એક દિવસે શ્રીહરિના એકાંતિક ભક્ત દંઢાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભુલાભાઇ શ્રીહરિને દર્શને ચાલ્યા. પોતે સ્વભાવે એકદમ ભોળા અને શ્રીહરિને વિશે અનન્ય ભરોસો ધરાવતા હતા. એમને ઉગમણા-આથમણાની પણ ગમ નહિ, ને ઉનાળા-શિયાળાની પણ ખબર નહિ, તેમજ જમવાનું ભાથું પણ સાથે નહિ, અને પીવા સારું પાણી પણ સાથે નહિ, એવા એ ભક્ત શ્રીહરિને દર્શને ચાલતાં રસ્તામાં ભૂલા પડ્યા. ત્યારે શ્રીહરિએ અંતર્યામીપણે તેને આવતા જાણીને બ્રાહ્મણનું રૂપ લઇને માર્ગમાં ભેળા થયા અને તે ભક્તને પૂછ્યું જે, ભક્ત ! તમો ક્યાં જાઓ છો ? ત્યારે ભક્ત કહે જે, અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભુજનગરમાં વિરાજે છે, ત્યાં એમના દર્શને જાઉં છું. ત્યારે બ્રાહ્મણે કહ્યું જે, અમારે પણ ભુજનગર જાવું છે. ને હું રસ્તે સાથે ચાલતા ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યાં બિરાજી રહેલા છે ત્યાં તમોને પહોંચાડી દઇશ. ત્યારે તે ભક્તે કહ્યું જે, સારું ગોંર મહારાજ. હું એકલો હતો તે આપણે બે જણા થયા તે હવે ચાલો. પછી શ્રીહરિ તે ભૂલા ભક્તની અન્ન જળ તથા ઉતારાની સર્વ પ્રકારે ખબર રાખતા રાખતા ભુજનગર આવ્યા.
ત્યાં સુતાર હીરજીભાઇને ઘેર શ્રીહરિ વિરાજમાન હતા; ત્યાં જઇને બ્રાહ્મણે કહ્યું જે, આ જગ્યામાં સ્વામિનારાયણ રહે છે.
હવે તમો તેમની પાસે જાઓ. પછી તે ભૂલા ભક્ત શ્રીહરિની પાસે જઇને પગે લાગીને બેઠા, ને શ્રીહરિ બ્રાહ્મણરૂપે હતા તે ત્યાં અંતર્ધાન થઇ ગયા. તે સમયે ભૂલાભક્તને પૂછ્યું જે, તમો અત્યારે ક્યાંથી આવ્યા ? તમારી સાથે કોણ હતું ? અને કોણે માર્ગ બતાવ્યો ? ત્યારે તે ભૂલાભક્તે કહ્યું જે, હું મારા નંદાસણ ગામ બહાર આવ્યો, ત્યારે એક બ્રાહ્મણ મળ્યો અને એમની સાથે હું અહીં આવ્યો. અને મને તેમણે આ જગ્યા બતાવી ને પોતે ક્યાંય અદૃશ્ય થઇ ગયા. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, એ તો અમે હતા. તમારી ખબર રાખતા સાથે આવ્યા અને માર્ગમાં જ્યાં રાત્રિ રહ્યા હતા તે સર્વેની એંધાણી આપી. ત્યારે તે ભક્તે કહ્યું જે, હે મહારાજ ! તમારા વિના એ વિકટ વનમાં બીજું કોણ અમારી સહાય કરે ? પછી શ્રીહરિએ તેમને જમાડ્યા.
ત્યાર પછી શ્રીજીમહારાજ માનકુવે પધાર્યા. એ વખતે સેવક નાજા જોગીયા તથા લોયા દરબાર સુરાખાચર આદિક કાઠીઓ સાથે હતા. અને માર્ગમાં જ્યારે રેતી આવી ત્યારે શ્રીહરિ ઊભા થઇ રહ્યા, અને નાજા જોગીયાને કહ્યું જે, અમને બવ થાક લાગ્યો છે, માટે તમો હેંઠા બેસો તો અમો તમારા ખભા ઉપર બેસીયે, તમો પચાસ ડગલાં ચાલો પછી અમે બીજા ના ખભે બેસીએ. એટલે નાજો જોગીયો કહે, પધારો મહારાજ. પછી શ્રીહરિ તેમના ખભા ઉપર બેઠા એટલે નાજો જોગીયો પચાસ ડગલાં ચાલ્યા પછી સુરાખાચરને કહ્યું, ત્યારે સુરાખાચરે શ્રીહરિને પોતાના ખભા ઉપર બેસાડ્યા પણ મોટો દેહ તે ઊભા થવાયું નહીં, અને કહ્યું જે, ભણું મહારાજ ! હું તો મરું ગયો. એમ બરાડા પાડવા લાગ્યા. ત્યારે શ્રીહરિ ખભા ઉપરથી ઉતરીને દૂર જઇને ઊભા રહ્યા, અને કહ્યું જે, શું થયું ! તે આમ, ખાલી ખાલી બરાડા પાડો છો ? અને નાજા જોગીયા તો અમને ઉપાડીને સાઠ પગલાં ચાલ્યા. તમો તો અમો બેઠા ને તરત જ બરાડા પાડવા લાગ્યા. ત્યારે સુરોખાચર બોલ્યા, ભણું મારાજ, જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.
એવી રીતે લીલા કરતા ગામ માનકૂવા પધાર્યા, અને સુતાર ભકત નાથાને ઘેર ઉતર્યા.
– શ્રીકચ્છલીલા અધ્યાય ૧૩માંથી…