ભૂજનગરમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા શ્રીજીમહારાજ પધાર્યા હતા. બપોર થતા થાળ જમી, જળપાન કરીને મુખવાસ લઇ, પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું. તે સમયમાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા હતાં, સર્વ પાળાઓ બંધૂકોના અવાજ કરી રહ્યા હતા. તે સમે રાઓશ્રી દેશલજીની બેરખ ચાલી જતી હતી, કાઠીઓ ઘોડેસવાર થઇને હાથમાં ચળકતાં ભાલાઓ ધારી રહ્યા હતા, હાથમાં રોઝીઢાલો અને સોનાની મૂઠવાળી તલવારો પણ શોભી રહી હતી, વિર ભગુજી પાર્ષદ સોનાના ઇંડાવાળું છત્ર મહારાજ ઉપર ધારી રહ્યા હતા. બન્ને બાજુ ચામર ઢોળી રહ્યા હતા. સંતો, બ્રહ્મચારીઓ તથા હરિભક્તો કીર્તનો અને વેદસ્તુતિ બોલતા હતા. આ પ્રમાણે ચાલતા જ્યાં ત્રિકમજી મલ્લે છત્રી તથા ધર્મશાળા કરાવી છે તે ઠેકાણે આવ્યા ત્યારે શ્રીજી મહારાજ ઘોડીથી ઉતરીને ત્યાં બિરાજ્યા. પ્રથમ પણ મહારાજ જ્યારે જ્યારે ભુજ પધારતા ત્યારે તે જગ્યાએ જ સભા કરીને બિરાજતા.
તે સભામાં સદગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીએ વાર્તા કરી જે, ‘આ ભગવાન સહજાનંદ સ્વામીને વિષે પંચાવન ગુણો સહજ સ્વાભાવિકપણે રહ્યા છે. તે હું તમો સર્વને કહું છું તેને સાંભળો.’
(૧) સત્ય, જે સર્વનું હિત થાય તે જ બોલવું તે,
(૨) શૌચ, જે દેહ ને મનની શુધ્ધિ તે,
(૩) દયા, જે પારકું દુઃખ સહન ન થવાથી તન, મન, ધન તે વડે દુઃખ ટાળવા પ્રયત્ન કરવો તે,
(૪) શાંતિ, જે ક્રોધ થવાનું કારણ મળતાં પણ ક્રોધ ન કરવો તે,
(૫) ત્યાગ, જે અંતરમાં પૂર્ણકામ હોવાથી માયિક વસ્તુ માત્રનો અનાદર તે,
(૬) સંતોષ, જે પોતાના સ્વરૂપના આનંદથી પૂર્ણ રહેવું તે,
(૭) આર્જવ, જે તન,મન અને વાણીથી બીજાને નમતા રહેવું તે,
(૮) શમ, જે પ્રાકૃત વિષયથી મનને પાછું વાળવું તે,
(૯) દમ, જે પ્રાકૃત વિષયોથી ઇંદ્રિયોને પાછી વાળવી તે,
(૧૦) તપ, જે કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરવાં તે,
(૧૧) સામ્ય, જે સારા અથવા નરસા માયિક વિષયો તુચ્છ લાગે તે,
(૧૨) તિતિક્ષા, જે સુખ-દુઃખ સહન કરવાં તે,
(૧૩) ઉપરતિ, જે પ્રયોજન વિના કાંઇ ન કરવું તે,
(૧૪) શ્રુત, જે સર્વ શાસ્ત્રનું જ્ઞાન તે,
(૧૫) જ્ઞાન, જે જીવ, ઇશ્વર વિગેરેના સ્વરૂપને જાણવું તે,
(૧૬) વિરક્તિ, જે શ્રીકૃષ્ણ ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં તે,
(૧૭) ઐશ્વર્ય, જે સર્વને પોતાને વશ કરી રાખવા તે,
(૧૮) શૌર્ય, જે સ્વભાવ જીતવાની શક્તિ તે,
(૧૯) તેજ, જે કોઇથી પરાભવ ન પામવા તે,
(૨૦) બળ, જે સર્વને નિયમમાં રાખવા તે,
(૨૧) સ્મૃતિ, જે કરવા યોગ્ય કામનું નિરંતર અનુસંધાન તે,
(૨૨) સ્વતંત્રતા, જે જેને કોઇની ગરજ નહીં તે,
(૨૩) કૌશલ્ય, જે સર્વ ક્રિયામાં પ્રવિણપણું તે,
(૨૪) કાંતિ, જે સહુના મનને હરે તેવું રૂપ તે,
(૨૫) ધૈર્ય, જે વિષમ સમયમાં પણ દૃઢતા તે,
(૨૬) માર્દવ, જે ચિત્તની કોમળતા તે,
(૨૭) પ્રાગલ્ભ્ય, જે બોલવામાં ચતુરાઇ તે,
(૨૮) પ્રશ્રય, મોટા પાસે વિનય તે,
(૨૯) સહ, જે મનનું ડહાપણ તે,
(૩૦) શીલ, જે સારો સ્વભાવ તે,
(૩૧) ઓજ, જે જ્ઞાન ઇંદ્રિયોનું ડહાપણ તે,
(૩૨) બળ, જે કર્મ ઇંદ્રિયોની ચતુરાઇ તે,
(૩૩) ભગ, જે જ્ઞાન વિગેરે ગુણોની શ્રેષ્ઠતા તે,
(૩૪) ગાંભીર્ય, જે જેના મનની વાત કોઇથી કળી શકાય નહીં તે,
(૩૫) સ્થૈર્ય, જે ચંચળતા નહીં તે,
(૩૬) આસ્તિકતા, જે સચ્છાસ્ત્રોનો વિશ્વાસ તે,
(૩૭) કીર્તિ, જે જગતમાં વિખ્યાતિ તે,
(૩૮) મૌન, જે પ્રયોજન વિના ન બોલવું તે,
(૩૯) અગર્વતા, જે ગુણનું અભિમાન નહીં તે,
(૪૦) નિર્માન, જે લેશમાત્ર પણ અહંકાર નહીં તે,
(૪૧) નિર્દંભ, જે કોઇને કદી પણ નહીં છેતરવાપણું તે,
(૪૨) મિતાહાર, જે થોડું જમવું તે,
(૪૩) દક્ષ, જે હિતનો ઉપદેશ કરવો તે,
(૪૪) મૈત્રી, જે સૌનો વિશ્વાસ સંપાદન કરવો તે,
(૪૫) સર્વોપકાર, જે સર્વ ઉપર ઉપકાર કરવાની વૃત્તિ તે,
(૪૬) અક્ષોભિતતા, જે સહેજે વિષય પ્રાપ્ત થતાં પણ તેમાં ન બંધાવાપણું તે,
(૪૭) અદ્રોહ, જે તન, મન કે વાણીથી કોઇને લેશ પણ પીડા ન કરવી તે,
(૪૮) માનદત્વ, જે જેને જેમ ઘટે તેમ તેને માન આપવું તે,
(૪૯) ષડૂર્મિવિજ્ય, જે ખાનપાન, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ ઊર્મિ જીતવી તે,
(૫૦) બ્રહ્મણ્ય, જે બ્રાહ્મણને દેવ જેવા જાણવા તે,
(૫૧) શરણત્વ, જે શરણે આવેલાની રક્ષા કરવી તે,
(૫૨) અનીહ, જે કોઇ ફલની ઇચ્છા ન રાખવી તે,
(૫૩) અપરિગ્રહ, જે ધન આદિનો સંગ્રહ ન કરવો તે,
(૫૪) ભક્તિ, જે પરમાત્માની નવ પ્રકારે સેવા કરવી તે,
(૫૫) સેવા, જે મન, કર્મ અને વચને ગુરુની અનુવૃત્તિમાં રહેવું તે,
આવી રીતે પ્રભું શ્રીસહજાનંદ સ્વામીને વિષે (૫૫) પંચાવન ગુણો સહજ સ્વાભાવિકપણે રહેલા છે, અને પોતે બહુજ ચમત્કારિક મૂર્તિ છે, સર્વ અવતારના અવતારી છે. એવા ભગવન્ શ્રીસહજાનંદ સ્વામી છે, એમ ગુરુદેવ શ્રીરામાનંદ સ્વામી પણ વખતો-વખત વાતો કરતા, તે વાત મેં તમારી આગળ કહી.
- શ્રી પુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૮૦માંથી…