ઝાલાવાડના સુરેન્દ્રનગરના લીંમલી ગામના મુમુક્ષું અને મુકતરાજ એવા સગરામ વાઘરી (દેવીપૂજક)ને સદગુરુ મુકતાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો અને વર્તમાન ધારણ કરી ને પોતે સત્સંગી થયા. પોતે બ્રાહ્મણના જેવા ધર્મ પાળે ને છેડાવ્રત પાળે.
લીમલીંના આ સગરામ વાઘરી પહેલા ઝાલાવાડના લીંબડી રાજમાં શીકારી કૂતરાઓ પાળી-પઢાવીને પુરા પાડતા. તેઓ એક બે વરહ રાજમાં શીકારી કૂતરાઓ આપવા ગયા નહી એટલે લીંબડીના ઠાકોર સાહેબે રાજના કારભારીને પુછતા કહ્યું કે, “બાપુ, એ… સ્વામિનારાયણે તો વાઘરી ને વૈષ્ણવ કર્યા, ને આપડો એ સગરામો જ હવે વૈષ્ણવ થયો છ.“ ઠાકોર સાહેબ ને અચરજ થયું તે બોલ્યા કે એવું હોય નહિ. વાઘરી તે વૈષ્ણવ થાય? એ તો કોઈથી બને નહિ.” ત્યારે કે, “બાપુ, હાલ એતો આપણા રાજમાં જ રહે છે, ને લીંબલી ગામમાં જ સગરામ વાઘરી એવો જ ધર્મ પાળે છે.” ત્યારે દરબારશ્રી કહે, “હાલ ઇ સગરામો ક્યાં હશે? જયાં હોય ન્યાંથી એને આંહી તુંરત જ બોલાવો.” ત્યારે કોઈકે કહ્યું કે, “એ તો આજ આંહીં લીંબડીમાં જ આવ્યા છે.” આમ વાત થતા જ રાજના માણહ તુંરત જ જઇને સગરામભગત ને બોલાવી લાવ્યા.
સગરામભગત તો શાંત ચિત્તે રાજદરબારમાં આવ્યા. વણિક જેવાં ધોયેલ ધોળાં લૂગડાં ને એના ભળકતાં ભાલમાં ભડકા જેવો તિલક-ચાંદલો, હાથમાં માળાને મુખમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ ભજન કરતા થકા પોતે દરબારગઢમાં આવ્યા. દરબારે એને ઢોલિયા પાસે ખુરશી ઢાળીને બેસાર્યા ને વાતો પુછતા કહે કે “સગરામા, તું હવે કેમ કૂતરા આપવા આવતો નથી, ને સાંભળ્યું છે કે તું હવે સ્વામિનારાયણિયો થયો છે?” ત્યારે કે, “હા, બાપુ.” ત્યારે ઠાકોર કહે, “તને વાઘરીને વળી ઈ શું સૂઝ્યું? તને કાંઈ વળી સ્વામિનારાયણે પરચો દીધો?” ત્યારે કે, “હા, બાપુ, હવે પરચા વિના ક્યા કોઈ માને છે?” ત્યારે ઠાકોર કહે, “તને શું પરચો દીધો તે કહે.” ત્યારે સગરામ કહે, “બાપુ, કો તો હમણાંનો કહું ને કો તો આગળનો કહું.” ત્યારે કે, “હમણાંનો કહે.” ત્યારે સગરામ કહે, “હું જાતે વાઘરી છું અને તમે તો મારા રાજના ધણી છો તે તમને સાંભરે છે કે મેં કોઈ દિવસ વાઘરી હારે આમ રાજદરબારમાં બેહીને વાતું કરી? ને મને તમારા નોકરના જોડા પડ્યા હોય ત્યાં પણ ઊભો રહેવા ન દયો, તે તમે ઢોલિયા પાસે બેસારીને મારી સાથે વાતો કરો છો. તે હું સ્વામિનારાયણિયો થયો ત્યારે જ ને? એ જ સૌથી મોટો હાલ મારે મન પરચો.” ત્યારે દરબાર કહે, “એ તો સાચું. પણ સગરામા, લોકમાં એમ કહે છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે. એ વાત સાચી? ક્યાંય ગધેડાને ગાય કરી?” ત્યારે સગરામ કહે, “સાહેબ, એક તો મને કહો જે અમે વાઘરી તે શીકાર કરીએ ને ધર્મમાં તો કાંઈ સમજીએ નહિ, તે અમે ગધેડા જેવા પણ ભગવાન સ્વામિનારાયણે નિયમ દીધાં તે ચોરી, છીનાળી, દારૂ, માંસ કાંઈ હવે કરીએ નહિ ને પાણી ને દૂધ પણ ગાળીને પીએ. હવે તો જૂ-માંકડને પણ મારીએ નહિ ને મારે છેડા વ્રતમાન છે, પરસ્ત્રીને અડવું નહિ ને નાતમાં અભક્ષ્ય ખાવું નહિ ને રોજ સવારમાં ઊઠીને નાવું ને ભગવાનના પૂજાપાઠ કરતા થકા બ્રાહ્મણના જેવો ધર્મ પાળીએ છીએ તે બધુય જોતા તમને નથી લાગતું કે સ્વામિનારાયણે ગધેડાની ગાય કરી.” ત્યારે ઠાકોર કહે, “સગરામા તું જાત્યનો વાઘરી છો પણ ખરો ભક્ત થયો છો હો..”
આમ, ગામ લીમલીના સગરામ વાઘરી શુદ્રમાં પણ નીચલા વર્ગના માણસ પણ એને ભગવાન સ્વામિનારાયણના સંતોનો યોગ થયો, પોતે દૈવી જીવ હતા એટલે પુર્વજન્મના યોગે પરમસત્સંગી થયા, ખુદ શ્રીહરિ ને એમના કૂબે રાત રહ્યા એવા પ્રભુ પ્રેમી ભકત બન્યા ને સારાયે સત્સંગમાં પ્રાતઃ સ્મરણીય સન્માનને પાત્ર બન્યા.
એક વખત શ્રીમદ્દ ભાગવતની કથાનું આયોજન થયું. કથાના વક્તા પદે શિયાણી ગામના વિદ્વાન બ્રાહ્મણ શ્રી શિવરામ ભટ્ટ હતા. સવારમાં કથાનો પ્રારંભ થયો. ગામના ભાવિકો કથા સાંભળવા ઉમટેલા. સાંજે કથા પુરી થઇ ભટ્ટજીએ પૂછ્યું: ‘ભક્તો! કથા કેવી લાગી? ત્યારે માણસોએ કહ્યું ભટ્ટજી આપની કથા સારી જ છે પરંતુ, અમારા સગરામા જેવી નહીં.
બીજા દિવસે પણ એ જ રીતે થયું, પછી ભટ્ટજીએ કહ્યું કે “સગરામને બોલાવો”, એને બોલાવ્યા અને શિવરામજીએ સગરામા ને કહ્યું કે “સગરામા, તું મને કાંક પ્રશ્ન પૂછ? સગરામે કહ્યું ભટ્ટજી તમે તો મોટા વિદ્વાન છો અને હું તમને શું પ્રશ્ન પૂછી શકું. પણ ભટ્ટજીનો ખુબ આગ્રહ હોવાથી પ્રશ્ન પૂછ્યો કે “મહારાજ, વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે?” એ પ્રશ્ન છે.
ભટ્ટજી મનમાં બધા શાસ્ત્રોના પ્રમાણો ખોલવા લાગ્યા પણ એમને ક્યાંય જવાબ મળ્યો નહીં. એટલે થોડીવાર વિચારીને કહ્યું કે સગરામા, હું આ પ્રશ્નનો જવાબ કાલે તને આપીશ. સહુ પોત પોતાને ઘેર ગયા અને ભટ્ટજી તો સારી પવનવેગી ઘોડી લઈ ઝડપથી ગઢપુર પહોંચ્યા. ઉતાવળે આવીને શ્રીજીમહારાજને નમસ્કાર કર્યા. શ્રીજીમહારાજે પુછ્યું કે કે આવવું થયું તો પ્રશ્ન પૂછ્યો, “હે સ્વામિનારાયણ મહાપ્રભુ, એક પ્રશ્ન છે કે વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે?” ત્યારે અંતર્યામી શ્રીહરિ હસ્યા અને બોલ્યા કે “ગોરમહારાજ, ચિત્તતો નિર્મળ છે પરંતુ વિષયના યોગે કરીને તે વિષયી બને છે, અને જો સારો યોગ થાય તો તે સારું બને છે.” આમ પોતાના પ્રશ્ન નો જવાબ મેળવીને તેઓ તુંરત જ કથાસ્થળે પરત આવ્યા.
બીજા દિવસે શીવરામજાની કથા કરવા ગયા. કથા સાંજના સમયે પુરી થઈ, અંતે શિવરામજીએ કહ્યું વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે, એ જ પ્રશ્ન છે ને સગરામા ?
ત્યારે સગરામભગત કહે કે “હા ભટ્ટજી મહારાજ! એ જ પ્રશ્ન હતો” તો એમનો એ જવાબ છે, એમ કહીને મહારાજે જે ઉત્તર આપ્યો હતો એ જ જવાબ આપ્યો.
સગરામ ભક્તએ કહે કે “ભટ્ટજી આ જવાબ એકદમ સાચો છે, પરંતુ મારા પ્રભું સ્વામિનારાયણ સિવાય કોઈ પણ આ પ્રશ્નનો જવાબ ન આપી શકે, માટે આ જવાબ તમે સ્વામિનારાયણ પાસેથી મેળવ્યો છે.” આ સુણીને ભટ્ટજી ને સગરામ વાઘરીના પગમાં પડયા અને કહ્યું સગરામા તું ખરો ભક્ત છે, ગઈ કાલે કથા વહેલી પૂર્ણ કરી હું મારતે ઘોડે સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચ્યો અને તેઓની પાસેથી જ આ જવાબ મેળવ્યો છે.
પછીથી શીવરામ જાની શ્રીજીમહારાજના પરમઆશ્રિત થયા અને સમય જતા તેઓ શ્રીજીમહારાજ પાસેથી બ્રહ્મચારી મહા દીક્ષા ગ્રહણ કરી અખંડાનંદ સ્વામી નામે સંપ્રદાયમાં પ્રસીદ્ધ થયા.
આમ, ભગવાન શ્રી સ્વામિનારાયણે આધ્યાત્મિક પરંપરાની શુદ્ધિ કરી અને સાથે સાથે શાસ્ત્ર સંમત સામાજિક વ્યવસ્થાની શુદ્ધિ કરી. શુદ્રોને સત્સંગ કરાવી ને એમના જીવન પણ બ્રાહ્મણો જેવા જ શ્રેષ્ઠ બનાવ્યા.
– શ્રીસ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નોમાંથી….