શ્રીજીમહારાજ ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો સાથે ચાલ્યા તે રામપર ગામ થઇને કરીયાણા આવ્યા ને મીણબાઇના પ્રેમને વશ દરબાર દાહાખાચર ના દરબારગઢમાં ઉતારો કર્યો. આ વખતે પરમભકત કાળું મકવાણા અને એમના પત્નિ વિજલબાઇ ત્યાં શ્રીહરિના દર્શને આવ્યા ને શ્રીહરિને અરજ કરીને સ્નેહવશ પોતાને ઘેર લઇ ગયા. એમના ઘરે થાળ જમ્યા અને રોંઢો ઢળતા સભા થઇ. એ વખતે ગામના જીવા ધાધલ નામના એક મુમુક્ષું દરબાર એમના ઘરે એ સભામાં આવીને શ્રીહરિના દર્શન કરીને બેઠા, એ જીવા ધાધલે ઉરમાં સંકલ્પ થયો કે મને વાંસળી વગાડતા આવડે છે તો એ વાંસળી વગાડીને શ્રીહરિને રાજી કરું, એમ જાણીને એમણે મણિધર નાગ ડોલવા મંડે એવી સરસ કળાએ કરીને પોતે વાંસળી વગાડી. શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે જીવા ધાંધલે પોતાના ખલીચામાંથી એક નવી વાંસળી શ્રીહરિ ને હાથમાં આપીને પ્રણામ કરીને બોલ્યા કે “હે પ્રભો, આપ તો નટવર છોવ, તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસાવડી ધારે આજે તમે કૃષ્ણાવતાર માં જેમ વાંસળી વગાડીને સૌ વ્રજવાસીઓના મન મોહી લીધા હતા, એમ અમને વાંસળી વગાડતા દર્શન આપો.”
મહારાજને શીશ નમાવી, તેણે વાંસળી સરસ બજાવી…!
જેમ ડોલે મણિધર વ્યાળ, તેમ ડોલવા લાગ્યા દયાળ..!
નવ રાખી બજાવતાં ખામી, બોલ્યા રીઝીને અંતરજામી…!
ધન્ય ધન્ય તમે ગુણવાન, આપું માગો તેવું વરદાન..!
જીવો ધાધલ બોલિયા વાણી, સુણો શ્રીહરિ સારંગપાણી…!
રાજી જો થયા છો મહારાજ, એક ઇચ્છા છે તે પુરો આજ..!
કૃષ્ણ અવતારમાં તમે નાથ, વનમાં ધરી વાંસળી હાથ…!
રુડી રીતે વજાડીતી જેવી, લીલા અમને દેખાડોજી એવી..!
એ સુણી પોતાના ભકતનો સંકલ્પ પુરો કરવા સંધ્યા સમે શ્રીહરિ સહું સંતો ભકતો સાથે વાંસાવડી ધારે જવા તૈયાર થયા પરંતું એ સમે ઝીણો ઝીણો મેહ વરહતો હતો, તે શ્રીહરિ એ સંશય કર્યો તો જીવા ધાધલે શ્રીહરિને ધાબળો ઓઢાડ્યો. શ્રીહરિ સહું સાથે ચાલ્યા અને વાંસાવડી ધારે પધાર્યા, ત્યાં આવીને ઘણી ઘણી સહુંને જ્ઞાનવાર્તા કરી.
રાત્રે દોઢ પહોર વિત્યે પુર્ણીમાનો ચંન્દ્રીમા ખીલી નીકળતા શ્રીહરિએ ત્રિભંગી ધારણ કરીને વાંસળી ધારણ કરીને અદભૂત તાન સાથે વાંસળી વગાડી, શ્રીહરિએ સામવેદનો રાગ આલાપ્યો, બૃહદંતર અને મહાવૈશ્વાનર નામના રાગો વગાડ્યા. ત્રિલોક માથી સહું બ્રહ્મભવાદિક દેવતાઓ, શેષનાગ, દિગપાળો વગેરે સહું આકાશમાં દર્શને આવ્યા. ગામના ભરવાડના વાડામાંથી ગાયો પણ દોડી દોડી આવીને શ્રીહરિને વીંટળાઇ વળી. એ સમીપે સૌ કોઇને સમાધી થઇ અને કાલિંદી તીરે શ્રીકૃષ્ણભગવાન વેણુનાદ કરતા હોય અને ગોપ-ગોપીઓ વીંટળાઇને ઉભા હોય એવા દર્શન થયા.
આમ, કરીયાણા ગામની વાંસાવડી ધારે શ્રીહરિ ની જીવા ધાધલ ના સંકલ્પ પુરો કરીને વેણું વગાડીને સૌને દિવ્ય દર્શન આપ્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એ સમે “વહાલે વજાડી છે વાંસળી રે, કાલીંદીને તી૨..!” એ કિર્તન બનાવીને એ વખતે ગાયું.
હાલ પણ એ જગ્યાએ શ્રીહરિએ જે જગ્યાએ વાંસળીવાદન કર્યું હતું એ ઝાલરીયા પત્થરો છે, એ બધા પત્થરોમાં હાલ પણ ઝાલર વાગતા હોય એવા સુર પુરે છે. જે પ્રસાદી ના પત્થરોના દર્શન થાય છે.
બીજે દિવસે શ્રીહરિ કાળું મકવાણાના ઘરે બિરાજ્યા હતા. એક ઓરડો બંધ હતો એ જોઇને શ્રીહરિ એ પુછ્યુ કે આ ઓરડી માં શું છે? ત્યારે તેઓ કહે કે એ ઓરડામાં અમારા પિતૃઓના ફળાં છે, અમારા સૌ કોઇ પરિવારજનો આહી આવીને એમને ધૂપ-દિપ દિવો વગેરે કરીને માનતા કરે છે. તેઓ સહુ આહી આવી આવીને ધૂણે છે અને ફેલફિતૂર કરે છે, તમે પ્રભુ આજે પધાર્યા છો, તો અમને આથી છૂટકારો કરો..! શ્રીહરિએ એ ઓરડાનું બારણું ખોલાવ્યું તો થોડા ફળાં પડ્યા હતા, શ્રીહરિ કહે આ સહુની એક ગાંસડી બાંધો, જયારે આપણે સહું નદીએ નહાવા જઇશું ત્યારે એમને સાથે લઇ જઇશું ને એ સહુનો મોક્ષ કરીશું. એમ કહીને સહુ ની ગાંસડી બંધાવી ને પોતે ઓંસરીમાં આવીને ઢોલીયે બીરાજયા.
પ્રભુયે પછી ઘર ઉઘડાવ્યું, ત્યાં તો તે સર્વ જોવામાં આવ્યુ..!
ફળાં જોયાં મોટા અને નાનાં, એકને હતાં નેણ રુપાનાં…!
પૂછ્યું કૃષ્ણ કહો કોણ આ છે? કહ્યું પૂર્વજ એ તો વડા છે..!
ફળાં સર્વ તે ભેળાં કરાવી, એક ગાંસડી એની બંધાવી…!
કહે કૃષ્ણ નાવા જશું નીરે, ત્યારે લાવજો ત્યાં નદી તીરે..!
દરબાર દેહાખાચર પણ એ વખતે ત્યાં આવ્યા એટલે એ શ્રીહરિ સન્મુખ બેઠા.
એ વખતે કાળું મકવાણાના ઘરવાળા વિજલબાઇએ મકાઇના ડોડાં ના દાણા મસાલા વાળા શ્રીહરિને જમવા દીધા. શ્રીહરિ એ ડોડાના દાણા જમ્યા ને પ્રસાદી કાળું મકવાણા અને દેહાખાચરને દીધી.
એ દિવસે જ્યારે દિવસ ચાર ઘડી રહ્યો ત્યારે શ્રીહરિ ગામની બાજુની કાળુંભાર નદીએ નહાવા પધાર્યા. ત્યાં રાવતીયો વોંકળો જ્યાં ભળે છે એ જગ્યાએ આવીને ત્યાં સહું એમના પુર્વજોના ફળાંને શ્રીહરિના ચરણે અડાડીને જળમાં પધરાવતા શ્રીહરિએ કૃપા કરીને સહું નો મોક્ષ કર્યો. એ વખતે કાળું મકવાણા અને એમના કુટુંબીજનોએ એમના સહુ પુર્વજોને પ્રેતના દેહ છોડીને ચતુર્ભુજ દેહ ધારણ કરીને આકાશ માર્ગે જતા દેખ્યા. સૌ કોઇ પિતૃઓ પ્રેતયોનિમાંથી છૂટકારો મેળવીને વૈકુંઠધામ વાસી થયા.
હવે એ ફળાંને આંહીં લાવો, મારા ચર્ણનો સ્પર્શ કરાવો..!
કાળોભક્ત ફળાં લઈ આવ્યા, જેને પદ પ્રભુના પરસાવ્યા…!
સ્પર્શ થાતાં તજ્યો પ્રેતદેહ, થયાં કોઈ ચતુર્ભુજ તેહ..!
આવ્યાં તેડવા તેને વિમાન, તેમાં બેશી ગયા સુખસ્થાન…!
કોઈ વૈકુંઠવાટે સિધાવ્યા, કોઈ ગોલોકમાં જતા ફાવ્યા..!
આમ, શ્રીહરિએ એ દિવસે કાળું મકવાણાના પુર્વજો નો ઉદ્ધાર કર્યો ને કાળુંભાર નદીનો મહીમા કાલીંદીના તીર થી અધિક કર્યો.
કાળુભાર તણો મહીમાય, કહ્યો શ્રીમુખથી હરિરાય..!
કાલિંદી થકી કોટિક ગણું, કહ્યું માહાત્મ્ય તે તીરથ તણું…!
– શ્રીહરિલીલામૃત કળશ ૬ વિશ્રામ ૨૦ માંથી…. 🙇🏻♂️🙏