ગામ કુંકાવાવમાં સુંદરજીભાઇ ગીલા નામે લોહાણા જ્ઞાતિમાં શ્રીહરિના એકાંતિક ભકત હતા. તેઓ બાલમુંકુંદદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી વગેરે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ની જોકના સંતોના યોગે આત્મનિવેદી ભકત થયા હતા. પોતાની આર્થિક પરીસ્થીતી સાધારણ હોવા છતા સંતો જ્યારે જ્યારે કુંકાવાવ પધારે ત્યારે રસોઇ કરીને જમાડે, જુનાગઢ શ્રી રાધારમણ દેવના પાટોત્સવ વગેરે મા અચુક દર્શને જાય અને દેવને થાળ કરીને પોતાની પરસેવાની કમાણીમાંથી દેવનો ચોકખો દશાંશ-વિશાંશ ભાગ કાઢતા. કુંકાવાવ ગામના નાના મોટા સહુ સત્સંગીઓને પણ સુંદરજીભાઇ પ્રત્યે બહું આદરભાવ હતો. પોતાને પૂર્વજન્મ ના કર્માનુંયોગે શરીરે થોડી કસર રહ્યા કરતી હતી, પરંતું સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી સાથે એમને ખુબજ હેત એટલે સ્વામી એમને જે આજ્ઞા કરે એ શિરોમાન્ય ગણીને તમામ સેવા ખડેપગે કરતા. તેઓ અવારનવાર કાગળ લખીને બાલમુકુંદદાસ સ્વામીને કુંકાવાવ તેડાવી ને સત્સંગ કરતા. સ્વામી પણ એમની મુમુક્ષુતા જોઇને એમના એક કાગળે પધારતા, આમ પરસ્પર બંને ને બહુ હેત ભાવ હતો.
એકવાર બાલમુકુંદદાસ સ્વામી માળીયા હાટીના જયાં જુનાગઢ મંદિરની વાડી હતી, ત્યાં બિરાજતા હતા. એ વખતે કુંકાવાવ સુંદરજીભાઇને શરીરે થોડી માંદગી વધી, એટલે પોતાનો ખાટલો મંદિરે લેવરાવી ને સ્વામીને પત્ર લખ્યો કે “હવે અવસ્થા થતા શરીરે બહું સારું રહેતું નથી, તો આ દેહ નો કાંય હવે ભરોસો નથી, તો તમે મને દર્શન દેવા પધારજો.” આમ લખીને કાગળ મોકલાવ્યો. કાગળ મળતા જ બાલમુકુંદ સ્વામી પોતાની જોડ્ય ના સાધું ને હારે લઇ ને તેઓ માળીયા હાટીના થી રવાના થઇ ને જુનાગઢ મંદિરે આવ્યા. સ્વામીને એકાએક આવેલા જોઇને નારાયણદાસ સ્વામી પગે લાગીને બોલ્યાકે કેમ સ્વામી એકાએક પધાર્યા? ત્યારે સ્વામી કહે કે “કુંકાવાવ સુંદરજીભાઇ ને શરીરે સારું નથી તો તેડાવે છે.” ત્યારે નારાયણદાસ સ્વામી બોલ્યા કે ‘સ્વામી, સુંદરજીભાઇને તબિયત તો બહુ સમય થી નરમ-ગરમ રહ્યા કરે છે, ને વારાફરતી કાગળ લખીને તમને તેડાવે છે. તમે એને દર્શન દેવા પણ પધારો છો, પણ તમે આ ઉંમરે કેમ કરીને ત્યાં સુધી જશો? તમે થાકી જાશો ને તમારે શરીર પણ સારું નથી. તો કોઇ બીજા સંતો ને મોકલો.” એ સુણીને સ્વામી કહે કે સુંદરજીભાઇની આ વખતની માંદગી કાંક જુદી જ છે, તેઓને આ વખતે શ્રીજીમહારાજ ધામમાં તેડી જાશે, એટલે છેલ્લી વખત દર્શન દેવા જાવું જરુરી છે.” આમ વાત કરી સ્વામી તુંરંતજ કુંકાવાવ જવા નીકળ્યા. સદગુરુ બાલમુંકુંદદાસ સ્વામી જ્યારે કુંકાવાવ પધાર્યા ત્યારે સદગુરુ કૃષ્ણચરણ દાસ સ્વામી પોતાના મંડળ સાથે કુંકાવાવ આવ્યા હતા, એમના અને સ્વામીના દર્શન થતા જ સુંદરજીભાઇ ગીલા તો અત્યંત રાજી રાજી થઇ ગયા. સ્વામી સુંદરજીભાઇ પાસે ગયા એટલે સુંદરજીભાઇ હાથ જોડીને બોલ્યા કે “સ્વામી, મને માફ કરજયો, હું તમને વારે વારે ધક્કા ખવડાવું છું. હવે મને આ દેહની માંદગી મુકાવીને ધામમાં મોકલી દયો…!” બાલમુકુંદદાસ સ્વામી રાજી થતા થકા બોલ્યા કે “સુંદરજીભાઇ, અરે એમા શું? ભગવાન ને સંતો તો ભકત ને આધિન જ હોય છે. સંતોને તો ભકિત કરે ને પ્રભું નું ભજન કરે એજ સગો..! માટે તમે જરા પણ મન ને ઓછું ન લગાડશો, શ્રીજીમહારાજે તમારા પુર્વ જન્મની કચાશ પુરી કરાવવા શરીરે કસર રાખી હતી, હવે તો તમે ચોક્ખા થઇ ગયા છો. હવે મહારાજ તમને તેડી જાશે.” આમ કહી સ્વામી એ તુંરત જ સુંદરજીભાઇના દિકરા દામોદર ને બોલાવીને કહ્યુ કે ‘તારા પિતાજી ને આજે સાંજે છ વાગ્યે શ્રીજીમહારાજ ધામમાં તેડી જાશે, એટલે તમે સૌ પરિવારજનો વહેલાસર વાળું કરીને મંદિરે આવી જાજો. અમે પણ જુનાગઢ થી આ વખતે એમને અક્ષરધામમાં વળાવવા સારું જ આવ્યા છીએ.’ આમ કહીને સ્વામીએ બપોરના થાળ વગેરે કરાવીને ઠાકોર ને થાળ કરીને જમ્યા.
સાંજ પડતા સૌ પરિવાર જનો આવ્યા એટલે સ્વામી સુંદરજીભાઇ પાસે આવ્યા ને કહે કે ‘ભગત, મહારાજ તેડવા પધારશે એટલે તમે બીજેથી મનની વૃત્તિઓ પાછી વાળીને તૈયાર થઇ જાજો.’ આ સુણીને સુંદરજીભાઇ હાથ જોડીને બોલ્યા કે “સ્વામી, હું તો શ્રીહરિ સાથે ધામમાં જવા સારું તૈયાર બેઠો છું, દામોદર તું સંતોનું પુજન કર્ય અને સહુ સંતોને ધોતિયા ઓઢાડ..!” આમ પોતાના પિતાજીની વાત સુણીને દામોદરભાઇએ સંતોનું પુજન કર્યું અને સહું સંતોને ધોતિયા ઓઢાડ્યા.
સુંદરજીભાઇ કહે કે “દામોદર, તું આ આપડા ગામમાં બાઇઓનું મંદિર બંને છે તો એમા રુપીયા બસોની સેવા કરજે અને આપણા ઘરમાં ત્રાંબાની ગોળી છે તે તું મંદિર માં દાન કરજે, તો સંતો આવે ત્યારે વપરાશ માં કામ આવે.” આમ પોતે જાત જાતની ભલામણ દીકરાને કરવા મંડયા, એ વખતે સ્વામી કહે કે “સુંદરજીભાઇ, હવે તમામ સંકલ્પ મેલી દયો અને તમારું મન શ્રીજીમહારાજની મુર્તિમાં જોડી રાખો.” આમ ટકોર કરીને એમના શુભ સંકલ્પ પણ બંધ કરાવી દીધા.
થોડીવારે દેહ તજવા ટાંણું થયું એ વખતે સ્વામી કહે ‘દામોદર, હવે તારા પિતાને અંતસમો છે ને શ્રીજીમહારાજ સહું મુકતો સાથે પધારશે, એમનો ખાટલો તમે ઘેર લઇ જાઓ..! મંદિર માં સહું સંતો-ભકતો ને સુતક લાગે અને ઠાકોરજીની સેવાપુજામાં પણ બાંધ આવે, માટે સુંદરજીભાઇને ઘેર લઇ જાઓ.” આમ, સ્વામીએ સુંદરજીભાઇને ઠાકોરજીને ધરાવેલ જળ પાયું અને માથે હાથ મેલ્યો. સ્વામીની વાત સુણીને દામોદરભાઇ ને પરિવારજનો એમને ધેર લઇ ગયા. થોડીવાર માં શ્રીજીમહારાજ અનંત મુકતો સાથે તેડવા પધાર્યા. સુંદરજીભાઇ સ્વામીના આશીર્વાદે બોલતા ચાલતા દેહ છોડીને અક્ષરધામમાં સિધાવ્યા. સમર્થ સદગુરુ સંતના પ્રતાપે તેઓના કહ્યા મુજબ નિર્ધારિત સમયે શ્રીહરિ પોતાના ભકતને અક્ષરધામમાં તેડી ગયા.
આવે અંતસમો સુભકતજનને સંતો સમીપે રહે..!
કોઇ કિર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુની કહે..!
પ્રિતિ દેહ સુગેહમાંહી નવ રહે વૃત્તિ પ્રભુંમાં ઠરે..!
એવા નું અતિ ધન્ય ધન્ય મરવું સધ્ધામમાં સંચરે..!
– સદગુરુ શ્રી બાલમુંકુંદદાસ સ્વામીના જીવનપ્રસંગોમાંથી…