લાઠીદડના ગોમતીબાઇ જીવનભર લાડુંબા-જીવુંબાં સાથે સાંખ્યયોગી થઇને શ્રીહરિના ચરણે રહ્યા

ગામ લાઠીદડના અમરશી પટેલની દીકરી ગોમતીબાઈને ગામ ઝમરાળા ગામે વરાવેલી, પણ ગોમતીને ગઢડા સાંખ્યયોગી બાયુંનો સંગ લાગેલો, તે ચટકીનો વૈરાગ્ય ઉદય થતા સંસારનો રંગ ઊતરી ગયેલો. એની સહું બહેનપણીઓ ગોમતીને જોઈને બોલતી કે ”અલી ગોમતી ! આ તને તે શું સૂઝ્યું છે ? નથી કપાળે ચાંદલો, ન કાનમાં એરિંગ-કડી, ન હાથે બંગડી. અભાગણી ! મલકમાં તારી કેવી કેવી વાતું થાય છે, ઈ તો વિચાર ?” ગોમતી તો કાંય વિચાર્યા વગર બોલી ઉઠી કે
‘સખી ! મારાં કપાળને તો કંકુ હાર્યે આડા વેર છે, તે કોના નામનો ચાંદલો કરું ? આના કરતા તો મીરાં પરણ્યાં એમ જ આપણે પરણ્યાં એમ માની એને ગમતો વેશ રાખું. તે હૈયે કેવું સુખ વર્તાય છે ઈ તમે અનુભવ તો કરો ?” સર્વે બહેનપણીઓ તો એના જવાબ સાંભળીને છક થઇ જતી ને વળી એને સમજાવતા કહે કે ‘અરે ગોમતી ! તારા મા-બાપ લોહવાય કરે છે, પણ તું સમજતી નથી. આ સમાજમાં તારા મા-બાપને નીચાજોણું થાય છે.”
સખીએ ગોમતીબાઈને સમજાવવામાં કાંઈ બાકી ન રાખ્યું, પણ ગોમતી કેમેય કોઇનું માનતી ન હતી.
તે સાંભળી તેના મા બોલ્યા, ”અરે છોડી ! મલકમાં તેં તો અમને ભૂંડા લગાડયા. તારું સગપણ તો અમે નાનપણમાંથી કરેલું છે. ઈ ગઢાળીનો ભીમો પટેલ ફાટલ માણસ છે. રાજનું તેના પડખે જોર છે. જો એ આ વાત જાણશે તો એ તંતે ચડશે ને અમારું હોતન નખ્ખોદ વાળશે.” ગોમતી એની માંને કહે કે ‘મા… બસ, તું અને બાપુ ઈથી ડરો છો ? અરે ! રાજા રાવણનોય મદ નો’તો રહ્યો. આ પૃથ્વી પર એવા તો અનેક આવ્યા ને ગયા. ભક્તોની વ્હારે ભગવાન હોય, એનો વાળેય વાંકો કોઈથી ન થાય. એની ઇચ્છા વિના કોઈથી પાંદડુંય ન તૂટે. બીજાનાં બળ-છળ કોઈ કામ આવતા નથી. પ્રહલાદનો સગો બાપોય ધૂળમાં મળી ગયો, તો ઇ ભીમા પટેલનું તે શું ગજું ?” માં વળી સમજાવતી કહે કે ‘તું જીભાજોડય મેલ્ય ને છાની રે…! આ સંસારના લોકવહેવાર પ્રમાણે માણસે વર્તવું પડે.” ગોમતીની મા અકળાતી રાતીચોળ ખીજાતી થઈ. આંખમાંથી બોર બોર જેવડા આંસુ સારતી બોલી, ”જુવાન દીકરી છો તે શું વધારે કહીએ ?”
‘મા, ઈ તું બરાબર બોલે છે, જે દિ’ હું કાંઈ કાળું કામ કરું, એવું મારું વર્તન ભાસે તે દિ’ જરાય તું ઓછી ન ઊતરતી.” ગોમતીએ તો હદ વળોટી નાખી. કેમેય કોઈથી સમજતી નથી. તે ગામનાય મોટા મોટા ગણાતા લોકોય સમજાવીને થાક્યા. પછી બોલતા કે ”નાહક આપણે કાંઈ કહેતા. આપણાં બોલ પાછા પડે, તો કહેવા કરતા મોંઢા સીવી માન સોતા બેસવું શું ખોટું ? એમાં જ આપણું માતમ જળવાઈ રહે.” એમ બોલી ગોમતીના બાપ અમરશીને કહેતા, ‘અમરશી ! આનો એક જ ઈલાજ છે. તું તારી ભગવાન શ્રીજી મહારાજ પાસે લઇ જા, તેને વાત કર્ય, બાકી છોડીને ઝાઝી પજવ મા, નહિ તો કૂવો પૂરીને જીવ કાઢશે.”

ગામ આગેવાનોની સલાહથી અમરશી પટેલ ગોમતીને ગઢડા શ્રીહરિ પાસે લઈ આવ્યા. ગોમતી સાંખ્યયોગી બાઈઓ પાસે ગઈ અને અમરશી પટેલ મહારાજનાં દર્શન કરવા લીંબતરૂ નીચે બેઠેલા મહારાજ પાસે આવ્યો ને દંડવત્ પ્રણામ કર્યા. ત્યારે મહારાજ બોલ્યા, ”કાં પટેલ ! આજ અણોહરૂ મોઢું કેમ છે ? કાંઈ વિપત માથે આવી છે ?” અમરશી પટેલ માથેથી ફાળિયું ઉતારતા કહે કે ‘અરે મહારાજ ! એટલા માટે તો આવ્યો છું. મારી છોડી ગોમતીને વૈરાગ્ય વછૂટયો છે ને સંસાર-વહેવારમાંય કેમેય સમજતી નથી. મહિનામાં તેના સસરા લગ્નનું નક્કી કરવા આવશે, તે તો અત્યારથી ચાંદલો-ચૂડીનો ત્યાગ કરી બેઠી છે. તેને બહુ સમજાવી પણ તે કેમેય સમજતી નથી.” શ્રીહરિ મંદ મંદ હસ્યા અને કહે કે ‘લે… ભલા તમેય છો, શું છોડીને સાથે લાવ્યો છે ?”
એ સુણી અમરશી પટેલ માથું ઝુકાવતા કહે કે ‘હા, મહારાજ ! એ સાંખ્યયોગી બાયું ભેળી બેઠી છે.” મહારાજે કહ્યું કે
‘તો તો હમણાં એને સમજાવશું, ચિંતા મેલો, એલા બ્રહ્માનંદ સ્વામી ક્યાં છે ?” બ્રહ્મચારી કહે, ”મહારાજ ! એ હમણાં ઘેલે નાહીને આવ્યા.”
‘તો જાવ, એને બોલાવી લાવો.” બ્રહ્મચારી તો તરત ગયા ને સ્વામીને બોલાવી લાવ્યા. આવતા જ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, ”મહારાજ ! મને શું બોલાવ્યો ?” શ્રીજીમહારાજ બ્રહ્મમુનિ ને કહે કે ‘જુવો, આ લાઠીદડના આપણા હરિભગત અમરશી પટેલની દીકરીને વૈરાગ્યનો વાયરો ચડયો છે. તે સંસારના રાગ મેલી વૈરાગ્યના સાજ સજી બેઠી છે. તે જરાક તમે એને જઈને સમજાવો !” બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડ્યા ને કહે કે ‘અરે મહારાજ ! ઈ મારું કામ નહીં. આ પહેલા તમે લાડુબા-મોટાબાને સમજાવવા મોકલેલો, ઇ હુ હજુ ભૂલ્યો નથી. મારે ઓધવજીની સમજણ આવ્યા પછી જાણ્યું કે જેને વૈરાગ્ય ચડયો તે ઊતરે જ નહીં, માટે બીજા કોઈને કહો.” મહારાજ કહે કે ‘લ્યો સ્વામી, મને એમ કે ઝેરથી ઝેર ઊતરશે, પણ ઈય પાણીમાં બેસી ફસકી ગયા. અમરશી પટેલ ! અમે હમણાં મોટાબા-લાડુબા પાસે જ તેને મોકલશું, એટલે તે સમજાવશે.” એમ કહી મહારાજ ઊઠયા ને મોટાબાના ઓરડાની ઓસરીએ આવ્યા. ત્યારે ત્યાં ગોમતીબાઈ મોટાબા પાસે જ બેઠી હતી.
શ્રીજીમહારાજને જોઈ ગોમતીબાઈએ ઊભી થઈ બે હાથ જોડી, ‘જય સ્વામિનારાયણ’ બોલી, નીચું જોઈ ઊભી ત્યારે મહારાજ બોલ્યા, ”આ છોડી લાઠીદડની છે ને ?”
‘હા, મહારાજ !” લાડુબાએ જવાબ આપ્યો. મહારાજ કહે ‘તો…! એને કાં’ક કહો. સમજાવો. ઈ સાંખ્યયોગ પાળવો વહમો છે. એને ક્યાંથી એ લત લાગી ?”
લાડુંબાં કહે કે ‘હે મહારાજ ! એ તો દર મહિને આઠ-દસ દા’ડા અહીં આવીને રહે છે ને સત્સંગ કરે છે. સત્સંગથી એની વૃત્તિમાં વૈરાગ્ય ઓગળી ગયો છે, એને હવે સંસારમાં રહેવું નથી, તોય એના મા-બાપ પરાણ્યે સંસારમાં નાખવા માંગે છે. આ લોકમાં જે જીવને ભગવાન ભજવા છે એને એના જ નડતર કરે છે. એથી એને સંસારમાં લઈ જઈને શું સુખ મેળવવાનું છે ?”

મહારાજ હાથમાં ઉપરણીનો છેડાને વળ દેતા બોલ્યા કે ‘લ્યો…! હું તો તમને એ જ કહેવા આવ્યો હતો કે ઈ છોડીને તમે સમજાવો. સંસાર માંડવાનું કહો, ત્યાં તમે જ સામે વૈરાગ્યની વાત માંડી. તો હવે શું કરવું ?” એમ કહી મહારાજ પાછા વળ્યા ને અમરશી પટેલ પાસે આવી બોલ્યા,
‘અમરશી ભગત ! તમે જીદ મેલી દ્યો, ઈ સ્ત્રી-હઠ છે. કોઈનું કાંઈ ચાલશે નહીં. તમે જેને તમારી દીકરી સમજો છો, એ તો પરભવના યોગ અધૂરા પૂરા કરવા તમારાં પુન્યે કરીને તમારે ત્યાં જીવ આવ્યો છે. એને અડચણ ન કરો. એ કોઈથી રોકી રોકાશે નહીં. આ સંસાર-વે’વારમાં તો ફસાશે જ નહીં. નાહક પ્રયત્ન કરો મા. તેને ભગવાન ભજવામાં મોકળું મેદાન કરો. એથી તમારું અને તમારી સાત પેઢીનું રૂડું થશે.”

અમરશી પટેલ બે દિવસ ગઢપુર રોકાઈને મહારાજના કહ્યા પ્રમાણે ગોમતીને ત્યાં મેલીને ઠાલેઠાલા લાઠીદડ આવ્યા ને ઘરવાળીને સઘળી વાત કરી. ત્યાર પછી તેના વેવાઈના આવેલ ઘરેણાં-કપડાં પાછાં મોકલ્યાં ને પોતે સત્ય વાત કરી માફી માંગી ત્યારે વેવાઈએ કહ્યું, ‘પટેલ ! કોઈ ભગવાનના ભગતને રંજાડવો સારો નહીં. એથી આપણું ધનોત-પનોત નીકળી જાય. તમે વહેલાસર આવી વાત કરી તે સારું કર્યું. અમને એથી દુઃખ નથી.”
અમરશી પટેલ ત્યાંથી પાછા લાઠીદડ આવ્યા.

ગોમતીબાઇ જીવનભર લાડુંબા-જીવુંબાં વગેરે સાથે સાંખ્યયોગી થઇને શ્રીહરિના ચરણે રહ્યા.

  • નારીરત્નો માંથી….