ગણોદના ભીમજીભાઇના પુત્ર હરિરામ આચાર્ય પ્રવર રઘુવિરજી મહારાજના હાથે દીક્ષા લઇને “ઇશાનંદજી બ્રહ્મચારીજી” એવું નામ ધારણ કર્યું.

ગામ ગણોદ માં ભીમજીભાઇ અને દેવરાજભાઇ નામે પવિત્ર વિપ્ર ભાઇઓ હતા. આ બંને ભાઇઓ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના પરમકૃપાપાત્ર હતા. અગાઉ જ્યારે શ્રીજીમહારાજ ગણોદ પધારેલા ત્યારે આ બંને પવિત્ર બ્રાહ્મણોએ રસોઇ કરીને શ્રીહરિને જમાડીને રાજી કર્યા હતા. આ ભીમજીભાઇ લોધિકા દરબાર શ્રી મુકતરાજ અભયસીંહજી ગોહિલ ના કારભારી હતા. ભીમજીભાઇના ઘરે સંવત ૧૮૯૩ના માગશર વદ બીજના દિવસે પુત્રરત્નનો જન્મ થયો. જેનું નામ હરિરામ પાડવા માં આવેલું. હરિરામ ને અચિંત્યાનંદજી બ્રહ્મચારીજીએ વર્તમાન ધરાવ્યા હતા. નાનપણથી જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી જેવા મોટા સંતોના દર્શન કથાવાર્તાના યોગમાં આવતા હરિરામને સંસારથી વિરકતભાવ હતો. પોતાની નાની ઉંમરથી જ વારાફરતી તેઓ જુનાગઢ જઇને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી પાસે સેવા કરવા રોકાતા. સ્વામીએ એમના સદ્દગુણો અને વિદ્યાભ્યાસ ની રુચી જોઇને મંદિરમાં જ ભણાવવા સારું એમના સારું એક વિદ્વાન શાસ્ત્રીની વ્યવસ્થા કરાવેલી. જુનાગઢ મંદિરમાં રહ્યા થકા સદગુરુ વાસુદેવાનંદજી બ્રહ્મચારી તેઓને દેવની સેવા સારું જે કહે તે હોંશે હોંશે પોતે કરતા. આમ, નાનપણથી જ મોટા સંતોના રાજીપાના ફળસ્વરુપે એમને વૈરાગ્ય નો ઉદ્દભવ થયો.

એકવખતે હરિરામના પિતા ભીમજીભાઇ અને દરબાર અભયસીંહજી જુનાગઢ પધારેલા. ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ ભીમજીભાઇ ને કહ્યું કે “ભીમજીભાઇ, આ તમારો હરિરામ નાનો છે, પણ ઘણો સદગુણી છે, તમે એને દેવની સેવામાં આપો તો એ આંહી દેવની સેવા કરીને હજારો જીવોને કલ્યાણનો માર્ગ બતાવશે.” ત્યારે પિતા ભીમજીભાઇ કહે કે “તમે જેમ કહો તેમ ને અમે પરિવારજનો સહું રાજી છીએ.”

થોડાસમયે હરિરામથી મોટાભાઇનો લગ્નપ્રસંગ હોઇ ઘરેથી તેડવા આવતા તેઓ અતિ આગ્રહે ગયા પરંતુ લાંબું રોકાયા નહી ને તુરંતજ મંદિરે તેઓ પરત આવતા રહ્યા.

ગુણાતિતાનંદ સ્વામીએ હરિરામને સંવત ૧૯૧૧ થી ૧૯૧૩ સુધી વડતાલ ભણવા મોકલ્યા. સંવત ૧૯૧૩ના જેઠ સુદ પુર્ણીમાના દિને આચાર્ય પ્રવરશ્રી રઘુવિરજી મહારાજના હાથે દીક્ષા લઇને “ઇશાનંદજી બ્રહ્મચારીજી” એવું નામ ધારણ કર્યું.

તેઓ કાયમ વાસુદેવાનંદ બ્રહ્મચારીની સાથે જ રહેતા ને રાધારમણ દેવની સેવામાં ખડેપગે રહેતા. એ વખતે જુનાગઢમાં સાત જેટલા વડીલ બ્રહ્મચારીઓ હતા એમની સેવા કરીને પણ સૌને રાજી કરેલા.

જુનાગઢમાં આચાર્યશ્રી રઘુવિરજી મહારાજે સંવત ૨૦૧૬ના ફાગણ વદ બીજના દિને શ્રીહરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી ત્યારે મુખ્ય પુજારી તરીકે વાસુદેવાનંદજી ની સાથે ઇશાનંદજી એ સમગ્ર વિધીમાં સાથે રહીને સેવા કરી ત્યારે રઘુવિરજી મહારાજ રાજી થઇને વાસુદેવાનંદ બ્રહ્મચારીજીને બોલ્યા કે “જુઓ તમારે એક દેવ સેવા કરવા વધ્યા એમ એક સેવક પણ એવાજ સેવા કરવા વધ્યા છે.” આમ જ સંવત ૧૯૨૮માં ગોંડલમાં જ્યારે મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા વિધી થયો ત્યારે પણ આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજે એમને સેવા માં રાખેલા. આ ઉપરાંત માણાવદર મંદિરમાં પણ ખુબ સેવાઓ કરી હતી, અને માણાવદરના નવાબને કહીને મંદિરની આજીવન આજીવિકા બંધાવી આપેલી.

સંવત ૧૯૨૩ જ્યારે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી જુનાગઢથી જુદા જુદા ગામડાઓમાં સત્સંગ પ્રવર્તન માં નીકળ્યા ત્યારે તેઓ વંથળી સુધી એમના સાથે વળાવવા ગયા હતા. આ વખતે તેઓ જ્યારે જુનાગઢ પરત જવા ચાલ્યા ત્યારે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીને ચરણે પગે લાગીને રજા લીધી એ વખતે સ્વામીએ એના હાથ માં એક પાકેલ ચીભડું આપ્યુંને કહ્યુ કે “લ્યો, ઇશાનંદજી, આ ચીભડું તમને છેલ્લું ફળ હવે આપીએ છીએ..!” આમ કહીને માથે બે હાથ મેલ્યા. ઇશાનંદજી થોડું ચાલ્યા પછે યાદ આવ્યું કે ‘મને સ્વામીએ છેલ્લી વખત ફળ આપીએ છીએ એમ કહીને પોતાનો અક્ષરધામ ગમનનો સંકલ્પ હવે કરી લીધેલ છે.’ એમ વિચારી ને દોડતા ફરીને સ્વામીની પાછળ આવ્યા. સ્વામી એ એમને પાછળ આવત જાણીને પોતાની ઘોડી પાછી વાળી વંથળીના કેડે ઘોડીએ થી નીચે ઉતરીને એમને બાથમાં ઘાલીને મળ્યા અને માથે હાથ મેલીને બોલ્યા કે “આપણે તો કાયમ સાથે જ છીએ ને, તમે જ્યારે જ્યારે અમને યાદ કરશો ત્યારે અમે તમને સહાય કરીશું.” આમ કહીને આશ્વાસન દીધું ને જુનાગઢ પરત મોકલ્યા.

રાજકોટમાં જ્યારે મીસ્ત્રી માવા-મુસા કંપની વાળા માવાભાઇએ મંદિરે મોટો ઉત્સવ કરાવ્યો ને બંને આચાર્યશ્રીઓ તેડાવ્યા. ત્યારે અમદાવાદના આચાર્યશ્રીનું સામૈયું હાથીની અંબાડીએ બેસાડીને કરવાનું નકકી થયું એ વખતે ઇશાનંદજી એ પણ ગોંડલના રાજાને કહીને એમનો હાથી મંગાવીને વડતાલ આચાર્યશ્રીને પણ હાથીની અંબાડીએ સામૈયું કરાવેલું. આમ, ઇશાનંદજીને બંને આચાર્ય મહારાજશ્રીનો પણ ખુબજ મહીમા હતો.

ગોંડલના મહારાજા ભગવતસીંહજીના દીકરીબાં જેઓ ભાવનગર સાસરે હતા, તેઓ એકવખત બીમાર પડ્યા ને ગોંડલ રોકાયા હતા. એ વખતે ઇશાનંદજી ગોંડલ દેવની પ્રસાદીનો થાળ એમના સારું રાજમહેલમાં મોકલાવતા. એ પ્રસાદીથી જ્યારે કુંવરીબાં સાજા થયા ત્યારે એમણે પોતાના ભાવનગર રાજ તરફથી દરમહીને પંદર રુપીયા ગોંડલ મંદિર ના દેવો સારું આજીવન બાંધી આપ્યા હતા.

તેઓ એ ગોંડલ પાસેના મોવીયા, લીલાખાં, ઉમવાડાં પોરબંદર વગેરે ઘણા હરિમંદિરો પણ બંધાવ્યા હતા.

આવા સદ્દગુણોના ભંડારસમા ઇશાનંદ બ્રહ્મચારીજીને માણાવદર મંદિરેથી શ્રીહરિ અનંત મુકતો સહિત પધારીને સંવત ૧૯૬૫ના આસો વદ છઠ્યના દિને અક્ષરધામમાં તેડી ગયા.

– બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓ માંથી….