કચ્છના ચાંદ્રાણીમાં વરખડાનું ઝાડ તે વાંકુ હતું, તેની ઉપર ઘોડો પલાણીને બેસીને હાંકતા હોય એવું મનુષ્યચરિત્ર કરતા હતા.

શ્રીહરિ કચ્છના ગામ ચાંદ્રાણી માં અબોટી બ્રાહ્મણ ચાંદ્રાણી તથા હરિભાઇ નામે બે ભાઇઓ હતા તેને ઘેર પધાર્યા અને ત્યાં પાંચ દિવસ રહ્યા. નિત્યે ગામની ભાગોળે તળાવમાં નહાવા પધારતા. ત્યાં ગામ ને તળાવ વચ્ચે પાળીયા ઘણા છે. તે પાળિયાની ઉગમણી કોરે થડમાં અડીને વરખડાનું ઝાડ તે વાંકુ હતું, તેની ઉપર ઘોડો પલાણીને બેસીને હાંકતા હોય એવું મનુષ્યચરિત્ર કરતા હતા. ત્યારે સત્સંગીઓ સર્વે હસતા હતા, ને પૂછતા જે, હે મહારાજ! આ શું કરો છો? ત્યારે મહારાજ કહે જે, ઘોડું હાંકીએ છીએ. તે ઘોડું નઠારું છે તે હીંડતું નથી. પછી જેઠોભગત વગેરે સત્સંગીઓએ શ્રીહરિના એ મનુષ્યચરિત્રના પણ દિવ્યદર્શનને અતિ મહિમાંથી દેખતા સર્વને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ એ વરખડાના ઝાડની વાંકી ડાળીએ બિરાજ્યા છે તે હવે એ વરખડાનો આત્મા ચૌદ લોકને પાર ચાલશે.’ પછી સર્વે પ્રાર્થના કરી જે ‘હે મહારાજ, હવે સ્નાન કરવા પધારો.’ પછી તળાવમાં સહુ નાહીને ઘરે પધાર્યા. ચાંદ્રાણી ગામે શ્રીહરિ પોતાના ભકતને સુખ દેવા દિવસ પાંચ રહ્યા.

ત્યાંથી ગામ શ્રી ભુજનગર પધાર્યા ને સાધુની જાયગામાં પાટ ઉપર વિરાજમાન થયા. એ સમે સંત હરિજનોની સભા ભરાઇને બેઠી હતી. ભકતરાજ સુંદરજીભાઇએ પ્રશ્ન પૂછ્યો જે, અમારું સંતની બરોબર કલ્યાણ થાય એવું જણાતું નથી. શા માટે જે સંતો તો નિવૃત્તિપરાયણ છે. માટે એના કલ્યાણમાં તો સંશય નથી. ને સંસારમાં રહ્યા થકા અમે તો પ્રવૃત્તિમાર્ગમાં છીએ, તે હજારો જાતના વિક્ષેપ થાય છે. માટે સાધુની બરોબર કલ્યાણ કેમ થાય? એ સુણીને શ્રીજીમહારાજે કહ્યું જે, ‘તે સાધુનું ને તમારું તો બરોબર કલ્યાણ છે, કેમ જે આ ભુજનગર ઉપર લશ્કર આવ્યું હોય ત્યારે સરકારના ચાકર હોય એ લડવાને જાય. ત્યારે શાહુકાર શહેરમાં હોય તે અન્ન, પાણી, દારૂગોળા વગેરે કરીને તેનું પોષણ કરે છે, તેને બળે કરીને તે લડે છે. તેમ સાધુ ત્યાગી છે તેની તમે અન્ન, પાણીએ સેવા કરો છો તથા પુસ્તક આદિકની તમે ખબર રાખો છો માટે તમારે બળે તે સર્વે નિરાંતથી ભજન કરે છે. માટે તમારું ને સાધુનું બરોબર કલ્યાણ છે. શા માટે જે, તમે સંતની સેવા કરો છો, અને સંત સુખે ભજન ધ્યાન કીર્તન કરે છે.’ એ વાત સાંભળીને સત્સંગી સર્વે બહુ રાજી થયા. વળી એ દિવસે રાત્રીએ શ્રીજીમહારાજ આડે પડખે થયા હતા તે પેટ ઉપર હાથ ફેરવ્યો ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, ‘હે મહારાજ! કાંઇ ભૂખ લાગી છે?’ ત્યારે મહારાજે કહ્યું જે, ભૂખ તો લાગી છે ખરી પણ રાત બહુ ગઇ માટે માણસ સર્વે સૂઇ ગયાં છે તે હવે તો જમ્યાનું ક્યાંથી મળે? ત્યારે સુંદરજીભાઇએ બ્રાહ્મણને કહ્યું જે, કંદોઇને હાટેથી મીઠાઇની માટલી લઇ આવ. ત્યારે બ્રાહ્મણ દોડતો જઇને જલેબીની માટલી લાવ્યો, ત્યારે સુંદરજીભાઇએ લઇને હીરજીભાઇને આપીને કહ્યું જે, તમે શ્રીહરિને આ જલેબી જમાડો. ને જો તમે જમાડતાં થાકો છો કે હું મંગાવતાં થાકુ છુ! પછી હીરજીભાઇએ મહારાજના હાથમાં જમવા સારું થાળી દીધી, તેમાં જલેબી પીરસતા જાય ને મહારાજ જમતા જાય. ને પૂછે જે, હવે જલેબી કેટલી છે? ત્યારે હીરજીભાઇ કહે, હે મહારાજ! જમ્યા જ ક્યાં છો? બધી જલેબી પડી છે. ને સુંદરજીભાઇને કહે જે, એ તો જમી રહ્યા છે. ત્યારે બીજી જલેબી મંગાવીને આપી ને મહારાજ હસતા જાય ને પાટ ઉપર લાંબા થાય ને હસે ને વળી માટલી સામું જુવે ત્યારે હીરજીભાઇ કહે જે, જો પડી રહેશે તો મારી લાજ જાશે ને મને નહીં રહેવા દે. પછી મહારાજ એમને એમ હસતા જાય ને વળી જમતા જાય. થોડીવારે હીરજીભાઇ કહે જે, આ તો આવી રહ્યું. તમથી એમનું પૂરું નહીં થાય. ત્યારે બીજી જલેબીની માટલી મંગાવી. ત્યારે મહારાજે ના પાડી, તો પણ મંગાવી. પછી હીરજીભાઇ પીરસતા જાય ને મહારાજ જમતા જાય, ને ત્રીજી માટલી મંગાવી તેમાંથી અર્ધી જલેબી જમ્યા. પછી વાંસે પડી રહી તે પ્રસાદી સાધુ અને હરિભક્તોને એ પ્રસાદી વહેંચી આપી, શ્રીજીમહારાજ જલેબી જમીને હાથ ધોઇને કોગળા કરીને પોઢવા પધાર્યા.

– શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૩૭માંથી….