શાર્દુલસીંહ બોલ્યા કે: ‘સાહેબ, હવે તો મોત મંજૂર છે પણ મારા ઘરે થી મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ભૂખ્યા જાય એ મંજૂર નથી..!’

આજથી સવા બસો વરહ પેલા ખેડા જિલ્લામાં અંગ્રેજ અમલદાર તરીકે લેફટનન્ટ મીલ સાહેબની નિમણૂક થઇ, જેઓ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તાર નો પણ ચાર્જ સંભાળતા. પોતે ચાર્જ સંભાળતા જ ત્રીસ ત્રીસ વરહથી પાલીતાણાના સંભવનાથના જૈન મંદિરના ચોરાયેલ તિલકમણીની તપાસની ફાઇલ પોતે હાથમાં લીધી. આ તિલકમણિની ચોરી કરનાર ને મૃત્યુદંડ જાહેર થયેલ હતો, વળી ત્રીસ વરહના ગાળામાં અનેક અધિકારીઓએ અથાક પ્રયત્નો કર્યા છતા પરિણામ કશુંય હાથ લાગ્યું નહોતું. ઇસ્ટ ઇન્ડીયા કંપનીની તપાસ માટે આ ચોરીનો બનાવ એક કાળી ટીંલી સમાન હતો. આથી, મિલસાહેબે પોતે જ આ વણઉકેલાયેલ તપાસને હાથમાં લીધી અને એ સબબ ભાવનગર-પાલીતાણા અને મહુવામાં ધામાં નાંખ્યા હતા.
બીજી બાજુ ભાવનગરના મહુવા તાલુંકાના મોણપર ગામે સદગુરુ મુકતાનંદ સ્વામી, મોટા યોગાનંદ સ્વામી , કૃપાનંદ સ્વામી વગેરે પધારતા હતા, જેમના નિર્મળ અને ત્યાગ વૈરાગ્ય સભર જીવન જોઇને અનેક મુમુક્ષુંઓને સતસંગ થયો હતો. આ ગામના પુર્વ જન્મના મુમુક્ષું પરંતું કુસંગના યોગે ભારાંડી થયેલ એવા શાર્દુલસીહ ખસીયા પણ પોતાની કૂટેવો અને વ્યસનો મુકીને ખરેખરા સત્સંગી થયેલા. શાર્દુલસીહ પુર્વે પોતે અઠંગ ચોર હતા, એ પુરાયે પંથકમાં ‘જે દિવસે ભાળે એ રાત્રે ન હોય’ એવો એમનો ભય હતો.
એકદિવસે ભકતવત્સલ શ્રીહરિ પોતે સંતો-ભકતો સાથે સંઘમાં મોણપર ગામે પધાર્યા, શાર્દુલસીંહ તો અતિ મોટા ભાગ્ય માનતા થકા પોતાને ઘરે શ્રીહરિની પધરામણી કરી ને પૂજન કર્યું. પોતે અતિ હરખઘેલા થકા ભગવાન શ્રીહરિ અને સહુ સંતો-ભકતોને જમવા સારું રસોઇઓ કરાવવા મંડયા.

આ વખતે એમને મહુવા ગામે કોઇ અગત્યના કામે જવાનું થતા પોતે શ્રીહરિની રજા લઇને તાબડતોબ પાછા આવશે એમ કહીને ઘોડે ચડીને નીકળ્યા, ઘરે રસોઇઓ તૈયાર થઇને સહું કોઇ જમવા પંગતે બેસે એટલી જ વાર હતી, એ વખતે શ્રીહરિ સભામાંથી ઉભા થઇને રસોડે આવ્યા અને જમણો હાથ અદ્ધર કરીને સૌને તાળી વજાડીને બોલ્યા જે “બ્રહ્મચારીજી, સંતોને કહો કોઇ જમશો નહીં, સૌ ચાલો જયાં ફરીને ભોજન મળશે ત્યાં જમીશું, અત્યારે સૌ તાત્કાલિક સાબદા થાઓ..!” આમ, શ્રીહરિની એક અકળ આજ્ઞા થતા સૌ સંતોના પત્તર ફરીને જોળીમાં બંધાઇ ગયા દરબારો સૌ પાઘડાં બાંધી ને ઘોડે ચડીને સૌ ચાલી નીકળ્યા. શાર્દુલસીહના ઘરેથી નીકળ્યા ને મોણપર ગામની ભાગોળે સૌ હજું પહોંચ્યા હશે ત્યાં તો શાર્દુલસીંહ મહુવાથી પરત આવ્યા ને ભેગા થઇ ગયા. શ્રીહરિ અને સૌ સંતોને ગામની ભાગોળે જોઇને શાર્દુલસીંહ ઘોડેથી ઉતરીને દોડીને શ્રીહરિને ચરણે પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા કે “હે મહારાજ, કેમ અચાનક ચાલ્યા? આટલી વાર માં સૌ કોઇએ જમી હોતન લીધું? પ્રભું, આટલી બધી શી ઉતાવળ કરી..!’ ત્યારે શ્રીહરિ બોલ્યા કે ‘શાર્દુળભગત, અમે તમારા ઘરનું ભોજન નહી જમીએ..!’ આટલું સુણતા તો ભગતનું હૃદય ધબકારો ચુકી ગયુ ને હાથ જોડીને બોલ્યા કે ‘હે પ્રભું, મારો કાંય વાંક ગૂનો? કાંક ચોખવટ કરો તો મને તમારા અકળ ચરિત્રમાં ગમ પડે..!’
શ્રીહરિ કહે કે ‘શાર્દુલસીંહ, તમારો વાંક પણ ઘણો ને ગૂનો પણ ઘણો છે, આ બાજું એકલા આવો તો તમને વાત કરીએ…!’ શાર્દુલસીંહ તો શ્રીહરિ સાથે એક તરફ ગયા ને પોતાનો વાંક-ગૂનો જાણવા સારું ઉત્સુક થયા. શ્રીહરિ કહે ‘તમારા ઘરમાં ચોરીનું દ્રવ્ય છે, અમે કોઇ ચોર-લૂંટારા નું દ્રવ્ય ગ્રહણ કરતા નથી..!’ તે સુણીને શાર્દુલસીહ કહે કે ‘હે પ્રભું, હું તમારો આશ્રિત થયા પછી તો પંચવર્તમાન પુરેપુરા પાળું છું, મહારાજ, મને તો કાંય સાંભરતું નથી.’ ત્યારે અંતર્યામી શ્રીહરિ કહે કે ‘શાર્દુલસીંહ તો સંભારો, આજથી ત્રીસ વરહ પેલા સંભવનાથ ના મંદિરનો તિલકમણી તમે ચોરેલો? અંગ્રેજ સરકારની બીકથી એ તમે તમારા ઘરમાં પટારાના તળિયે મુકી રાખેલો છે કે નહી..? એ તમે સત્સંગી થયા પહેલાનું ચોરીનું દ્રવ્ય તમારા ઘરમાં સંઘરી રાખ્યું છે, જે તમે અંગ્રેજ સરકારને પાછું જમા કરાવી ને આવો તો જ અમે સૌ તમારા ઘરે ભોજન કરીએ…!’ શાર્દુલસીંહ તો જાણે સ્તબ્ધ બની ગયા, આંખ્ય માં આંસુઓની ધારા વહી અને પશ્ચાત્તાપ ની અરજ કરતાં પરમેશ્વરના ચરણે બોલ્યા કે ‘ભલે મહારાજ, જેમ આપ કહો છો એમ જ થશે, હું હાલ જ જઇને એ તિલકમણી પરત કરીશ, મને ભલે દેહાંત દંડની સજા થશે તો એ પણ મંજુર છે, પણ આપને તથા આટલા સંતો-ભકતોને મારા ઘેરથી હું જમ્યા વગર નહી જવા દઉ.’ શ્રીહરિ રાજી થયા અને શાર્દુલસીંહને માથે બે હાથ મેલ્યા, પોતાના ભકતને પરિશુદ્ધ કરતા થકા શ્રીહરિ શાર્દુલસીંહના ઘરે આવ્યા, પોતે થાળ જમ્યા અને સહું ને જમાડ્યા.
શાર્દુલસીંહ તો તુંરત જ ઘોડે ચડીને વાઝોવાઝ મહુવા ગયા અને મિલસાહેબના સરકારી રહેઠાણનાં બંગલે આવીને ચોકીદારને બોલ્યા કે ‘અત્યારે જ સાહેબને મારે તાત્કાલિક મળવું છે. સાહેબને કહેજો કે મારે સંભવનાથ મંદિરના તિલકમણીની અગત્યની વાત કરવી છે.’ આમ, કામદારને મોકલતા સાહેબ જાગીને મુખ્ય ખંડમાં એમને મળવા બોલાવ્યા.

અંગ્રેજ અધિકારી મીલ સાહેબ કહે કે ‘ક્યાં ખબડ લાયે હો? ત્યારે શાર્દુલસીંહે એ તિલકમણી જ મીલસાહેબના હાથ માં મેલ્યો. મીલસાહેબની નિંદર તો જેમ વાવાઝોડામાં કપાસની પૂણી ઉડે એમ ઉડી ગઇ ને ચોંકી ગયા ને બોલ્યા કે ‘કૂન હૈ વહ ચોર, તુમ મેરે કો ઉસકાં નામ બતાઓ, મે તુમ્હે મૂંહમાંગા ઇનામ દૂંગા..!’ ત્યારે શાર્દુલસીંહ બોલ્યા કે ‘સાહેબ હું જ એ મણિનો ચોર છું.’ મીલસાહેબ તો ફડકી ગયાને સામું જોઇ બોલ્યા કે ‘જાનતે હો, ઇસ મણિ કે ચોર કે નામ ક્યાં સજા હૈ?’ દેહાંતદંડ મીલેગા..! યે જાનકર ભી ઐસી ક્યાં બાત હૈ જો તુમ સામને સે મેરે પાસ આયે..?’ ત્યારે શાર્દુલસીંહ બોલ્યા કે ‘સાહેબ, હવે તો મોત મંજૂર છે પણ મારા ઘરે થી મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ભૂખ્યા જાય એ મંજૂર નથી..!’ આમ, સ્વામિનારાયણ નામ સુણતા તો મીલ સાહેબના ભવાં ઉંચા-નીચા થયા, નામ તો ખેડા જીલ્લામાં વડતાલ નજીક હોય એટલે બહું સાંભળેલું તે મળવાની એમને ઇચ્છા થઇ. મીલ સાહેબ કહે કે ‘સુનો, સ્વામિનારાયણ અભી કહીં હૈ? હમકું ઉસકો મિલના હૈ..! અગર આસપાસ હૈ તો હમૈ અભી ઉસકૈ પાસ લે જાઓ..!’ આમ, પોતે સાથે આવવા તૈયાર થયા. શાર્દુલસીંહની સાથે બીજે ઘોડે સવાર થઇને મીલ સાહેબ ને શાર્દુલસીંહ બેઉ ફરી પાછા વળતા દિવસની સવાર થતા મોણપુર ગામે પહોંચ્યા.
શ્રીહરિના દર્શન પામીને મીલ સાહેબ અતિ રાજી થયા, પોતે બોલ્યા કે ‘સ્વામિનારાયણજી, યહ તિલકમણી દિલવાકર આપને હમારી ઇજ્જત બચાઇ હૈ, હમ આપસે બહૂત હી પ્રભાવિત હૂએ, હમારે લાયક કોઉ કામ હો તો બતાઇએગા.’ અધમ ઉધારણ ભકતવત્સલ શ્રીહરિ મંદ મંદ હસ્યા અને બોલ્યા કે ‘તો આ અમારા શાર્દુલભગતની સજા માફ કરો..!’ ત્યારે મીલસાહેબે શ્રીહરિને કોલ દીધો કે ‘હમ આપકું વચન દેતો હૈ, શાર્દૂલસીંહ કો કોઉ સજા નહી હોગીં.’
થોડેક આઘેરા ઉભેલા શાર્દુલસીંહ ની બંને આંખ્ય માંથી આંસુઓની ધારાઓ વહેવા લાગીને દોડીને શ્રીહરિના ચરણે ઢગલો થઇ ગયા. શ્રીહરિ પણ જાણે પોતાના ભક્તના તમામ ગૂનાઓ માફ કરતા થકા બાથમાં ઘાલીને ભેંટી પડ્યા.

  • મણિનો ચોર માંથી…