઞાનપ્રકાશાનંદ નામ પામી બુરાનપુરનાં મંદિરમાં ઘણા વર્ષ રહી શ્રીલક્ષ્મીનારાયણ દેવની સેવા કરી અંતે અક્ષરધામમાં શ્રી હરિની સેવામાં ગયા.
- યોગીવર્ય સદગુરું શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનવૃતાંતમાંથી…..