ગામ લોધિકાના દરબાર મુકતરાજ શ્રીઅભેસિંહજી માંદા હતા, તેમની તબિયત જોવા સારુ જુનાગઢથી જોગી સદગુરું શ્રીમહાપુરુષદાસ સ્વામી પોતાનું મંડળ લઈને લોધીકા આવ્યા. મંદિરે ઉતારો કરીને દરબારશ્રી પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બે ઘડી બેસી ભગવાનના મહીમાની બળભરી વાતો કરી. ત્યારે દરબાર અભેસીંહજી બોલ્યા જે “સ્વામી ! મારે એક સંકલ્પ છે. કેમજે આ દેહનો તો કાંઈ નિરધાર નથી, માટે મેં રાજકોટની વાડીમાં છત્રી કરાવીને બંગલો કરાવ્યો છે તે વાડી માટે વધારે જગ્યા લેવી છે. તે માટે મેં છ હજાર રુપિયા ખર્ચવાનો સંકલ્પ કર્યો છે. તેમાંથી પાંચ હજાર રુપિયાની જગ્યા લેવી ને એક હજાર રુપિયાનો વંડો કરાવવો. આટલો મારો સંકલ્પ છે તે શ્રીજીને પ્રાર્થના કરીને પૂરો કરો ને તમે આંહીથી રાજકોટ જાઓ ને ત્યાંથી કોઠારી કડીયા ડાહ્યાભાઈને આંહી મોકલો.” ત્યારે મહાપુરુષદાસ સ્વામી કહે, “બહુ સારું, હું આવતી કાલે રાજકોટ જઈશ.’ પછી રસોઈ થઈ એટલે ઠાકોરજીને થાળ ધરાવીને સ્વામી અને સહુ સંતો પંકિતએ જમ્યા અને દરબારશ્રીને ઠાકોરજીના થાળની પ્રસાદી જમાડી, પછી વળતે દિવસે સીગરામમાં બેસીને પોતાના મંડળના સાધુ રુગનાથચરણદાસજી આદિને લઇને સદગુરૂ મહાપુરુષદાસ સ્વામી રાજકોટ ગયા ને ત્યાં મંદિરમાં ઉતર્યા ને કોઠારી ડાહ્યાભાઈને લોધિકા સત્વરે મોકલ્યા. તે ત્યાં જઈ દરબારને મળ્યા. ત્યારે દરબારશ્રી એ એમને બધી વાત વિગતે સમજાવી ને છ હજાર રુપિયા રોકડા ગણી આપ્યા ને કહ્યું, “ત્યાંથી તમે મહાપુરુષદાસ સ્વામીને આંહી મોકલજો.”
પછી ડાહ્યાભાઈએ રાજકોટ આવીને પાંચ હજાર રુપિયાની મંદિર સારું જગ્યા લીધી અને મહાપુરુષદાસજી સ્વામીને કહ્યું, ‘તમે આ સીગરામમાં બેસીને સવારે લોધિકે જાઓ.’ ત્યારે સ્વામી લોધિકા આવ્યા ને દરબારશ્રીને કહ્યું ‘તમારા કહેવા પ્રમાણે રાજકોટમાં જગ્યા લીધી અને ડાયાભાઇ કોઠારી વંડો કરાવે છે’ પછી સ્વામી ત્યાં બે દિવસ રોકાઈને ચાલ્યા તે વાણીયાની વણથળીએ આવ્યા.
બે ચાર દિવસે લોધિકા દરબારશ્રીને મંદવાડ વધારે જણાયો ને તેમને એમ જણાયું જે, ‘હવે મારો દેહ નહિ રહે’ પછી એમણે બ્રાહ્મણોને સોનાં રુપાનાં દાન દીધાં ને ગામનાં ગોંદરે તમામ ગાયોને કપાસીયા ના ખાણ તથા લીલું ઘાસ નંખાવ્યું. દરબારશ્રીએ ગામના મંદિરના પૂજારી ગોંર લાલજી મહારાજને કહ્યું જે, આજ રાત્રીયે મારે દેહ મેલવો છે માટે તમે મારી પાસે રહેજો.’ ત્યારે પુજારી લાલજી મહારાજ દરબારની પાસે જ એમના ઓરડામાં ત્યાંજ સુતા.
એ દિવસે અર્ધી રાત્રી થઈ ત્યારે શ્રીજી મહારાજ રથ, વિમાન વગેરે લઈને દરબારને તેડવા આવ્યા. તે વખતે ગામ બહાર પોલીસનું થાણું રહે છે, ત્યાં થાણેદાર ચોકીમાં રહેતા હતા તે એ સમે લઘુશંકા કરવા ઉઠ્યા હતા, તેણે રથનો ઝણકાર સાંભળ્યો એટલે વિચાર થયો જે, ‘આ ટાણે કોનો રથ જાતો હશે ?’ એમ ધારી ઉભા રહ્યા ત્યાંતો રથ નીકળ્યો એટલે થાણદારે પૂછ્યું, ‘આ કોનો રથ છે ?’
ત્યારે શ્રીજી મહારાજ મધુરું હાસ્ય કરતા બોલ્યા જે, “અમે સ્વામિનારાયણ છીએ ને અમારા પરમભકત દરબાર અભેસિંહજીને તેડવા જઈએ છીએ.’ તે સાંભળી થાણદાર ઘણું આશ્ચર્ય પામ્યો ને શ્રીજીમહારાજ તો ગામમાં પધાર્યા. તે વખતે દરબાર ઢોલીયામાં સુતા હતા તે સમે એમને મહારાજનાં દર્શન થયાં કે તુરંત સફાળા બેઠા થયા ને ખાટલેથી હેઠા ઉતરી શ્રીજીમહારાજને પગે લાગ્યા ને પૂજારી લાલજી મહારાજને જગાડીને કહ્યું, ‘આ શ્રીજીમહારાજ તથા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ નિત્યાનંદ સ્વામી તથા ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી આદિક સંત તથા મહામુકત દાદાખાચર આદિક મોટા મોટા હરિજનો મને તેડવા આવ્યા છે. માટે તમે તુરંત ગાયનું છાણ લાવીને આંહી લીપો.’
ત્યારે લાલજી મહારાજે તો તુંરત જ છાણ લાવીને લીંપી દીધું. તે જ ઘડીએ દરબારશ્રી અભેંસીંહજી તે લીંપેલી જગ્યામાં બેઠા ને કહ્યું, ‘હવે સહુ ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ’ ભજન કરો.’ ત્યારે સહુ ભજન કરવા લાગ્યા. તે જ ઘડીએ દરબાર દેહનો ત્યાગ કરીને શ્રીજીમહારાજ અને સહુ મુકતો સાથે બોલતા ચાલતા પંચમહાભૂતના દેહનો ત્યાગ કરીને દિવ્ય તનું ધારણ કરીને ભેગા અક્ષરધામમાં ગયા.
રથ વેલ્ય વિમાન ને વાંજી, ઘણું દેહ મુકે થઇ રાજી..!
મને તેડવા આવ્યા છે નાથ, હુ જાઉ છું મહારાજ ને સાથ..!!
સવારે એમના દિકરા હરિસિંહજીએ મોટી સુંદર પાલખી કરાવીને દરબારશ્રી ના દેહને તેમાં બેસારી સ્મશાને લઈ ગયા ને ચંદનનાં લાકડાં તથા તુલસીનાં લાકડાં અને નાળીયેરથી અગ્નિ સંસ્કાર કર્યો. તે સમયે ત્યાં બેય માટીના વેપારી તથા ખેડુઓ આવેલા હતા ને તે વખતે ત્યાં થાણદાર પણ આવ્યા ને તે બોલ્યા જે ‘હું આટલા દિવસ ‘ભગવાન શ્રી સ્વામિનારાયણ’નો દ્રોહ કરતો હતો, પણ આજ અર્ધી રાત્રીએ શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુ રથમાં બેસીને નિસર્યા ત્યારે મેં પૂછ્યું જે, રથમાં કોણ છે ?ને ક્યાં જાઓ છો ?’ ત્યારે તે બોલ્યા જે, અમે ‘સ્વામિનારાયણ ભગવાન’ છીએ ને અમારા પ્રિયભકત દરબારશ્રીને તેડવા જાઈએ છીએ, તે મેં મારી નજરે જોયું. માટે સ્વામિનારાયણ પોતાના ભક્તોને અંતકાળે તેડવા આવે છે. એ વાત સત્ય છે ને જરૂર સ્વામિનારાયણ સાક્ષાત્કાર ભગવાન છે’ તે સાંભળીને સહુ માણસો આશ્ચર્ય પામ્યા.
– શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી….