શ્રીહરિ ગામ આધોઇમાં જાડેજા દરબારશ્રી લાધાજીના દરબારમાં બિરાજતા હતા. શ્રીહરિએ કણકોટ જવાની ઇચ્છા કરી એટલે એમના દિકરા અદોજી તથા રાયધણજી ત્રણ ઘોડા તૈયાર કરીને લાવ્યા. શ્રીજીમહારાજ એ ઘોડા ઉપર બેઠા ને બે ઘોડા ઉપર બે ભાઇઓ બેઠાને ત્યાંથી ચાલ્યા તે કણકોટથી ઠક્કર કચરા ભગતને ઘેર પધાર્યા.
શ્રીજીમહારાજ પધાર્યા એવું સાંભળીને કણકોટના સત્સંગી સર્વે દર્શને આવ્યા. અને પગે લાગીને સત્સંગી સર્વેએ કહ્યું જે, ‘હે મહારાજ! અમે તો વ્યવહારને વિષે ગુંચાઇ રહ્યા છીએ. હે મહારાજ! આપે દયા કરી દર્શન દીધા. તે બહુ જ કૃપા કરી, અમારા ઘર પવિત્ર કર્યાં, ને અમારો જન્મ સફળ કર્યો.’ ત્યારે હરિજનનાં વચન સાંભળીને શ્રીજીમહારાજે સભામાં સર્વ હરિભકતોને અમીવર્ષા વરસાવતા કહ્યું જે, ‘ભગવાનના ભક્તને ભગવાન ઓળખાણા ત્યારે ભગવાનનું ભજન કરવું, સ્મરણ કરવું તથા માનસીપૂજા કરવી, તથા પેટપૂજા કરતા ને ખાતાપીતા ને કામકાજ કરતાં ભગવાનને સંભારવા, ને બેસતાં ઊઠતાં જો ભક્ત ભગવાનને સંભારે તો તે ભગવાન કાયમ એમને જોઇ રહ્યા છે. તે જુવોને, આ હમણાં જ અમને તમે સંભારો છો તો અમે પણ તમને સંભારીએ જ છીએ. ને ચાલતા ચાલતા અહીં સુધી તમારે ઘેર પણ આવીએ છીએ ને વણકહ્યે તમારી ખબર લઇએ છીએ.’ ત્યારે સર્વ સત્સંગીઓએ કહ્યું જે, ‘હે પ્રભો, આપ અમને ન સંભાળો તો અમારા શા હાલ થાય? તે જેમ હમણાં સંભાળો છો તેમ અંતકાળે આવીને એ દોહ્યલી વેળામાં પણ અમને સંભાળી લેજો, અને અમને તમારા ધામમાં તેડી જાજો.’
ત્યારે તે સુણીને શ્રીજીમહારાજે કહ્યું જે, ‘જો તમે સહુ હરેક ક્રિયામાં અમને સંભારશો તો અમે પણ તમને ખોળતા ખોળતા આવીશું.’ એમ વાતો કરતા હતા ત્યાં તો કચરા ભગત થાળ તૈયાર કરીને શ્રીજીમહારાજને જમવા તેડવા આવ્યા તેથી મહારાજ જમવા પધાર્યા અને જમીને પોતાને આસને પધાર્યા. એવી રીતે અનેક લીલા કરતા કરતા પાંચ દિવસ રહીને કણકોટના સહુ બાઇ-ભાઇ હરિભકતોને સુખ આપ્યું અને પછી ગામ ભચાઉ પધાર્યા ને શાહ વાઘા તથા લખુને ઘેર ઉતર્યા.
– શ્રીપુરૂષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૩૭માંથી….