રાજકોટના લોહાણા જ્ઞાતિના આદર્શ સત્સંગી બહેન શ્રીનંદુબાઈ…

ભગવાન શ્રીસ્વામિનારાયણના સમયથી જ રાજકોટમાં સત્સંગ છે. બંધીયાના મૂળુંભાઇ ના બેનબાં શ્રી“લક્ષ્મીબા”, મીસ્ત્રી ઉકાભાઈ તથા માવજીભાઈ, શેઠશ્રી કરશનભાઈ ભગત, માહેશ્વર ભટ્ટ વગેરે રાજકોટના મુમુક્ષુઓ સહજાનંદ સ્વામીના આશ્રિત હતા. તેમની શ્રધ્ધા, ભક્તિ અને પ્રાર્થનાથી સહજાનંદસ્વામી અનેક વખત રાજકોટ પધારેલા.

રાજકોટમાં ધીરે ધીરે સત્સંગીઓની સંખ્યા વધવા લાગી તેથી સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામીએ સ્થાનિક હરિભક્તોને કહ્યું કે, “ગામમાં સત્સંગ ખૂબ જ વધ્યો છે માટે તમે બધા મળીને અહીં એક મોટું હરિમંદિર કરો તો તમારે દેવદર્શનનો અને સંતસમાગમનો નિત્ય લાભ મળે. સ્વામીશ્રીની પ્રેરણાથી રાજકોટના “દાણાપીઠવિસ્તારમાં હરિભક્તોએ એક હરિમંદિર તૈયાર કર્યું અને તે મંદિરમાં સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામીના વરદ હસ્તે જ ભગવાનની ચિત્ર પ્રતિમા પધરાવીને સ્વામીના હાથથી જ પ્રથમ આરતી ઉતરાવી, ત્યારથી રાજકોટના સત્સંગીઓને નિત્ય દેવ દર્શન અને સંત સમાગમનો લાભ મળવા લાગ્યો.

રાજકોટમાં લોહાણા જ્ઞાતિના ‘નંદુબાઈ” નામના એક આદર્શ સત્સંગી બહેન હતા. સત્સંગના નિયમ ધર્મો દૃઢપણે પાળનાર આ બહેનની પાસે ઘણી સંપત્તિ હતી. પોતાની આ શુભ સંપત્તિનો સદઉપયોગ કરવાનો તેણે શુભ સંકલ્પ કર્યો અને તેણે વિચાર્યું કે આપણા રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપણે પધરાવીએ તો રાજકોટના સત્સંગીઓને નિત્ય ઘનશ્યામ મહારાજના દર્શન થાય અને ભગવાનના સ્વરૂપનું સ્મરણ, ચિંતન થાય. આમ વિચારીને તેણે નક્કી કર્યું કે તે અંગે મંદિર કરવાનો, મૂર્તિ બનાવવાનો તથા મૂર્તિ પ્રતિષ્ઠાનો આ બધો જ ખર્ચ આપણે આપવો અને રાજકોટ મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવી. પોતાનો આ શુભ સંકલ્પ આગેવાન સત્સંગીઓ દ્વારા તેણે સંતોને જણાવ્યો પરંતુ તે સમયમાં મંદિરનો વ્યવહાર સત્સંગીઓ જ કરતાં તેથી મંદિરનું કામ કરવાની કોઈ સંતોએ જવાબદારી લીધી નહિ.

સત્સંગ પરાયણ જીવન જીવનાર આ નંદુબાઈ વૃધ્ધ થયા. શરીર અશક્ત થવા લાગ્યું તેથી તેને વિચાર આવ્યો કે હવે આ શરીરનો ભરોસો નહિ. માટે મારી હયાતીમાં જ મારો સંકલ્પ પૂર્ણ થાય તો સારું. એમ વિચારીને તેણે મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી, તેની પ્રાર્થના ભગવાને સાંભળી હોય એ રીતે જ વિ.સં. ૧૯૮૦ની સાલમાં સ.ગુ. સ્વામી શ્રી રૂગનાથચરણદાસજી રાજકોટ પધાર્યા અને તે સમયમાં તેને રાજકોટમાં બે વર્ષ રહેવાનું હતું તેથી તે મંદિરમાં સ્વામી સ્થિર થઈને રોકાયા.

એક દિવસ નંદુબાઈએ સત્સંગીઓ દ્વારા પોતાનો આ સંકલ્પ સ્વામીને જણાવ્યો અને કહેવરાવ્યું કે સ્વામી ! ઘણા સમયથી મારી આ ઈચ્છા છે. કૃપા કરીને તમે પૂર્ણ કરો અને આ અંગેનું બધુ જ ખર્ચ હું આપીશ. તેની આગ્રહ ભરેલી પ્રાર્થનાથી આ કાર્ય કરવા સ્વામીશ્રીએ જવાબદારી લીધી અને મંદિરનું કાર્ય કરનાર સત્સંગીઓને સમજાવીને સ્વામીશ્રીએ તેમની સંમતિ લીધી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવા માટે બંગલા ઘાટનું સુંદર મંદિર કરવાનું નક્કી કર્યું અને મંદિરના ખાત મુહૂર્તનો શુભ દિવસ નક્કી થયો.

એ સમયમાં સ.ગુ. સ્વામી શ્રી નારાયણદાસજી રાજકોટ પધાર્યા એથી સ.ગુ. સ્વામી શ્રી રૂગનાથચરણદાસજી અને સર્વે સત્સંગીઓ ખુબ જ આનંદ પામ્યા અને કહ્યું કે, “સ્વામી ! ઘનશ્યામ મહારાજે જ તમને મોકલ્યા હોય એમ લાગે છે કારણ કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવા માટે અમારે અહીં મંદિર કરવું છે અને તેના ખાત મુહૂર્તનો દિવસ પણ નક્કી થયો છે અને આપ પધાર્યા તે બહુ જ સારુ થયું. હવે આપના હાથથી જ અમારે મંદિરનું ખાત મુહૂર્ત કરાવવું છે. નંદુબાઈનો શુભસંકલ્પ અને સ્વામીશ્રી રૂગનાથચરણજીના શુભ પ્રયાસથી સ્વામી નારાયણદાસજી પણ પ્રસન્ન થયા અને સ્વામી નારાયણદાસજીએ પોતાના હાથથી જ મંદિરનું ખાત મુહૂર્ત કર્યું. માત્ર એકાદ વર્ષમાં તો મંદિરનું બાંધકામ પૂર્ણ થયું અને વિ.સં. ૧૮૮૧માં તો ઘનશ્યામ મહારાજની મૂર્તિ પણ તૈયાર થઈ ગઈ એટલે તરત જ મૂર્તિપ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ નક્કી કર્યું એટલે સ.ગુ. સ્વામીશ્રી રૂગનાથચરણદાસજીએ અને હરિભક્તોએ જૂનાગઢ સ.ગુ. સ્વામી નારાયણદાસજીને પત્ર લખીને જણાવ્યું કે અહીં મંદિર અને મૂર્તિ તૈયાર થઈ ગયા છે અને મૂર્તિપ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ નક્કી થઈ ગયું છે માટે બ્રહ્મચારી, સંતો સહિત આપ અહીં પધારો. પત્ર વાંચીને બ્રહ્મચારી સંતો સહિત સ્વામી નારાયણદાસજી રાજકોટ આવ્યા અને ઉત્સાહપૂર્વક ઉત્સવ કરીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી અને સ્વામી નારાયણદાસજીએ શ્રીઘનશ્યામ મહારાજની આરતી ઉતારી.સ.ગુ. સ્વામી રૂગનાથચરણદાસજીએ અથાગ મહેનત કરી ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા કરીને નંદુબાઈનો સંકલ્પ પૂર્ણ કર્યો તેથી નંદુબેનને ખુબ જ સંતોષ થયો.પોતાની બધી જ મિલ્કત દેવ સેવા અર્થે વાપરવી એવો નંદુબાઈએ નિર્ણય કરેલો તેથી ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા વગેરે ખર્ચ કરતા પોતા પાસે જે પૈસો વધેલો તે પૈસા તથા પોતાના મકાનો તથા ઘરેણા વગેરે પોતાની બધી જ મિલ્કત રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં નંદુબાઈએ અર્પણ કરી. આ બાબતના શિલાલેખ મંદિરમાં છે અને પોતાની ઉત્તર અવસ્થામાં નંદુબાઈ બહેનોના મંદિરમાં રહીને ભગવાનનું ભજન કરતા. ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા કરીને સ્વામીશ્રી રૂગનાથચરણદાસજી જૂનાગઢ ગયેલા અને ત્યાં બે ચાર મહિના રહીને સ્વામીશ્રી જામનગર જતા હતા ત્યારે સ્વામી જૂનાગઢથી રાજકોટ પધાર્યા અને મંદિરમાં ઉતર્યા. નંદુબાઈને ખબર પડી કે સ્વામી પધાર્યા છે અને જામનગર જવાના છે. એટલે તેણે સમાચાર કહેવરાવ્યા કે આપની કૃપાથી મારા સર્વે સંકલ્પ પૂર્ણ થયા છે. હવે મારી છેલ્લી પ્રાર્થના છે. કે મારી અન્તકાળ અવસ્થામાં હું પરાધીન ન થાઉં અને કોઈ પાસે સેવા કરાવવી પડે નહિ એ રીતે હું ભગવાનના ધામમાં જાઉં એવી પ્રાર્થના હું મહારાજ પાસે કરું છું અને તમને પણ પ્રાર્થના કરું છું કે મહારાજને કહેજો કે તમારી પ્રાર્થના સાંભળે.’ નંદુબાઈનો સંદેશો સાંભળીને સ્વામીશ્રીએ તેને કહેવરાવ્યું કે તમોએ મહારાજની ભક્તિ અને સેવા ખૂબ જ કર્યા છે. મહારાજે તમારી પ્રાર્થના સાંભળી જ છે માટે ધામમાં જવું હોય તો તૈયાર થાઓ, આવતી કાલે એકાદશી છે તમે તૈયાર હશો તો કાલે જ મહારાજ તમને લેવા આવશે.સ્વામીશ્રીનો સંદેશો સાંભળીને “નંદુબાઈએ કહ્યું કે ‘ભલે ! હું તો તૈયાર જ છું” એમ કહીને પોતાના ચિત્તની વૃત્તિ એકાગ્ર કરીને ભજન કરવા લાગ્યા અને સ્વામીશ્રીના વચન મુજબ બીજે જ દિવસે એટલે કે એકાદશીના દિવસે શ્રીહરિએ નંદુબાઈને દર્શન દીધા અને બધાને જય સ્વામિનારાયણ કહીને નંદુબાઈ અક્ષરવાસી થયા.

સત્સંગ સ્ત્રી-રત્નમાળામાંથી…