સંવત ૧૮૭૯માં ફાગણ માસમાં શ્રીનરનારાયણ દેવના મુર્તિપ્રતિષ્ઠા વખતે શ્રીહરિ ભૂજનગરમાં બિરાજતા હતા, એ વખતે સંતો-ભકતોની વિશાળ સભામાં ડોસાભાઇ વિપ્રે પૂછ્યું જે, હે મહારાજ ! આપશ્રીને આ બ્રહ્માંડમાં પધારવાના જે હેતુ છે તે તો કહ્યા, પરંતુ તમારા પૂર્વે જે ચોવીશ અવતારો થઇ ગયા છે તે શું કાર્ય કરવા માટે થયા હતા તે કહો, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘હે વિપ્ર ! આ તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, તે સર્વને સમજવા જેવો છે. તે લ્યો સાંભળો હવે તમારા પ્રશ્નોના ઉત્તર કરીએ છીએ જે,
(૧) સનકાદિક, અવતાર થયો તે બ્રહ્માના સંકલ્પથી નૈષ્ઠિક ઉર્ધ્વ ધર્મને સ્થાપન કરવાને અર્થે છે.
(૨) વરાહ, અવતાર થયો હતો તે તો હિરણ્યાક્ષ દૈત્યનો સંહાર કરીને પાતાળમાંથી પૃથ્વીને લઇ આવ્યાને અર્થે થયો છે.
(૩) યજ્ઞરૂપ, અવતાર તે તો સંસારી જીવોને યજ્ઞ કર્મ શિખવવાને અર્થે થયો છે.
(૪) હયગ્રીવ, અવતાર તે તો બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે મધુ ને કૈટભ નામે જે અસુર તે થકી બ્રહ્માંડની રક્ષા કરવાને અર્થે થયો છે.
(૫) નરનારાયણ અવતાર તે તો ધર્મ અને મૂર્તિથી પોતે પ્રગટ થઇને અને તપ કરીને તે તપનું ફળ પોતાના ભક્તોને આપીને તેનો મોક્ષ કરવા માટે થયો છે.
(૬) કપિલદેવ, અવતાર તે તો કર્દમ પ્રજાપતિ અને માતા દેવહુતિ તેને સાંખ્યયોગનું જ્ઞાન આપવા માટે થયો છે.
(૭) દત્તાત્રેય, અવતાર તો ત્યાગ અને યોગ દેખાડવા માટે થયો છે અને તેમણે ૨૪ લક્ષ લઇને ચોવીશ ગુરુ કર્યા હતા.
(૮) ઋષભદેવ, અવતાર પરમહંસના ધર્મો શિખવવાને માટે અને સાતમી ભૂમિકાનું જ્ઞાન દેખાડવા માટે થયો છે.
(૯) પૃથુ, અવતાર નીરસ સૃષ્ટિને રસાળ કરવા માટે થયો છે.
(૧૦) મચ્છાવતાર, સત્યવ્રત્ત રાજાને પ્રલયની લીલા દેખાડવાને તથા હયગ્રીવ દૈત્યને મારીને બ્રહ્માને વેદ આપવા માટે થયો છે.
(૧૧) કચ્છાવતાર, તો સમુદ્રમંથન સમયે મંદરાચળ પર્વત પીઠ પર રાખવા માટે થયો છે.
(૧૨) ધન્વંતરી, અવતાર તે તો ઔષધિઓનાં નામ, ગુણ તથા તેનો ઉપયોગ બતાવવા માટે થયો છે.
(૧૩) હરિ, અવતાર તે ગ્રાહ થકી ગજેન્દ્રની રક્ષા કરવા માટે થયો છે.
(૧૪) નૃસિંહ, અવતાર હિરણ્યકશિપુ દૈત્યને મારીને પોતાના ભક્ત જે પ્રહલાદ તેની રક્ષા કરવા માટે થયો છે.
(૧૫) વામનાવતાર, તે તો દેવતાના હિત અર્થે અને બળી રાજાને છળીને તેની પાસેથી ત્રિલોકી લઇને ઇન્દ્રને આપવા માટે થયો છે.
(૧૬) હંસ, અવતાર સનકાદિકને જ્ઞાન આપવાને થયો છે.
(૧૭) નારાયણ, અવતાર તે તો પોતાની ઇચ્છાથી ધ્રુવજીને દર્શન આપીને તેને વરદાન આપવા માટે થયો છે.
(૧૮) મનવંતર, અવતાર તે તો સ્વધર્મની મર્યાદા સ્થાપવાને માટે થયો છે.
(૧૯) પરશુરામ, અવતાર તે તો આસુરી ક્ષત્રિયોને હણવા માટે થયો છે.
(૨૦) રામાવતાર, તે તો રાવણાદિક રાક્ષસોને મારવા માટે થયો છે.
(૨૧) વ્યાસાવતાર, તે તો વેદના વિભાગ કરવા અને પુરાણાદિક શાસ્ત્રો પ્રગટ કરવા થયો છે.
(૨૨) કૃષ્ણાવતાર, કંસાદિક દુષ્ટ રાજાઓને મારવાને અર્થે થયો છે.
(૨૩) બુધ્ધાવતાર તે તો બોધથી જીવોને જ્ઞાન આપવા માટે અને અસુરોને મોહ પમાડવા માટે થયો છે.
(૨૪) કલ્કી, અવતાર તે તો કળીયુગને અંતે અધર્મનો નાશ કરવા માટે અને સત્યયુગના ધર્મ સ્થાપવાને માટે થશે.
ત્યાર પછી તેજ વિપ્ર ડોસાભાઇએ પૂછ્યું જે, ભગવાનના ભક્તોને નિત્ય છ કર્મ કરવાનાં છે તે છ કર્મ કયાં ? તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, પહેલું (૧) સ્નાન (૨) ધ્યાન કરવું (૩) પૂજા કરવી (૪) સત્પુરુષનો સમાગમ કરવો (૫) ભગવાનના ગુણ ગાવા (૬) ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. આ પ્રમાણે છ કર્મ છે તે સત્સંગીઓને નિત્ય કરવાં. તથા સત્સંગીઓને બ્રહ્મચર્ય વ્રત પાળવું. અને પારકી સ્ત્રીથી ધનુષ્ય જેટલે દૂર ચાલવું. તે ધનુષ્યનું પ્રમાણ તો આઠ જવનો એક આંગળ કહેવાય. અને ચોવીશ આંગળનો એક હાથ કહેવાય. અને ચાર હાથનું એક ધનુષ્ય કહેવાય. આ પ્રમાણે શ્રીજી મહારાજે ત્યાગીના તથા ગૃહસ્થના ધર્મો સર્વસભાજનોને કહ્યા.
- શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૮૦માંથી…