એક સમયે છપૈયાપુરમાં મંદિરનું કારખાનું ચાલતું હતું, તે સારું અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે છ હજાર રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને હરિભક્તો સાથે મોકલાવી. ત્યારે હુંડી પહોંચી જવાથી શેઠે છપૈયાપુરમાં મંદિરના કારભારી એવા બેચર કોઠારીને ખબર મોકલાવી ને કહેવડાવ્યું કે તમે જાતે આવીને મંદિરના હૂંડીના રોકડા પૈસા લઇ જાજો.
મંદિરના કારભારી આ બેચર કોઠારી બહુ મમત રાખીને ઘનશ્યામ મહારાજનું કામ કરતા, તે બહુ ડાહ્યા અને વિચક્ષણ હતા. તેઓ ટેકીલા ધર્મવાળા અને મહાવૈરાગ્યવાન હતા. ભગવાનને વિષે બહુ પ્રીતિવાળા હતા અને મંદિરનું કામ નિષ્કામભાવે કરતા હોઇ મહારાજશ્રી તેમજ સહું સંતોના અતિ વિશ્વાસું હતાં.
બેચર શેઠ પોતાની સાથે એક પાળાને લઇને ગાડું જોડાવીને ચાલ્યા તે બંગલા શહેરમાં આવીને તે અનુંમલ જીવણમલની પેઢીએથી હુંડીના રૂપિયા ગાડીમાં લઇને પાછા વળ્યા. રસ્તે ચાલતા તે મખોડા ઘાટે મનોરમા નદીએ આવતાં ગાઉ એક ચાલે તેટલો દિવસ રહ્યો હતો. સાંજ પડવા ટાણે તે વખતે કોઇ ચોરો હુંડીની વાત પ્રથમથી જ જાણતા હશે તેથી પોતાનાં હથિયાર બાંધીને રૂપિયા લઇ લેવા અને બેચર કોઠારીને મારી નાખવા એવો વિચાર કરીને સર્વે ચોરો માર્ગ રોકીને બેઠા. એટલે ખરા વખતમાં પોતાના ભક્તની રક્ષા કરવા માટે ઘનશ્યામ મહારાજ ભારે વસ્ત્રો ઘરેણાં પહેરેલાં અને રોઝા ઘોડાં પર બેસીને સાથે બે પાળા સહિત આવીને તે બેચર કોઠારીને દર્શન દઇને બોલ્યા જે, હે ભક્તરાજ ! તમે ચાલ્યા જાઓ છો પણ આગળ માર્ગ રોકીને કેટલાક ચોર બેઠા છે. માટે તમે ગાડું લઇને અમારા વાંસે વાંસે આવો. એમ કહીને આગળ ચાલ્યા. તે બીજે માર્ગે થઇને એમને એમ નારાયણ સરોવરના કાંઠા સુધી ભેગા આવીને અદૃશ્ય થઇ ગયા. તે જોઇને કોઠારી મહાઆશ્ચર્ય પામીને મંદિરમાં આવ્યા. તે વાત સહુને કહી.
એ દિવસે એ ચોરો થકી શ્રીઘનશ્યામ મહારાજે પોતે પ્રત્યક્ષ પધારીને રોકડા રુપીયા અને બેચર શેઠની રક્ષા કરી. સહુ કોઇ તે સાંભળીને અતિ આશ્ચર્ય પામ્યા.
– શ્રીઘનશ્યામલીલામૃત સુખસાગર માંથી….