રતો બસીઓ: ‘હે મહારાજ ! તમે તો ભગવાન છો. તમારાથી કાંઇ અધિક નથી. હું તમારાથી કંઇ અધિક જોઇશ ત્યારે માગી લઇશ.’

ગઢપુર માં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું. એકદિવસે લીંબવૃક્ષની નીચે શ્રીજીમહારાજ ઢોલિયે બિરાજ્યા. આગળ સંતો અને હરિભક્તો બેઠા હતા. તે સમયે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા જે, ‘આ લોકમાં તથા પરલોકમાં દુઃખી ન થવાય એમ વર્તતો હોય તેને મનુષ્ય કહેવાય. આ રતો બસીઓ છે તે કાઠી છે. અને રાજબાઇનો કાંઇક સંબંધી થાય છે. તેનું ચિત્ત ભ્રમિત થઇ ગયું છે પણ તે અમારો ભાઇબંધ થઇને વર્તે છે. અમો જ્યારે તેને દેખીએ છીએ ત્યારે અમારૂં ચિત્ત પ્રસન્ન થાય છે. ઉમરમાં એ અઢાર કે વીસ વર્ષ જેટલો છે પણ દેખાવમાં જાણે કોઇ રાજા હોય ને શું ? તેવો ગૌરવર્ણનો છે.

અમો બજારે જઇએ છીએ ત્યારે તેના ખભા પર હાથ મૂકીને ચાલીએ છીએ. મોટાં સંતથી પણ એને વધારે લાભ દીધો છે. અમો જમતા હોઇએ ત્યારે જો તેને દેખીએ તો તુરત જ તેને બોલાવીને જમાડીએ છીએ. એને મનમાં કાંઇ ઇચ્છા નથી છતાં અમો પૂછીએ છીએ, અને તેને વારંવાર કહીએ છીએ જે કંઇ ઇચ્છા હોય તો માગજો અને અમો તો તમારા ભાઇબંધ છીએ. ત્યારે તે એમ બોલે જે, હે મહારાજ ! તમે તો ભગવાન છો. તમારાથી કાંઇ અધિક નથી. હું તમારાથી કંઇ અધિક જોઇશ ત્યારે માગી લઇશ. તમારા શરણે આવ્યો છું ત્યારથી બધી તૃષ્ણા નાશ પામી ગઇ છે અને દુઃખ માત્ર ટળી ગયાં છે, બધી સંપત્તિ તથા સુખ મલ્યાં છે, હવે માંગુ તો ભિખારી કહેવાઉં. અમોએ તેની વાત સાંભળીને કહ્યું જે, તમો મારા ખરા ભાઇબંધ છો. આવા ભાઇબંધ અમોને કોઇ પણ મલ્યા નથી. રોજ માગવાનું અમો કહીએ છીએ તો પણ તમો કંઇ માગતા નથી અને સદા શાંત રહો છો તેથી તમારા પર અમોને બહુજ પ્રેમ થાય છે. અમો તેમને એમ કહીને રાજી રાખીએ છીએ. તે માગતા નથી છતાં પણ અમો તેમને ક્યારેક કપડાં આપીએ છીએ. આવા નિષ્કામ ભક્ત ઉપર અમને સહેજે પ્રેમ થાય છે.’

વળી થોડીવારે બોલ્યા જે ‘અવધપુરીમાં ભુવનાદીન અને દીનાસિંગ એ નામે અમારા ભાઇબંધ હતા. એક વિપ્ર હતા અને એક ક્ષત્રિય હતા. આખા પુરમાં એના જેવા કોઇ શૂરવીર ન હતા. તે દેશના શૂરવીરો પણ એમનાથી ડરતા. એમને અમારા પર ઘણીજ પ્રીતિ હતી. તેઓ અમને જે દિવસે ન દેખે તે દિવસે અકળાઇ જતા. બરફી, પેંડા વગેરે અમોને આપ્યા સિવાય ક્યારે પણ ખાતા નહીં. બન્નેની ઉંમર પચીશ વર્ષની હતી. સ્ત્રીઓ માત્રને તેઓ માતા સમાન માનતા. સ્ત્રીઓનો સહવાસ કોઇપણ પ્રકારે રાખતા નહીં. આ પૃથ્વીમાં સ્ત્રીઓ છે જ નહીં એમ માનતા. બન્નેની રુચિ એક સરખી હતી. કોઇ રાજાના નોકર પણ તે થયા ન હતા. તેમજ તેમણે ગામ ગરાસ પર પણ ભાવ ન હતો. બજારમાં દુકાનોની ચોકી કરતા. ચોકી ન રાખે તો દુકાનો લૂંટાતી અને હજારો રૂપિયાની કિંમતનો માલ જતો. એ બન્ને જણા જ્યારથી ચોકી કરવા લાગ્યા ત્યારથી ચોર આવી શકતા નહી. તે બન્ને મલ્લ વિદ્યામાં નિપુણ હતા. તેમને મરવાનો ભય નહોતો. લોકો દેખીને ભય પામી જાય એવો તે ભયાનક વેષ રાખતા. તેમની પાસે કોઇ પણ માણસ સ્ત્રીઓની વાત કરે તો તેને તરત ઉઠાડી મૂકતા. સ્ત્રીઓનો વેષ રાખે તેવા નર્તકોને પણ જોતા ન હતા. સાંજે અને સવારે સરયુમાં નાહવા જતા, તેમને દેખીને સ્ત્રીઓ છેટે જ રહેતી. બન્ને એક પથારીમાં સુતા નહીં. તેમને જેટલું ધન જ્યારે જોઇએ ત્યારે ત્યાંના શાહુકારો આપતા. તેઓ પ્રયોજન વિના પૈસો રાખતા નહિ. અને એક બીજાથી કાંઇ છૂપી વાત પણ રાખતા નહિં. નિષ્કપટતારૂપી અમૃતમાં કપટરૂપી ઝેર મળે તો બધું ઝેર થઇ જાય છે. સૌથી પ્રથમ પોતાના વર્તનને નિષ્કપટ કરવું.’ આ પ્રમાણે શ્રીહરિએ પોતાના નવા તથા જૂના મિત્રોની વાત સભામાં કરી. આ પ્રમાણે શ્રીજી મહારાજ જેવો પ્રસંગ હોય તે પ્રમાણે વાત કરે અને જે જે વાત કરે તેમાં આત્યંતિક મોક્ષરૂપી ફળ દેખાડતા. આ પ્રમાણે વાત કરીને શ્રીજીમહારાજ મંદિરનું કામ થતું હતું ત્યાં ગયા. પછી અક્ષર ઓરડીની ઓસરીએ ઢોલિયા પર બિરાજ્યા અને સદ્‌ગુરૂને ત્યાં બોલાવ્યા. પોતાના દત્તપુત્રો જે અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી તેમને પણ બોલાવીને સત્સંગી જીવનનું એક પુસ્તક આપ્યું. વસ્ત્ર જે બ્રહ્મચારી પાસે હતાં, તે સર્વે બન્ને ભાઇઓને વહેંચી આપ્યાં. પછી થાળ જમવા બિરાજ્યા તે જમીને મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા.

  • શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૮૬માંથી…