એકવાર ગામ ખોલડિયાદ ના શ્રીહરિને વિશે અતિ પ્રેમી એવા મુકતરાજ ખેંગારભાઇ ગઢડે શ્રીહરિના દર્શને આવ્યા, શ્રીહરિ એ સમે થાળ જમીને પોતાના ઉતારાને વિશે તકીયે ઓઠીંગણ દઇને સુતા હતા. ખેંગારભાઇએ આવીને શ્રીહરિને દંડવત કર્યા અને પ્રણામ કરીને શ્રીહરિના ચરણે બેઠા થકા ચરણચંપી કરવા લાગ્યા. ખેંગારભગત શ્રીહરિના ચરણની આંગળીઓ, અંગૂઠાને દાબતા જાય ને મનમાં કાંઇક વિચારતા જાય, આ જોઇને શ્રીહરિએ ખેંગારભાઇ ને પુછ્યુ કે ‘ભગત, શું મનમાં વિચારો છો? કેમ કાંય સંકલ્પ-વિકલ્પ છે કે? ત્યારે ખેંગારભગત ચરણચંપી કરતા થકા બોલ્યા કે “હે મહારાજ, મને ભાવનગરના ભકતરાજ રૂપાભાઇ આપના મહીમાંની વાત કરતા હતા કે ‘જ્યારે દિવાન આપને પકડવા ને આવ્યો ત્યારે શ્રીહરિ મનુષ્યચરિત્ર કરતા થકા દરબારગઢમાંથી બીકના માર્યા ભાગી નીકળ્યા અને સીમમાં જઇને જારના ખેતરમાં જઇને છૂપાઇને રહ્યા, એ વખતે હું શ્રીહરિની સાથે ત્યાં મોજૂદ હતો, આ વખતે મનમાં સંકલ્પ થયો એ નિવારવા સારું શ્રીહરિએ મને કહ્યું કે મારા હાથની આંગળી અને હાથ ને દબાવો, એ વિના અમને કળતર નહી ઉતરે..! ત્યારે મને મનમાં થયું કે મારા ઉપાસ્ય ઇષ્ટદેવનો હાથ હું કેમ મરડી શકું? વળી જો રખેને હાથ ભાંગી જાય તો મને મહાપાપ લાગે, પછી એવા મહા અપરાધથી કયારે છૂટાય…!’

હાથ ભાંગશે વળ દેવાથી, લાગશે મહાપાપ એમાથી..!

અપરાધથી છૂટાશે કેમ, વહાલો કહે ન રાખશો વહેમ…!!

ત્યારે મારા મનનાં સંકલ્પ જાણીને મને શ્રીહરિ કહે કે તમે મનમાં કોઇ વહેમ ન રાખશો, અને અમે જેમ કહીએ આજ્ઞાએ વર્તો..! એમ જ્યારે હાથ દબાવ્યો ને વળ દીધો તો જાણે રેશમની લટને વળ ચડે એમ વળી ગયો, એટલો વળ દેતા તો હાથ ખભેથી ખડી જાય પણ કશુંય ન થયું ને હાથ તો જાણે રૂંની ગડીની જેમ એકદમ મુલાયમ જોવા મળ્યો, મારા મનમાં શ્રીહરિના મનુષ્યચરિત્ર ને જોતા પરિપુર્ણપણા નો જે સંશય હતો એ મટાડી દીધો ને પારાવાર કૃપા કીધી.”

વળ દેવરાવ્યો છે વિશેષ, તોય ખભે થી ન ખડ્યો લેશ..!

હાથ હીરની ફેળ સરીખો, મેં તો પ્રત્યક્ષ પરચો દેખ્યો..!!

ભય પામી અચાનક ભાગ્યા, મને મનુષ્ય સરખા લાગ્યા…!

પણ હાડકું ન જોયું ત્યારે, દિવ્યભાવ દ્રઢ થયો ત્યારે..!!

પારાવાર કૃપા મુજ માથે, મારો સંશય ટળાવ્યો નાથે..!

મોહ મનુષ્ય ને ઉપજાવા, કર્યા અકળ ચરિત્ર આવા..!!

આમ, હે મહારાજ, રૂપાભાઇ પાસેથી તમારું આ ચરિત્ર સાંભળીને હું તમારા ચરણ દબાવી ને તપાસ કરતો હતો.” ત્યારે શ્રીહરિ કહે ‘ખેંગારભાઇ, હાડકા વિના નો દેહ તો હોય નહી, અમારા માથાને દબાવી જુઓ તો, માથા માં તો તુંબલીનું હાડકું તો હશે જ..! તેમજ પાની પેની ઢીંચણ કોણી વગેરે અંગો તો હાડકા વગર કેમ હોય..!” આ વખતે ખેંગારભગતે શ્રીહરિને અંગો દબાવી જોયા પણ રૂંની પૂણીની માફક એકદમ મુલાયમ ભાળ્યા. આ દિવ્યભાવને જોઇ ખેંગારભગત ને તો આંખ્ય માં હર્ષના આંસુ આવ્યા અને શ્રીહરિ ને સ્તુંતિ કરતા બોલી ઉઠ્યા કે…

આવ્યા હર્ષના આંસુ અપાર, સ્તુતિ ઉચ્ચારી વારંવાર..!

સદા દિવ્ય સ્વરુપ અનુપ, તેહ થયા છો મનુષ્ય રૂપ..!!

કરો અકળ ચરિત્ર નાથ, એમ કહીને જોડ્યા છે હાથ..!

હાથ જોડી માંગ્યું વરદાન, દિવ્યભાવ દેજ્યો ભગવાન..!!

– શ્રીપુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૭૭ માંથી….