ગામ સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠની ઉત્તરક્રિયા વખતે એમના દિકરાઓ વનાશાં અને પુંજાશાંની વિનંતિએ શ્રીહરિ સહું સંતો-ભકતો સાથે સુંદરિયાણા પધાર્યા અને ઉત્તરક્રિયા કરાવીને તેમા સહુંને જમાડ્યા.
તે સમય દરમિયાન સુંદરીયાણામાં વસંતપંચમીનો ભવ્ય રંગોત્સવ કર્યો, શ્રીહરિને અતિ રાજી કર્યા આથી રંગથી રંગાયેલા પ્રસાદીના વસ્ત્રો વનાશા, પુંજાશા વગેરે ભાઇઓને આપ્યા જે મહાપ્રસાદીના વસ્ત્રો હજુ તેઓના વંશ પરંપરામાં જળવાયેલા છે.

ચારે ભાઈ ઉપર ભગવાન, અતિશે જ થયા મહેરબાન..!
આપ્યાં અંગનાં વસ્ત્ર ઉતારી, લીધાં તેઓએ પૂજવા ધારી…!!
જેમ ઉદ્ધવને મહારાજે, આપી પાદુકા પૂજવા કાજે..!
ભગાભાઈને આપિયો ખેશ, હેતે પૂજવા કાજ હમેશ…!!
જેઠાભાઈને આપ્યું અંગરખું, નિત્ય પ્રેમથી પૂજવા સરખું..!
પુજાભાઈને તો સુરવાળ, આપ્યો કરુણા કરીને કૃપાળ…!!
વનાભાઈને તો આપી પાગ, લક્ષ રાખીને પૂજવા લાગ…!
પ્રાપ્ત થાય ચિંતામણિ જેમ, રુદે રાજી થયો સહુ તેમ…!!
માગો માગો તે દઊં વરદાન, તમે છો મહામુક્ત સમાન..!
માગતાં મન શંકા ન ધરવી, હોય ઇચ્છા તે ખુલ્લી ઉચ્ચરવી…!!

આ હેમરાજશાના કુટુંબને એમની વણિક નાત્યના આગેવાનોએ નાત્ય બહાર મુક્યા, આથી તેઓને ઘણા દુઃખો સહન કરવા પડયા, છતાં તેઓએ અતિ દ્રઢતાથી સત્સંગ રાખ્યો હતો. શેઠ હેમરાજશાને વનાશા, પુંજાશા અને જેઠાશા અને ભગોભાઇ નામે પુત્રો હતા. એકભાઇ જેઠાશા શેઠ નાત્યનો બહું ઉપદ્રવ થતા થોડા સમય પછી સત્સંગ છોડી વળી વણિક નાતમાં ફરીને ભળી ગયા, જ્યારે હેમરાજશાના બીજા પુત્ર પુંજાશા થોડા સમય પછી યુવાન ઉંમરે વિધુર થયા પોતાની જે કાંઈ મૂડી હતી તે વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરીને આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજ પાસે ત્યાગી થવા ગયા ત્યારે શ્રીરઘુવીરજી મહારાજે આજ્ઞા કરીને વડતાલ અને ગઢડા મંદિરના કોઠારી તરીકેની ખુબ સોંપી હતી, જે તેઓએ જીવનભર સારી સેવા કરી ને સહુંને રાજી કર્યા હતા.

પરિવારમાં વનાશાના પુત્ર હીરાશા હતા, હીરાશાના ઘેર બે પુત્રો લક્ષ્મીદાસ અને પ્રભુદાસ થયા, એ માંયલા લક્ષ્મીદાસ શેઠનો વંશ પરંપરાગત પાંચ પાંચ પેઢી સુધી નાત્ય બહારના અનેક વિરોધો વેઠીને સત્સંગમાં રહ્યા હતા. તે સમય દરમિયાન જૂનાગઢના સમર્થ સદગુરુ બાલમુકુન્દદાસજી સ્વામીના આશીર્વાદથી સંવત ૧૯૬૬માં અમદાવાદના બેચરદાસ મણકી શેઠ સહિતના વણિકોએ લક્ષ્મીદાસ શેઠના વંશજોને ઘણા સન્માન સાથે અમદાવાદની વણિક નાતમાં લીધા હતા. આમ પાંચ પાંચ પેઢી સુધી એમણે સત્સંગને રાખવા સારું પોતાનાજ સમાજનો બહિષ્કાર સહન કર્યો.

આ લક્ષ્મીદાસ શેઠના દિકરા ડાહ્યાભાઈ પણ ઘરબાર છોડીને આજીવન ગઢડામાં શ્રીગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં જ રહયા, એમના ભાઇ અને વનાશા શેઠના એક માત્ર વંશજ છગનલાલ શેઠ સત્સંગમાં સંસારી તરીકે રહયા ! છગનલાલ શેઠના પુત્રો માંથી પરમભકત શ્રીબાપાલાલભાઇ વિદ્યમાન આચાર્ય પ્રવરશ્રીશ્રીવિહારીલાલજી મહારાજ પાસે સંસાર છોડીને સાધુ દીક્ષા લેવા માટે ગયા, ત્યારે વિહારીલાલજી મહારાજે ભકતરાજ બાપાલાલભાઈને સમજાવીને સંસાર છોડીને ત્યાગી દીક્ષા લેવાની ના પાડી અને ગ્રહસ્થાશ્રમમાં રહીને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનો વહીવટ કરવાની સેવા સોંપી, બાપાલાલભાઈએ જૂનાગઢ મંદિરની સેવા ખુબ નિષ્ઠાથી કરીને પછી વડતાલમાં થોડા વરસ પરમ ભગવદીય ગોરધનદાસ કોઠારીની ખુબ મહિમાથી સેવા કરી. પૂજ્ય બાપાલાલભાઈએ હરિલીલામૃત ગ્રંથ લેખન કાર્યમાં પણ ખુબ સેવા કરેલ છે ! બાપાલાલભાઈએ આજીવન અખંડ બ્રહ્મચર્ય રાખીને સત્સંગની સેવામાં જીવન વિતાવ્યું, શ્રીજીમહારાજે આવા મુકતરાજ શ્રીબાપાલાલભાઇને ઇ.સ ૧૯૬૩માં રાજકોટ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રથમ બ્રહ્મસત્ર વખતે દિવ્યરુપે દર્શન પણ દીધેલા. જ્યારે તેઓ અક્ષરધામ સીધાવ્યા તે પહેલા તેઓને સદગુરુ શાસ્ત્રીજી ધર્મજીવનદાસસ્વામીના દર્શન દેવા પધારે એવી ઇચ્છા હોય, સ્વામી એમના નિવાસે ખાસ અમદાવાદ પધાર્યા હતા, ત્યારબાદ બાપાલાલભાઇ જનકવિદેહીની જેમ સંસારરુપી કાંચળી ઉતારીને અક્ષરધામ સીધાવ્યા હતા.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી પ્રકરણ ૧૧૫ની પંકિત ૩૨માં સુંદરીયાણા ગામના આવા ટેકીલા હેમરાજશા શેઠના પરિવારને ચિંતવતા લખ્યા છે કે….

સુંદરીયાણે શિરોમણી, સતસંગી શેઠ સુજાણ..!
જક્ત વિરક્ત ભક્ત ભલા, કરું તેના શું હું વખાણ..!!

સુંદર ભક્ત સુંદરિયાણામાંઈ, ખાચર ડોસો વસતો કેવાઈ..!
શેઠ હેમો વનો હીરો ભક્ત, ભગો ગલો ને મોરાર મુક્ત..!!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….