એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લીંબવૃક્ષના ઓંટાએ ઉગમણી કોર ફળીમાં બેઠા હતા. એકવખતે અલી મહંમદ નામનો એક મુસલમાન ઘોડાનો સોદાગર દરબારગઢમાં આવ્યો. એ વખતે એના સમક્ષ ત્યાં ફળીમાં તાજણ ઘોડીને શ્રીહરિએ ફેરવી બતાવી. એ સોદાગર તો શ્રીહરિને જોઇને ચકિત થઇ ગયો. તેણે અતિ તેજના અંબારમાં શ્રીહરિને ઘોડી ફેરવતા હોય એવા દિવ્ય દર્શન થયા. એણે શ્રીહરિ ને હાથ જોડીને સ્તુતિ કરતા કહ્યું કે “પ્રભુ, આપતો ખુંદ અલ્લા છોવ..!” આમ કહીને એ સોદાગર અલી મહંમદે એ તાજણ ઘોડીને શ્રીહરિ પાસે દસ હજાર રુપીયે રોકડે માંગી, પરંતુ શ્રીજીમહારાજે તાજણ ઘોડીને વેચવાની ના પાડી.
થોડાદિવસ પછી એકવખત ફરીને સાંજના સમયે શ્રીજીમહારાજ લીંબડાથી ઉગમણા ફળીમાં બીરાજમાન હતા, ને સંધ્યા આરતી અને ધૂન્ય વગેરે થઇ રહ્યા પછી એ વખતે અલી મહંમદ દરબારશ્રી જીવા ખાચરને સાથે લઇને શ્રીજીમહારાજ પાસે આવ્યો. શ્રીહરિને નીચા નમીને પ્રણામ કરીને બોલ્યો કે “સ્વામિનારાયણ…! મને સમાધી જોવી છે.” શ્રીહરિએ ના કહી, પરંતું સચ્ચિદાનંદ સ્વામીને બોલાવી ને એમને સમાધી કરાવીને એના શરીર ઉપર ધગધગતા અંગારા મુકાવ્યા. આ જોઇને અલી મહંમદ કહે જે “આવું તો ફકીરી માં પણ ભાળ્યું છે.” એટલે શ્રીહરિ તુંરત જ સચ્ચિદાનંદ સ્વામીને સોટી અડાડી એટલે સ્વામી સમાધિમાંથી જાગયા.
શ્રીહરિએ અલી મહંમદ સાથે અરબી ભાષામાં એક થી ચોવીસ જે પયગંબરો જયાં જયાં થઇ ગયા એની અરબી વાણીમાં વિગતે વાત્ય કરી અને કૂરાનના હદિસો-કલમાં વગેરે એને ત્યાંજ કહી સંભળાવ્યા. એ સુણીને અલી મહંમદ ઘણા આશ્ચર્યને પામ્યો અને તુંરતજ શ્રીહરિના ચરણે પડ્યો ને બંદગી કરવા લાગ્યો. શ્રીહરિએ અનુગ્રહ કરતા એને તુંરત જ સમાધી થઇને એને સમાધિમાં ચોવીસેય પયગંબર દેખ્યા અને તેજની વચ્ચે ભીસ્ત (ભગવાનનું ધામ) દેખ્યું, એ વીશે સોનાના સીંહાસને બિરાજેલા અનેક નૂરી ફિરસ્તાઓ જેને બંદગી કરતા એવા શ્રીહરિના દર્શન થયા. થોડીવારે સમાધિમાં એ ચોવીસેય પયગંબરો શ્રીહરિના સ્વરુપ મા લીન થતા જોવા મળ્યા. સમાધિમાંથી જાગીને અલી મહંમદ બંદગી કરવા લાગ્યો અને શ્રીહરિના ચરણે વર્તમાન ધારણ કરીને આશ્રિત થયો, શ્રીહરિ પાસે પંચવર્તમાન લઇને સત્સંગી થયો. પોતે જીવનભર માંસ વગેરે નહી ખાવાના નિયમ લીધા.
શ્રીહરિ એ ઉત્તમરાજાને સાદ કરીને બોલાવીને એ ઘોડા ના સોદાગર અલી મહંમદને એક માણકીયો ઘોડો અપાવ્યો. અલી મહંમદે દાદા ખાચરને ઘોડાની કિંમતના બદલામાં એક હજાર રોકડા રુપીયા ગણીને દીધા. રોકડા રુપીયા દેતી વખતે અલી મહંમદ હસતો થકો દાદાખાચર ને બોલ્યો કે “એક ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય..!” આ ટકોર સુણીને શ્રીજીમહારાજ હસતા થકા બોલ્યા કે “અલી મહંમદ..! જા તું અમારા શરણે થયો છે તો તને એક હજારના દસ હજાર મળશે..!” આમ કહીને એની દાદાખાચર પાસે બરદાસ્ત કરાવી.
અલી મહંમદ એ દાદાખાચરનો દીધેલો માણકીયો ઘોડો લઇને ગયા ને થોડા જ સમય માં શ્રીહરિનું વતન સત્ય થયું. થોડાક જ દિવસ માં સમાચાર આવ્યા કે એ માણકીયો ઘોડો ગ્વાલીયરના મહારાજાને એણે ભેંટ દીધો તો મહારાજાએ એને દસ હજાર રુપીયા રોકડા અને એક ગામ દીધું. અલી મહંમદને શ્રીજીમહારાજનું એ અમૃત વચન યાદ રાખીને એક મોંઘા મોતીની માળા મોકલાવી. પોતે દુર દેશાંતર રહેતો થકો શ્રીહરિનો પરમ આશ્રિત થયા. અલી મહંમદ જીવનભર સત્સંગ ની વાત સહુંને કરતા થકા અંતકાળે અક્ષરધામના અધિકારી થયા.
– સદગુરુ શ્રી પરમચૈતન્યાનંદ સ્વામી કૃત ગઢપુરલીલા માંથી…..