શ્રીનિલકંઠવર્ણી પ્રભુંને હિમાલયમાં વન વિચરણ કરતા વખતે ઉત્તરપ્રદેશના ગોરખપુરના અતિ મુમુક્ષું એવા મોહનદાસ વૈરાગી મળેલા, જેઓને વર્ણીપ્રભુંએ નિસ્પૃહીપણું શીખવતા પોતાની અતિ વહાલી કઠારી ભંગાવી અને ઝેરી ઝાડના ફળ જમતા રોકીને પ્રાણની રક્ષા પણ કરેલી, આ મોહનદાસ ને વર્ણીપ્રભુંમાં અતિ હેત થયું પરંતું વર્ણી પ્રભુંની ઉતાવળી ચાલે તેઓ સાથે ચાલી શકતા ન હતા, કયારેક પાછળ રહી જાય તો રાતે વળી ભેગા થઇ જાય, એમનો મુમુક્ષુંભાવ જોઇને શ્રીનિલકંઠ પ્રભુંએ કહેલું કે “મોહનદાસ, તમે ભવિષ્ય માં પશ્ચિમમાં આવજયો ત્યારે આપણે ત્યાં મળીશું.” આમ કહીને પોતે તો વિચરણમાં ચાલી નીકળેલા.
થોડા વરહે આ મોહનદાસ દ્વારિકાની યાત્રાએ જતા લોજમાં સદાવ્રતમાં શ્રી નિલકંઠ વર્ણીને ઓળખી ગયા અને ત્યાંજ રોકાઇ ગયા. જ્યારે વર્ણીપ્રભું સદગુરું મુકતાનંદ સ્વામી આદિક સહુ્ને ધ્યાન શીખવતા ત્યારે તેઓ પણ સાથે ધ્યાન શીખવા સાથે બેસતા.
એકદિવસે મહારાજે મોહનદાસ ને પુછ્યુંકે “મોહનદાસ, તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે તેઓ બોલી ઉઠયા કે…
એમ કરતા ઘણા દન ગયા, ત્યારે સ્વામી સહજાનંદે કયા..!
મોહનદાસજી કૈયે છયે અમે, કેના ભજન કરો છો તમે..!!
મોહનદાસ કહે સ્વામી મેરા, ભજન કરતા હૈ કપટી તેરા..!
હમકું વેલા તુમને ક્યું ન કીયા, હમકું ભરમાવી ભુલાવી દીયા..!!
થોડે સમયે તેઓ પછી શ્રીહરિ પાસે જ દિક્ષા લઇ ને સાધું થયા અને શ્રીહરિએ એમનું નામ વ્રજાનંદ સ્વામી પાડેલું.
જેનું નામ મોહનદાસ એહ, તેતો વ્રજાનંદ સ્વામી તેહ..!
સમજીને સંત ભેળા રહ્યા, તેતો મોટા વ્રજાનંદ કહ્યા..!!
જ્યારે સંવત ૧૮૮૨ થી જુનાગઢ મંદિરનું બાંધકામ શરું થયું અને સંવત ૧૮૮૪ ના વૈશાખ વદ બીજના શ્રીરાધારમણ દેવની શ્રીહરિએ પ્રતિષ્ઠા કરી, આ અરસા માં તેઓ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના મંડળમાં જુનાગઢ આવ્યા અને જીવનભર સ્વામીના મંડળમાં રહ્યા. નાઘેરમાં વ્રજાનંદ સ્વામી, બાબરીયાવાડમાં રાઘવાનંદ સ્વામી, ખારાપાટમાં કૃપાનંદ સ્વામી, હાલારમાં કૈવલાત્માનંદ સ્વામી, અને સોરઠ-ઘેડમાં રામદાસ સ્વામી કાયમ પોતાના મંડળો સાથે સત્સંગ કરાવવા જતા. ગામડાઓમાં અનેક મુશ્કેલીઓ સહન કરીને, વિમુખોના માર ખાઇને, મુમુક્ષુંઓને ભગવાન ઓળખાવવા સંતોએ પોતાના જીવનને ચંદનની જેમ ઘસી નાંખ્યા. લોકજીવનમાં સદાચાર ને પંચવર્તમાન ની દ્રઢતા, મુમુક્ષું ને પુર્ણ પુરુષોત્તમનારાયણની જીવને ઓળખાણ થાય એમ તેઓ અવિરતપણે પ્રયત્ન કરતા.
એકસમયે વ્રજાનંદસ્વામી વિચરણ કરતા નાઘેરમાં કાંધી ગામના ચોરે ઉતર્યા, ગામમાં એકવખત ભીક્ષા કરીને જમે અને રોજ સાંજ સવાર સહુંને ઉપદેશ કરીને સત્સંગની વાતો કરે, સહુંને ભારે ગુણ આવ્યો.
એકદિવસ આ કાંધી ગામના ચોરે એક ખખડધજ મોટો જટાધારી બાવો આવ્યો, આંખો દિવસ હોકો ગગડાવે, ને ધૂવાડાના ના ગોટેગોટા કાઢે. સહુંને રામાયણ ભાગવતની ઉપજાવી કાઢેલી ગપગોળાની બનાવટી ખોટી વાતો કરે ને પાખંડ ફેલાવે. ભોળા ગામલોકો ને એમ કે આતો કોઇ મોટા મહાત્મા છે, એટલે એના સારું અફિણ-ગાંજો વગેરે લાવીને ચરણે ધરે એટલે બાવો પણ વેંત વેંતની બીજી દશ-બાર ચલમો મંગાવીને સહુ આવે એને પાઇને શ્રીરામચંન્દ્રજી ના ચોરામાં નિમાડો સળગ્યો હોય એવું લાગે. સ્વામીને થયું કે મંદિરમાં આ પાખંડ સારું નહી, એટલે “એક પંથ દો કાજ” ચલાવવું નથી, એમ વિચારીને પોતે બાવો બેઠો હતો ત્યાં ગયા. તે બાવો વ્રજાનંદ સ્વામી ને કહે “લીજીયે મહાત્માજી, ચલમ પીજીએ..!” તે સુણીને વ્રજાનંદ સ્વામી કહે કે “ના.., અમે ચલમ પીતા નથી.” તો બાવો બોલ્યો કે “તો તો તુમ અભી કચ્ચા મહાત્મા હો, તુંમ ઇસ ચલમ કાં આનંદ ક્યા જાનો…!”
સ્વામી આમ વાત કરતા હતા ત્યાં ગામજનો આવવા લાગ્યા ને સહું બેઠા. કોઇએ પુછયું કે “મહાત્માજી, આપને કેટલા વરહ થયા હશે..?” ત્યારે એ બાવો ઘમંડમાં બોલ્યો કે “વર્ષ કી તો કોઇ ગીનતી નહી હૈ, લેકિંન જબ રામચંન્દ્રજી કાં વિવાહ હુઆ, તબ હમ ઉનકીં બારાતમે ગયે થે..!” બાવાના શબ્દો સાંભળતા જ વ્રજાનંદ સ્વામી તર્કસાથે બોલ્યા કે “બાવાજી, જૂઠ કેમ બોલો છો? પ્રભું રામચંન્દ્રજીના લગ્ન ના માંડવે તો હું હતો, તમને તો જાન માં ક્યાંય જોયા જ નહી હો…!” સ્વામીનો વ્યંગ એ બાવાજી તરતજ સમજી ગયો એટલે ચુપ થઇ ગયો. પછી તો વ્રજાનંદ સ્વામીએ રામાયણની ચોપાઇઓ ગાઇને સહુને ધારદાર કથા કરી, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંન્દ્રજીના ગુણો ગાઇને ગામજનોને હરિનામનો અતિ મહીમા કહ્યો, સહું કોઇને અતિ આનંદ થયો. બે દિવસ માં પેલા બાવાજી તો રફુંચકકર થઇ ગયા.
કાંધી ગામમાં સ્વામીના અવારનવાર ના વિચરણે ઘણા સત્સંગી થયા, ખેડવાયા કુંભાર જ્ઞાતિમાં હરસુરભાઇ, જુઠાભાઇ આદિક એકાંતિક સત્સંગી થયા, અને ગામના મુમુક્ષું પાર્ષદ થઇને પણ જુનાગઢ મંદિરે આજીવન રહ્યા. નાઘેરમાં સૌ પહેલું મંદિર સ્વામીએ કાંધી ગામમાં બંધાવ્યું ત્યારબાદ વાવરડાં, વડવિયાળા, તડ, સમઢીયાળા, ભાયાવદર વગેરે અનેક મંદિરો સ્વામીએ બંધાવ્યા. નાઘેર બાબરીયાવાડમાં હજારો ભકતોને સત્સંગ કરાવી પ્રગટ શ્રીહરિની ઓળખાણ કરાવી.
સ્વામીના યોગે ઉનાના મુકતરાજ ગણેશ શેઠ પણ સત્સંગી થયા અને શ્રીજીમહારાજના સ્વહસ્તે આપેલા ‘લાલજી’ કે જે ‘લાલજી ગણેશ ની પેઢી’ તરીકે સંપ્રદાય માં સુવિદિત છે.
શ્રીજી સ્વધામ સીધાવ્યા પછે સદગુરુ વ્રજાનંદ સ્વામી જીવનભર સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાથે રહ્યા, પોતે મોટા હોવા છતા નાના રહીને સત્સંગની સેવા કરતા રહ્યા, સંવત ૧૯૧૯માં તેઓ શ્રીહરિના અક્ષરધામમાં સીધાવ્યા.
- સદગુરુ માધવદાસ સ્વામી રચિત શ્રીહરિકૃષ્ણચરિત્રામૃતસાગરમાંથી…