‘મહારાજ પણ ખરા છે હો, આ હરજીવન ભણ્યો છે એને કાંય ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઇઓ અભણ છે એને રામાયણનાં કાંડ આપ્યા..!’

ગામ ધોરાજીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો, અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમભકત વિપ્ર માવજી દવે ના ઘરે ઉતારો કરતા. ધોરાજી ગામમાં સ્વામીએ સદાવ્રત પણ ચાલું કરાવેલું જે માવજી દવે ચલાવતા અને સાઘુ-સંત અભ્યાગતો ને કાયમ અતિ મહીમાંથી જમાડતા. શ્રીહરિ ગાદીએ બેઠા પછી પોતે પણ અવારનવાર ધોરાજી પધારતા ને લાલવડે સભાઓ કરતા. અનેક ઐશ્વર્ય પરચાઓથી સર્વ મુમુક્ષુઓને પોતાના પુરુષોત્તમપણા નો નિશ્ચય પણ કરાવતા.

એકવખતે શ્રીહરિ સંઘમાં સદગુરુ મુકતાનંદ સ્વામી આદિક સંતો-ભકતો સાથે ધોરાજી પધાર્યા અને ગામના ખીમાણી દરબારોએ અતિભાવથી શ્રીહરિને રોક્યા, સભામાં એ વખતે શ્રીહરિના દર્શને માવજી દવેના વિધવા બહેન ગંગાબેન પોતાની સાથે ચારેય ભત્રીજાઓને લઇને દર્શને આવ્યા. શ્રીહરિને પગે લગાડીને ગંગાબાઇ બોલ્યા કે “હે પ્રભુ, હું તો હવે ખડ્યું પાન છું, મારો દેહ હવે જાજું રહેશે નહી, આ મારા માવજીભાઇ ના ચારેય દિકરા હરજીવન, રાઘવજી, વાલજી અને કેશવજી છે. મારા ભાઇ તો ધામમાં ગયા તે હવે આ ચારેય ને હું ઉછેરી ને મોટા કરું છું, હવે તમે પ્રભું આજ પધાર્યા છો તો તમારા ચરણે એને સોંપું છું, મારો દેહ રહે ન રહે તમે એનું ધ્યાન રાખજો.” ત્યારે શ્રીહરિ ચારેય ભાઇઓ ઉપર અમિદ્રષ્ટિ કરતા કહે કે “જુઓ ગંગાબેન, જે અમારા થાય એની ફિકર અમને કાયમ રહે, માવજી દવે તો ગુરુદેવ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા, માટે તમે કોઇ ચિંતા ન કરશો.” એમ કહીને શ્રીહરિએ નાના નાના છોકરાવને પુછયું કે “તમે કાંય ભણ્યા છોવ? ત્યારે સૌથી મોટા બાર વરહના હરજીવન એકે માથું ધુણાવીને ‘હા’ કહી અને બીજા ત્રણ નાનાઓ ‘ના’ કહી.

શુ ભણ્યા છો વેદ કે પુરાણ, તમે બોલો કઇક ગીરવાણ..!

શ્રીહરિએ તુરંત જ સદગુરુ મુકતાનંદ સ્વામીને કહ્યું કે ‘સ્વામી, તમારા પાસે કોઇ પુસ્તક નું પાનું હોય તો આ છોકરાવને ભેંટ દઇએ..!’ એ વખતે સ્વામી પોતે વાંચતા હતા એ રામાયણની હસ્તલીખીત પ્રત ના ચાર કાંડ મંગાવ્યા. શ્રીહરિએ મોટા હરજીવન ને બાદ કરીને નાના ત્રણેય છોકરાવને એક-એક કાંડ હાથમાં દીધા. ત્યારે સભામાં બેઠેલા સૌ કોઇ વિસ્મય પામ્યા ને ગણગણાટ થયો કે ‘મહારાજ પણ ખરા છે હો, આ હરજીવન ભણ્યો છે એને કાંય ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઇઓ અભણ છે એને રામાયણનાં કાંડ આપ્યા..!’ આમ વાત કરે છે ત્યારે શ્રીહરિએ કહેતા એ ત્રણેય નાના છોકરાઓ રામાયણ નો ચોપાઇઓ કડકડાટ બોલવા મંડયા.

પછી બોલ્યા કડેડાટ પાઠ, જોઇ રાજી થયા પોતે નાથ..!

એવી રીતે બોલ્યા ભણ્યા વિના, જોઇ સભા સર્વે થઇ લીના…!

શ્રીહરિ કહે કે ‘ગંગાબેન, આ છોકરાવ રામાયણ વાંચતા આવડે છે, એટલે તેઓને હવે પોતાનો વ્યવહાર સુખેથી ચાલશે.’ ત્યારે ગંગાબાઇ એ હાથ જોડીને પ્રણામ કર્યા.

સદગુરુ મુકતાનંદ સ્વામી એ હાથ જોડ્યા કે ‘હે પ્રભું, આપની કળા તો અચરજ હોય, અમ પામરના કળ્યા માં ન આવે, તમે આ નાના ત્રણેયને રામાયણ દઇને આશીર્વાદ દીધા ને આ મોટા હરજીવનને કેમ કોરો રાખ્યો ? ત્યારે શ્રીહરિ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે ‘સ્વામી, અમને જે યોગ્ય લાગે એમ કર્યુ.’ આ સુણીને મુકતાનંદ સ્વામી પણ મનમાં વિચાર્યું કે ‘ધણીનો વળી ધણી કોણ..! જે મહારાજ કહે ને કરે એજ આપણે જીવનમંત્ર, સંશય કરનાર આપણે કોણ…?’ આમ, એ દિવસે માવજી દવેના દિકરાઓને આશીર્વાદ દીધા અને ગંગાબાઇ ના મનની ચિંતાને હરી લીધી.

આઠ-દસ મહીના વિત્યે વળી શ્રીહરિ વરજાંગ જાળિયા થઇને મુકતાનંદ સ્વામી સાથે ફરીને ધોરાજી પધાર્યા. એ વખતે રાઘવજી શ્રીહરિના દર્શને આવ્યા ને દંડવત પ્રણામ કરીને સન્મુખ બેઠા, ત્યારે સર્વસુજાણ શ્રીહરિએ સર્વસ્વ જાણતા હોવા છતા એમને પુછેયું કે ‘રાઘવજી, તમારા મોટા હરજીવન શું કરે છે? ત્યારે નાના એવા રાઘવજી કહે કે ‘હે મહારાજ, ગયા વખતે તમે આંહી પધાર્યા ને છ મહીના પછે મોટાભાઇ હરજીવન તમારા ધામમાં સીધાવ્યા.’ આ સુણીને શ્રીહરિ એ તુરંતજ સદગુરુ મુકતાનંદ સ્વામી સન્મુખ જોયું એટલે સ્વામી તુંરતજ એ સમાના સંશય નો અર્થ પામી ગયા અને શ્રીહરિને નમન કરી ને પોતાના રચિત છત્રીસ પદાની સાખી બોલ્યા કે…

મોકું સંશય ભયે વિકરાળા, કહો શુકમુનિ પરમદયાળા..!

મુકતાનંદ કે પ્રભુ કી વડાઇ, બિન જાને પુછયો વરજાંઇ..!

આ માવજી દવેના પુત્ર વિપ્રભાઇઓ રાઘવજી અને લાલજીને શ્રીહરિએ જેતલપુરમાં યજ્ઞ પ્રસંગે ખાસ કંકોત્રીઓ લખીને તેડાવ્યા હતા, પરંતું ત્યાં સુબાની આડોડાઈને લીધે શ્રીહરિ એ ડભાણમાં યજ્ઞ નું નકકી કર્યું.

રાઘવજી અને વાલજી શ્રીહરિ ના આમંત્રણથી તુંરત જ નીસર્યા ને જેતલપુર ગયા પરંતું શ્રીહરિ એ ડભાણ માં યજ્ઞનું આયોજન કરેલ હોય તેઓ બંને ત્યાં ગયા ને યજ્ઞની વેદી ઉપર બેઠેલા શ્રીહરિના દર્શન પામી ને ધન્ય થયા.

શ્રીહરિ પણ એમના ઉપર અતિ રાજી થયા અને પોતાના હાથે થી એક એક વેઢ કાઢીને બંને ભાઇઓને રાજી થઇને દીધો હતો. રાઘવજી અને વાલજી બેઉ ભાઇઓ શ્રીહરિના હાથે કૃપા પ્રસાદી પામીને ધન્ય થયા. ડભાણમાં એ મહાવિષ્ણુયાગના દર્શન કરીને ધોરાજી આવ્યા હતા.

– શ્રીહરિલીલામૃતમ્ માંથી….