ગામ ચૂડાના હરિજનજ્ઞાતિના ગંગાબાઇ શ્રીહરિના વિશે અતિ સ્નેહ વાળા ભકત હતા. જ્ઞાતિવાદના આભડછેટ બંધનને કારણે તેઓ સામાજીક બંધનો ઘણા સહન કરતા. જ્યારે જ્યારે ગામમાં સંતો આવે એટલે દર્શન કરવા અચૂક આવે ને દૂર ઉભા ઉભા થકા દર્શન કરે અને કથા-વાર્તા સાંભળે. પોતાની તમામ ક્રિયામાં સતત શ્રીહરિનું સ્મરણ કરે. એમના ગુણે શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયેલા.
એક વખત શ્રીહરિ લોયા ગામે સહુ સંતો-ભકતો સાથે પધાર્યા હતા. શ્રીહરિ સભા ભરી ને બેઠા હતા અને એ વખતે આ ગંગાબાઈ શ્રીહરિના દર્શને આવ્યા. જોયુ તો લોકભીડો ઝાઝા હરિભક્તોનો હતો, તેથી તેઓ દૂર ઊભા રહ્યા. દૂર ઊભેલ ગંગાબાઈ સામે પતિતપાવન શ્રીહરિની નજર પડી. એટલે શ્રીહરિ બોલ્યા, ‘ગંગાબાઈ! ઓરા આવો! એમ દૂર શું ઊભા છો? સભામાં બેસોને?’ સાંભળતા જ ગંગાબાઈને સમાજના નાત્ય જાત્યના બંધનના કારણે મનમાં ઘણો ક્ષોભ થયો, મનમાં મૂંઝવણ થઇ કે, “હે મહારાજ, આ સવર્ણ લોક વચ્ચે બેસતાં કોઈને અડકી જવાય તો તે અભડાઈ જાય, તેથી મને પાપ લાગે.” એમ વિચારમાં ગૂંથાઈ ને ઊભા હતા ત્યાં જ ઊભા રહ્યા.
શ્રીજીમહારાજે ફરી સાદ કરીને સહુ બાઇઓની સભા તરફ જમણા હાથની આંગળી ચીંધીને કહ્યું કે, “બાઈઓ! એ આપણા સત્સંગી ગંગાબાઈને બેસવાની જગ્યા કરી આપો.” સભામાં બેઠેલ સહું સવર્ણ બાઈઓ શ્રીહરિની એ આજ્ઞા સાંભળી ધીમો ધીમો ગણગણાટ કરતી વાતુએ ચડી કે ‘અરેરે! આ બાઈ તો હરિજન છે, શું તેમને શ્રીહરિ ઓળખતા નથી! જો ઓળખતા ન હોય તો તો મહારાજ તેને નામથી ન બોલાવે!’ એમ વાતો કરતી બાઈઓ પરસ્પર તિરસ્કાર કરતી નજરે જોવા લાગી. બાઈઓની સભાનો સળવળાટ, સૌના જીવમાં થતો સંકોચ, મનમાં થતી સહુને ઘૃણાને નફરત ને શ્રીહરિએ બરાબર પારખ્યા એટલે સભાને સંબોધન કરતા કહ્યું, “તમે માણસના કર્મ પારખો. તેના જન્મને ન જુવો. બ્રાહ્મણ દારૂમાસ ખાઈ વ્યભિચાર આચરે તો તે શૂદ્ર છે, એમ શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે અને હરિજન જ્ઞાતિમાં જન્મ હોય પણ જો એ ભગવાનનો ભક્ત હોય તો તે સવર્ણ છે.
બ્રાહ્મણક્ષત્રિયવિશાં શુદ્રાણાંમ્ ચ પરંમતપઃ..!
કર્માણિ પ્રવિભકતાની સ્વભાવપ્રભવૈગુણેઃ..!!
ગીતાના અઢારમા અધ્યાયના એકતાલીસમાં શ્લોકમાં આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે, ‘હે પરંતપ! બ્રાહ્મણો-ક્ષત્રિયો, વૈશ્યો કે શૂદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્રારા જ વિભક્ત સૌ કોઇને કરવામાં આવ્યા છે. તેમજ શ્લોક ૪૨-૪૩ માં શ્લોકમાં બ્રાહ્મણના સ્વભાવિક કર્મો અને ક્ષત્રિય-ધર્મ તેમજ શ્લોકમાં ૪૪ માં વૈશ્ય વર્ણ વિષે સ્પષ્ટ કહ્યું છે. માટે હે સભાજનો, આપણી વેદોક્ત સંસ્કૃતિની બંધાએલ વર્ણાશ્રમ ધર્મની મર્યાદા પાળવી એ આપણો પ્રથમ ધર્મ છે. ઊંચ-નીચ તો કર્મના આધારે થવાય છે. જેમ આ દેહને નામ છે તે તેની ઓળખ માટે છે. એ પ્રમાણે પૂર્વ કર્મના ફળ પ્રમાણે દેહ પ્રાપ્ત થાય છે. માનવ અવતારમાં કશોય ભેદ હોતો નથી. કુળ-જ્ઞાતિમાં જન્મેલ જીવાત્મા તેના કર્મ પ્રમાણે સારું-ખોટું કર્મ કરે ત્યારે તેની સારા ખરાબની ઓળખ થાય છે. જેમ અંતકાળે જીવાત્મા ભગવાનનું સ્મરણ કરતા શ્રીહરિના ધામમાં જાય છે તેમ બીજાને દુભાવનારને તેવી હલકી-નીચ યોનિમાં જન્મ લેવો પડે છે. આ ગંગાબાઈ પણ પૂર્વે નાગર જ્ઞાતિમાં ઉચ્ચ કુળમાં સુખ-સંપત્તિ અને વૈભવમાં જન્મેલા. તે વખતે તેને ખૂબ અભિમાન ચડેલું. એ સદાય પોતાની જાતને ઊંચી માની ઊતરતી જ્ઞાતિના બાઈ-ભાઈઓ પ્રત્યે તિરસ્કારથી વર્તતા હતા. એથી તેનો આ જન્મ હરિજન જ્ઞાતિમાં આવ્યો છે. તેના પૂર્વજન્મના થયેલા સત્કર્મો રૂપે તેને સત્સંગ મળ્યો છે, એટલે આજે પણ તે નિયમ-શ્રધ્ધા -ધર્મથી સમાજમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. માટે અમારા આશ્રિતોએ ક્યારેય કોઈ જીવને અભિમાનથી તિરસ્કારવો નહિ, નહિ તો ગંગાબાઈની જેમ આવતા જન્મમાં કર્મ ભોગવવું પડશે.”
મહારાજના આટલા બોલે તો તુરંત બાઈઓની સભામાં ગંગાબાઈના માટે બેસવાની વચ્ચોવચ્ચ જગ્યા થઈ ગઈ. ગંગાબાઈ પણ નજીક આવી મહારાજને પગે લાગ્યા ને સભામાં વચ્ચે બેઠા.
આમ, શ્રીહરિએ લોયાની બાજુમાં આવેલ ચૂડા ગામના પછાત ગણાતા હરિજન ગંગાબાઈને એ સભામાં સૌ કોઇ બાઇઓ સાથે બેસાડીને આજથી બસો વર્ષો પહેલા સામાજીક ક્રાંતિનું અવિસ્મરણીય પગલું ભરેલું હતું.
-નારીરત્નોમાંથી….