અમદાવાદ શહેરમાં બેચરશેઠ નગરશેઠ અને અગ્રગણ્ય શ્રેષ્ઠી હતા. સૌ પ્રથમ તેમને સંતોના શહેરના વિચરણ થકી પરિચય થયો ને તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો, આથી ભગવાન શ્રીસ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પ્રત્યે તેમને સદભાવ થયો. સમયજતા તેઓ પણ સત્સંગી થયા.
એ સમયમાં અમદાવાદમાં શ્રીહરિના પરમભકત નથુ ભટ્ટ ખુબ મોટા વિદ્વાન હતા, નથુ ભટ્ટ સત્સંગી થયા એટલે તેમના નાતીલાઓએ ખુબ વિરોધ કરીને નાત્યમાંથી બહિષ્કાર કર્યો. એમણે કોઈપણ ધાર્મિક કર્મકાંડ માટે નથુ ભટ્ટને ન તેડાવવા એવું નક્કી કર્યું, આ છતાં નથુ ભટ્ટ દ્રઢપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી રહયા ને સત્સંગને ચડેચોક નિડરપણે પાળ્યો. આ નથુ ભટ્ટના કુટુંબને ઘણીય નાણાકીય મુશ્કેલી સહન કરવી પડી, આ વખતે તે બાબતની બેચર શેઠને જાણ થતા તેઓએ સત્સંગીનો પક્ષ રાખીને પોતાની પેઢીએથી વાણોતરને મોકલીને નથુ ભટ્ટને પોતાની પેઢીએ તેડાવ્યા, તેમની બધી હકીકત વિગતે જાણી. નથુ ભટ્ટને શ્રીહરિના નિષ્ઠાવાન સત્સંગી જાણીને ખુબ સન્માનપૂર્વક પોતાની પેઢીની તમામ તિજોરીની ચાવીઓ સાચવવાની જવાબદારીનું કાર્ય સોંપ્યું. આ રીતે સારી એવી નોકરી આપીને આર્થિક સહાય કરીને બેચર શેઠે નથુ ભટ્ટના કુટુંબની સર્વે આર્થિક મુશ્કેલીઓ પણ દૂર કરી ! નથુ ભટ્ટના વર્તન અને સત્સંગની વાતોથી બેચર શેઠને સ્વામિનારાયણ ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો અને સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ સત્સંગી થયા.

  • શ્રીહરિચરિત્ર ચિતામણી ભાગ ૩ વાત ૨૫૬

આવા પરમભકત બેચર શેઠના પુત્ર ગિરધરલાલના લગ્નમાં સંતો-ભકતો સાથે શ્રીસ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ આપવા પધાર્યા હતા. બેચર શેઠના ઘરે પધાર્યા હતા ત્યારે સંધ્યા આરતીનો સમય થયો ત્યારે એ લગ્નમંડપમાં જ શેઠના સૌ સગાવહાલા અને સૌ સંતો-ભક્તો સાથે શ્રીજીમહારાજે સંધ્યા આરતી કરેલી, આવા શ્રીહરિના શુભાશિર્વાદ બેચર શેઠના પુત્ર ગિરધર શેઠને પોતાના લગ્નપ્રસંગે મળ્યા ! એ સમયે વરરાજા ગિરધરભાઇએ શ્રીજીમહારાજનું પુજન કરીને રાતી પોશની ગરમ ડગલી શ્રીજીમહારાજને પ્રેમે કરીને અર્પણ કરી હતી.

જે રાતી ગરમ પોશની ડગલી શ્રીહરિએ લોયામાં પોતાના સખા સુરાખાચરના દરબારમાં બિરાજતા થકા સંવત ૧૮૭૭ના માગશર વદ ૯ના દિવસે ધરાવી હતી, જે રાતી ગરમ પોશની ડગલી પહેરીને શ્રીજીમહારાજે લોયાના વચનામૃત ૧૨મું, ૧૩મું ૧૫મું, ૧૬મું, ૧૭મું અને ૧૮માં વચનામૃત કહ્યા છે. એ શિયાળાના માગશર માસના ઠંડીના દિવસો માં શ્રીહરિ દરરોજ ધારણ કરતા જેમનો એ વચનામૃતોના પરથારામાં ઉલ્લેખ જોવા મળે છે.

શ્રીહરિ ત્યાંથી પંચાળા દરબારશ્રી ઝીણાભાઇના આગ્રહે સહું સંતોભકતોના સંઘ સાથે પધાર્યા. આ વખતે સુરતના મુનિબાવાને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ગઢપુરથી શ્રીહરિ સાથે પંચાળા લઇ આવ્યા, એમને પ્રથમ શ્રીહરિના સ્વરૂપમાં મનુષ્યભાવ થયો હતો, પછી શ્રીહરિએ દિવ્યદર્શન કરાવતા અડગ નિશ્ચય થયો. શ્રીહરિએ પંચાળાના વચનામૃત પાંચમું અને છઠ્ઠું કહ્યું તે સમયે પણ એ અમદાવાદના ગીરધરલાલ શેઠની પ્રેમે આપેલ ગરમ પોશની રાતી ડગલી ધારણ કરેલ.

ત્યાંથી શ્રીજીમહારાજે જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું ને માણાવદર મુકતરાજ મયારામ ભટ્ટને ઘેર પધાર્યા.

પછી ત્યાંથી ચાલ્યા સુખકારી, આવ્યા માણાવદર મુરારી..!
રહી રાત્ય ને કર્યાં ભોજન, પછી ત્યાંથી પધાર્યા જીવન…!!

  • ભકતચિંતામણી પ્રકરણ ૮૮ કડી ૨

શ્રીજીમહારાજે એ વખતે શિયાળાની ઠંડીના દિવસોમાં સવારની સભામાં મયારામ ભટ્ટ ને પુછ્યું કે ‘ભટ્ટજી, આજ તો બવ ઠંડી પડી તે તમે ભટ્ટજી શું કર્યું?’ ત્યારે મયારામ ભટ્ટ હાથ જોડીને કહે કે ‘હે મહારાજ, આ ચોફાળ બેવડો કરીને ઓઢ્યો તે બવ ટાઢય લાગી નહી.’

બેઠા સભામા સવારે શ્યામ, આવ્યા દર્શને જનો તમામ..!
મયારામ ને શ્રીમહારાજે, કહ્યું ઠંડી પડી બહું આજે..!!
તમે શી રીતે રાત્ય વિતાવી, ભટ્ટે કહ્યુ ચોફાળ બતાવી…!
આને ઓઢ્યો તો બેવડો કરી, તેથી ઠંડી નડી નહી જરી..!!
જ્યારે સ્વામી પધાર્યા સ્વધામ, ત્યારે દુખ થયું હતું આમ..!
કોણ સંભાળ રાખશે આવી, તેહ વ્યાધિ તમે વિસરાવી..!!
તેનો શોક ટાળ્યો તમે નાથ, એમ કહીને જોડ્યા છે હાથ..!
ત્યારે શ્રીહરિએ હેત લાવી, ભટ્ટને નિજ પાસે બોલાવી..!!
પેરી ગરમ ડગલી પોતે, તેહ આપી અતિ સ્નેહ સોતે..!
મયારામે ના પાડી તે ટાણે, તોય પેરાવી દીધી પરાણે..!!

ત્યારે તે ગરમ પોશની રાતી ડગલી મયારામ ભટ્ટને ભકતવત્સલ શ્રીહરિએ પરાણે પેરાવી હતી. તે મહાપ્રસાદીની ગરમ પોશની રાતી ડગલી હાલ માણાવદર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં સૌ ભકતોને દર્શન આપે છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણી પ્રકરણ ૧૨૦ની પંકિત ૪૬માં અમદાવાદના આ નગરશેઠ એવા ભક્ત બેચરશેઠ મણકીને ચિંતવતા લખ્યા છે કે…

રણછોડ ત્રિકમ બેચર, આશારામ શામળ કુબેર..!
મોહનલાલ દોલા આદિ ભાઈ, હવે કહું હરિજન બાઈ..!!

  • શ્રીપુરુષોત્તમચરિત પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૮૩માંથી…