શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ પોતાના સંતમંડળ સાથે વિચરણ કરતા થકા નિમાડ દેશમાં સત્સંગ કરાવતા હતા. પહાડી પ્રદેશ, અનેક વિષમતા, મરાઠી, હિન્દી તેમજ ભોજપુરી વગેરે ભાષા બોલવાની તકલીફ છતા જનમાનસ ને શ્રીહરિના મહીમાચરિત્રો તથા પંચવર્તમાનની વાતો દ્રઢ કરીને કરતા થકા અનેક ગામોમાં હજારો મુમુક્ષુંઓને સત્સંગ કરાવીને પ્રગટ પ્રભુંના અનુયાયી બનાવ્યા હતા. હાલ પણ બૂરાનપુર, ધરગામના સુંદર મંદિરો માં બીરાજતા દેવો એની સાક્ષી પુરે છે. વડતાલદેશમાં ખાનદેશી સંતોના મંડળો પણ એ સદગુરુ સ્વયંપ્રકાશાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, મંજૂકેશાનંદ સ્વામીના કરાવેલા સત્સંગપ્રચાર પ્રસારનું જ ફળ છે.
એકસમયે સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પોતાના મંડળ સાથે મધ્યપ્રદેશના નિમાડ દેશમાં વિચરણ કરતા કરતા કુક્ષી ગામે પધાર્યા હતા. ગામના શીવાલયે સ્વામીએ ઉતારો કરીને સૌ મુમુક્ષુંઓને પ્રગટ શ્રીહરિના મહીમાં ની તેમજ પંચવર્તમાન ની દ્રઢ વાત કરીને સત્સંગી કર્યા, સૌ કોઇને અષ્ટપ્રકારે સ્ત્રી-ધનના ત્યાગી એવા સંતોના પવિત્ર જીવન જોઇને ઘણો ગુણ આવ્યો ને વર્તમાન ધારણ કરીને શ્રીહરિના અનુયાયી થયા. આ વખતે ગામનો એક ધનાજી શીરવી (રાજપુત) નામે મુમુક્ષું સ્વામી પાસે આવીને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે ‘જો મારું દુખ દુર થાય તો હુ વર્તમાન ધારણ કરીને સત્સંગી થાઉં.’ ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી કહે કે ‘જુઓ ભાઇ, કોઇ પંચવિષય ની કામના કે ધનના લોભે સત્સંગ ન કરવો, સત્સંગ તો કેવળ આત્માના મોક્ષાર્થે જ કરવો, સુખદુખ તો અનંતજન્મના કર્મોના લેણ-દેણે કરીને આ જીવને પ્રાપ્ત થાય છે. શ્રીહરિ તો અતિ દયાળું છે, આ ચરાચર વિશ્વમાં સૌ કોઇનું ભરણપોષણ કરે છે, તો એમના ભક્તનું કેમ ન કરે? તમને જે સંકલ્પ હોય એ કહો અમે સંતો શ્રીહરિ ને પ્રાર્થના કરીને તમારું રૂડું થાય એમ કરવા અરજ કરીશું.’
આ સુણીને ધનાજી શીરવી કહે કે ‘સ્વામી, મારે બીજી તો કોઇ લાલસા નથી, પરંતું મેં હમણા એક વાડી ખરીદ કરીને લીધી છે, જ્યારે એમા મે પ્રથમ વખત પ્રવેશ કર્યો તો એ સમે મોટો વિકરાળ પ્રેત મારા સામો દોડી આવ્યો ને મને જમીન પર પછાડીને ચક્રની જેમ ગોળ ગોળ ફેરવીને બહાર ધા કરી દીધો, મને શરીરે ઘણી ઈજાઓ થઇ’તી ને હું બે મહીના નો ખાટલો ભોગવીને હાલ જ સાજો થયો છું, હમણા હુ ફરીને વાડીએ ગયો તો એ પ્રેત ફરીને મારા પાછળ દોડ્યો, હું માંડ માંડ મારો જીવ બચાવીને ભાગ્યો, મે એ સારું ઘણાય ફકિર, જતિ તે ભૂવા-ડાકલિયા ઓને અજમાવી જોયા પરંતું એ પ્રેત એનાથી હટતો નથી, તમે સાચા સંત છો એટલે આપને શરણે આવ્યો છું, આપ કાંક કૃપા કરીને એને કાઢો તો હુ આપના પાસે સત્સંગી થાઉં.’ આ સુણીને વિજ્ઞાનાનંદ સ્વામી કહે ‘ભલે ધનાજી, આપણે બપોર પછી ઠાકોરજીને લઇને જાઇશું, શ્રીહરિ બવ દયાળું છે સૌ સારાવાનાં કરશે.’
એ દિવસે બપોરપછી સ્વામી અને સહું ધનાજીની વાડીએ ગયા, શેઢે પહોંચીને સ્વામીએ સૌ પાસે ઉચ્ચસ્વરે ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…!’ એમ હરિનામની ધૂન કરાવી, ત્યાંતો પેલો પ્રેત ત્યાં દોડતો આવતા જણાયો, સ્વામીએ તુંરતંજ હાથ માં ઠાકોરજીનું પ્રસાદી જળ લઇને એના તરફે હાકોટો કરતા કહ્યું કે ‘ત્યાંજ થંભી જાજે, ખબડદાર આગળ આવ્યો છો તો..! તારા કર્મના લીધે જ તને આ નારકીયોનિમાં પ્રેત થવું પડ્યું છે.’ એમ કહીને જ્યાં પાણી છાંટ્યું ત્યાં તો એ શાંત થઇને કહેવા લાગ્યો કે ‘મહાત્માજી, આ હું આહી આ વાડીમાં મારા પરિવાર સાથે આરામથી રહેતો હતો, એકરાત્રે અચાનક મારા ઘરમાં આગ લાગી તે મારી પત્નિ અને પુત્રો એ આગમાં સળગી ગયા. હું એના વિયોગે આ વાડીના કુવામાં આપઘાત કરીને મૂઓ, એ આપઘાત ના કારણે હું પ્રેત થયો છું અને આ વાડીમાં આસક્તિના કારણે રહ્યો છું. આપ મહાસમર્થ પુરુષ છો, મારો ઉદ્ધાર કરો..!’ સ્વામીએ ઠાકોરજીના એ ચરણોદક જળને એના ઉપર છાંટ્યું અને કહ્યું કે ‘જા તું બદરીકાશ્રમ જઇને ત્યાં તપ કરજે, પછી તું સત્સંગ માં જન્મ ધરીશ..! તને શ્રીહરિના ભજન સ્મરણનો યોગ થશે ને તારું કલ્યાણ થશે.’ આટલું કહેતા તો એ પ્રેત ધનાજી પાસે માફી માંગીને પ્રણામ કરીને આકાશ માર્ગે જતો રહ્યો. સ્વામીના પ્રતાપે વાડી પ્રેતના ઉપદ્રવ રહિત બનતા ધનાજી શીરવી ઘણા રાજી થયા અને સ્વામી પાસે કંઠી બંધાવીને સત્સંગી થયા, ગામમાં વાયુંવેગે વાત પ્રસરી ગઇ. સૌ કોઇને ઘણો ઘણો ગુણ આવ્યો.
ધનાજી પોતાના કુક્ષી ગામમાં અવારનવાર સંતોને તેડી આવતા અને આજુંબાજુંના સાલા, શીંગાણા, વાલીપુર વગેરે ગામોમાં પણ એમણે સંતો સાથે જઇને ધણાય મુમુક્ષુંઓને સત્સંગ કરાવ્યો. વાલીપુરમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ શ્રીહરિનું સુંદર મંદિર કરાવ્યું, તેમજ ધરગામમાં જ્યારે મોટું મંદિર થયું અને શ્રીજીમહારાજ પાસેથી નરભગવાનની મુર્તી લાવીને પધરાવી ત્યારે આ ધનાજી શીરવીએ ઘણી સેવાઓ કરેલી.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૨૬ની ૯મી પંક્તિમાં આ નિમાડ દેશના ઘનોજી ને ચિંતવતા લખ્યું છે કે…
નકી ભક્ત નિમાડના, જેનાં અતિ આકરાં અંગ..!
કરડાં કઠણ વચન, જેને શીશ સાટે સતસંગ..!!
ક્ષત્રી ભક્ત ધનોજી અમરી, રહે ગામ કુકશી ભજે હરિ..!
કણબી ગોપાળ ને ભીખોભાઈ, નાગર પાનબાઈ હરબાઈ..!!
– શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….