સંવત ૧૮પ૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દિવસે સવારના પહોરમાં ગામ ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી. આશરે પ૦–૬૦ બાવાઓ હતા. તેમાં એક મહંત, એક અધિકારી, એક કોઠારી, એક પૂજારી, બે ભંડારી, બીજા કોઈ હાથી સંભાળનારા, કોઈ ઘોડાવાળા, તો કોઈ ઊંટવાળા હતા. આ સર્વે જમાતના સાધુઓએ ટોરડાની, બુઢેલી નદી સામે શ્રી ભૂલેશ્વર મહાદેવ પાસે વડની છાયામાં એક મોટો તંબુ ખેંચી ઊભો કર્યો. તેમાં એના મહંતજી બિરાજ્યા. એક નાના તંબુમાં પ્રભુશ્રી રામ, લક્ષ્મણજી અને માતા સીતાજી તથા ભગવાન શ્રીલાલજી વગેરેની પિત્તળની મૂર્તિઓને શણગારી વાઘા પહેરાવી આરતી કરી, શંખઘંટનાદથી આખુયે ટોરડા ગામ ગજાવ્યું. આ દેખાવ જોઈ ગામના સહુ લોકો આકર્ષાયા અને જમાતને જોવા ગયા. નિશાળના છોકરાઓની ઠઠ જામી. મહંતજીએ સાકરની પ્રસાદી વહેંચી. બીજા સાધુ પણ તિલકછાપાં કરી, લઠ્ઠધારી થઈ ગામના પાટીદારોને ભેગા કરવા પહાડી ગામો તથા ટોરડા વગેરે ગામમાં ફરવા મંડયા. ગામના મુખીઓ તો ક્યાંય છુપાઈ ગયા. તેઓ બીજાઓની સાથે ગામની વચ્ચે આવ્યા. ત્યારે પાટીદારો બોલ્યા કે ”અમારા આગેવાન સિવાય અમારાથી કાંઈ બની શકશે નહિ.” આમ મધ્યાહ્ન વીતી ગઈ. આ દેખાવ જોઈ ખુશાલભાઈને ચિંતા થવા માંડી કે ”સાધુ હજુ સુધી ભૂખ્યા છે ? અતિથિઓની આ દશા!” ખુશાલ ભટ્ટે (સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ) પોતે ગામ વચ્ચે જઈ ગામ લોકોને ઉદ્દેશીને કહ્યું કે ”સંતો, અહીં પથ્થરની જગ્યા ઉપરથી ગામના મંદિરમાં ચાલો. પ્રભુ સર્વને સદબુદ્ધિ આપશે.”
એક સાધુ બોલ્યો કે ”યહ બ્રહ્મદેવ સચ કહેતા હૈ” પછી સર્વે ટોરડા ગામના રાધાકૃષ્ણના મંદિરમાં ગયા.
થોડીવાર પછી ખુશાલભાઈએ સ્નાન કરીને મંદિરમાંથી શ્રીવિષ્ણુ ભગવાનની મૂર્તિ લઈ એક તરભાણામાં મૂકી તુલસીપત્ર મૂકી જળથી અભિષેક કર્યો અને એ ચરણામૃત સૌ સાધુઓને આપ્યું. એક પંચપાત્રમાં આચમની સાથે મહંત માટે પણ તે ચરણામૃત મોકલાવ્યું, એટલે મહંતને તે ચરણામૃત આપ્યું. આ ચરણામૃતથી ગામવાળાઓને તો કંઈ અસર થઈ નહિ પણ થોડીવારમાં જમાતના આવેલા તમામ સાધુઓ ઉપર અસર થઈ અને માંહેમાંહી બોલવા લાગ્યા કે ”જેરામદાસ, આપકું ભૂખ લગી હૈ?” ”જાનકીદાસ, જી ના, હમેં તો ઓડકાર આતા હૈ, આપકું ?” ”હમેં ભી એસા હૈ.” એમ પરસ્પર વાતો કરતા થયા.
એટલામાં મહંતે એક સાધુને કહ્યું કે ”જીસ ખુશાલદાસ બ્રહ્મદેવને યહ ચરણામૃત હમકું દિયા વહાં ચલો.” મહંત સાથે બધા સાધુઓએ મંદિરમાં આવી પૂછયું તો ખુશાલભાઈ ઘેર ગયેલા હતા. તેથી સર્વ સાધુઓ ખુશાલભાઈના ઘેર ગયા. ખુશાલભાઈએ તેમનો સત્કાર કરી આસન આપી બેસાડયા. સાધુઓ મહંત સાથે બેઠા.
મહંતે કહ્યું કે ”આપને ચરણામૃત દિયા ઈસસે સબ સાધુઓંકો તૃપ્તિ હુઈ. સો હમને પકવાન ખાયા હો એસા માલૂમ હોતા હૈ. આપ જરુર કોઇ દિવ્ય પુરુષ હૈં. કૃપા કરકે આપ હમે કોઈ ચર્ચા રામજીકી કરેંગે ?”
ખુશાલભાઈ બોલ્યા કે ”આપ તો મહાપુરુષ હૈં. મૈં તો બ્રાહ્મણ હું. આપ જિસ રામજીકા ધ્યાન બાહર સે કરતે હૈં ઐસા હી ધ્યાન અંતર મે કીજિએ.”
પછી ખુશાલ ભટ્ટ ઉપદેશ કર્યો કે ”જે મનુષ્ય કર્મ ઈન્દ્રિયોને રોકીને મન વડે ઈન્દ્રિયોનું સ્મરણ કરે છે તે મૂઢ અને મિથ્યા આચરણવાળો કહેવાય છે. આવો આડંબર કરવાથી કશો લાભ થતો નથી. ધ્યાન કરવા બેસવું હોય ત્યારે તો પોતાના ઈષ્ટદેવે નક્કી કરેલા સ્વરૂપમાં મનને લીન કરવા પ્રયત્ન કરવો. તેનું જ નામ ધ્યાન.” એમ કહી ખુશાલભાઈએ મહંત તરફ દૃષ્ટિ કરી કે તરત જ મહંતનાં નાડીપ્રાણ ખેંચાઈ ગયાં અને સમાધિ કરાવી અયોધ્યામાં મોકલ્યા. મહંતે અયોધ્યામાં પોતે ફરીને શ્રીરામજન્મ સ્થાનનાં દર્શન કરી શ્રી હનુમાનગઢીનાં દર્શન કર્યાં. ત્યાં સરયુ નદીમાં સ્નાન કરી તરત જ પાછા આવ્યા. જાગ્રત થતાં મહંતનું શરીર પાણીથી તરબોળ જણાયું. મહંતે ખુશાલભાઈની ગદ્ગદ્કંઠે સ્તુતિ કરી કે ”આપ બડે સિદ્ધ પુરુષ હૈં હમેં યહી વિદ્યા શિખાયેં.”
ખુશાલભાઈએ કહ્યું કે ”દૂસરા જન્મ લો. બાદ મે લોલંગરકી જમાત મેં મિલના. આગે ફિર ઘનશ્યામ પ્રભુકે દર્શનસે તુમ્હારા ઉદ્ધાર હોગા.” મહંતે આ સિદ્ધ વચન સાંભળીને, માનીને તરત જ વિદાય માગી અને આશીર્વાદ લઈ સિધાવ્યા. એ જમાત ના મહંતે ટોરડાના રાધાકૃષ્ણના મંદિરમાં બે મોટી ગાયો અને એક ઘોડો ભેટ કરીને પોતાની સર્વ જમાત સાથે મહંતજી વિદાય થયા.
- યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનવૃતાંતમાંથી….
🙇🏻♂️🙏