કચ્છ દેશમાં શ્રીજી મહારાજ સંવત્ ૧૮૬૦ની સાલમાં પ્રથમ પધાર્યા અને સંવત્ ૧૮૬૭ સુધી ઘણીય વખત વારે વારે પધારતા રહ્યા. પછી પણ શ્રી ભુજ નગર મધ્યે ઘણીવાર પધાર્યા છે.
એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. રાત્રિસમે પોતાના ઉતારાને વિશે અક્ષરઓરડીએ ઢોલીયે પોઢ્યા હતા ને પહોર એક વિતી ગઇ હતી. ત્યારે શ્રીજી મહારાજે બે પાળાને બોલાવીને કહ્યું જે, ‘કચ્છ દેશથી અમારા ગાંગા ભક્ત આવ્યા છે એમને બોલાવી લાવો..!’ એટલે તે પાળાએ ગાંગા ભક્તને કહ્યું જે, તમને મહારાજ બોલાવે છે. પછી ગાંગા ભક્ત આવીને શ્રીજી મહારાજને દંડવત્ કરી પગે લાગીને સન્મુખ બેઠા. ત્યારે શ્રીજી મહારાજ ચોફાળ ઓઢીને બેઠા હતા તે ચોફાળ ગાંગા ભક્તને ઓઢાડ્યો અને કહ્યું જે, ભગત, તમે કાગળ લઇને માતાજીને તેડી જાઓ. ત્યાં શ્રી ભુજનગરમાં લાધીબાઇને સોંપીને આ કાગળ આપજો, તેમાં અમે બીજી વિગત સર્વે લખી છે. લાધીબાંને હાથોહાથ સોંપીને વહેલા આવજો.’ આમ, શ્રીહરિની આજ્ઞા પામીને એવખતે ગાંગો ભક્ત માતાજીને પોતાની સાથે લઇને વેલડું જોડીને ચાલ્યા તે ભુજમાં લાધીબાઇને માતાજી સોંપ્યાં અને શ્રીહરિનો ભલામણ કાગળ આપ્યો.
શ્રીહરિની એક આજ્ઞાએ માતાજી લાધીબાઇની સાથે સુખપૂર્વક રહ્યાં. શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરતાં કેટલાંક વર્ષો રહ્યાં. ત્યાર પછી એક દિવસે લાધીબાઇએ કહ્યું જે, ‘માતાજી ! હું હવે દેહ નહીં રાખું, આજે દેહ મૂકીને અક્ષરધામમાં જ્યાં શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે ત્યાં હું જઇશ.’ ત્યારે માતાજીએ કહ્યું જે, ‘બાં, શ્રીજી મહારાજે મને તમારી પાસે મોકલી છે. તે જ્યારે તમે દેહ મૂકીને શ્રીજીમહારાજ પાસે જાવો ત્યારે હું અહીં કોના આધારે રહું ?’ ત્યારે લાધીબાઇએ કહ્યું, જો તમારે દેહ મૂકીને શ્રીજીમહારાજ પાસે ચાલવું હોય તો ચોકો કરી અને સ્નાન કરીને મારી સામે બેસો, હું તમને મારા પહેલા દેહ મૂકાવીને ભગવાનના ધામમાં શ્રીજી મહારાજ પાસે પહોંચાડી દઉં. આમ, માતાજી નાહી ધોઇ અને પવિત્ર થઇને ચોકામાં બેઠાં. ત્યારે લાધીબાઇએ માતાજીને દેહ મૂકાવીને શ્રીહરિ સમીપે અક્ષરધામમાં મોકલ્યાં. તેવખતે લાધીબાઇએ પોતાના ભાઇને બીજાં જે સગાં વહાલાં હતાં તેમને પણ કહ્યું જે ‘માતાજીએ દેહ મૂકી દીધો છે, તેઓ શ્રીહરિના અક્ષરધામમાં સીધાવ્યા છે, માટે હવે તમે એના દેહને લઇ જાઓ, સ્મશાનમાં મૂકીને ચાર જણા ત્યાં રહેજો અને બીજા પાછા આવજો. પછી હું દેહ મૂકીશ એટલે મારા દેહને લઇને પછી બન્નેને એક ચિત્તામાં ભેળાં બાળજો.’ એમ કહીને પોતે સ્વતંત્ર રીતે વાતો કરતા થકા દેહ મૂક્યો ને પોતે પણ દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામમાં સીધાવ્યા. સહુ કોઇ ભકતજનો ને શ્રીજીમહારાજના પ્રગટ પ્રતાપનું પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું. આવા વચનસીદ્ધ લાધીબાઇ અને ત્યાગની મુર્તિસમા માતાજીને એમની આજ્ઞા મુજબ એક ચીતામાં અગ્નિસંસ્કાર કર્યા.
- શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૮૮માંથી…