પીપરલાના કાનાભગત

સૌરાષ્ટ્રમાં તળાજા પાસે ગામ પીપરલામાં કાનાભગત કરીને પલેવાળ બ્રાહ્મણ હતા. તેવો સદગુરુ મુકતાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી વગેરેના વિચરણથી સત્સંગના યોગ માં આવેલા. શ્રીહરિના પંચવર્તમાન તેઓ છડેચોક પાળતા. પોતે ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતા હતા.

એકદિવસે કાનોભગત પોતાના ખેતર સાંતી હાંકવા ગયા હતા. બપોરટાણું થતા તેની સ્ત્રી બપોરે ભાત લઈને ખેતર જતી હતી, ઇ વખતે હારે કાંખમાં નાનો છોકરો તેડ્યો હતો. નાના છોકરાએ વેન કર્યું જે, “ માં ! મને એક સાંઠો ભાંગી દે.” એટલે કાનાભગતની બાઈએ રસ્તાના કાંઠે કોઈકના ખેતરમાંથી જુવારનું એક રાડું ભાંગીને છોકરાને દીધું. પછી ત્યાંથી ચાલતા પોતાને ખેતર ગઈ, ભથવારું આવ્યું જાણીને જ્યારે કાનોભગત બપોરે સાંતી છોડીને બળદને નિરણ નીરીને પોતે ઝાડવાનાં છાંયડે ભાત જમવા બેઠા ત્યારે કાનાભગતે પૂછ્યું જે, “તું પણે ઠેકાણે વાંકી કેમ વળી હતી ?” એ સુણીને એની બાઈ કહે કે, “આ આપડા નાનકડા વાલજીએ સાંઠાનું વેન કર્યું હતું, તેથી એને એક જુવારનું એક રાડું ભાંગીને આપ્યું હતું.” ત્યારે કાનોભગત શ્રીહરિની આજ્ઞા જે ‘ધણીને પુછ્યા વગર કોઇના વસ્તું પદાર્થ લેવું નહી કે અડવું નહી’ એ આજ્ઞા પાળી ન હોય પોતે તો સમસમી ગયા ને કહે જે, “વાલીયો કહેશે કે, “તું ફૂવામાં પડ્ય, તો તું કૂવા માં પડીશ ? માટે તારા હાથનું ખાય તે હરામ ખાય, જો તું એક ઉપવાસ કર તો જ તારા હાથનું ખાઉં.”

તે દિવસે ભગતે તેના હાથનું જમ્યા નહીં, એ દિવસે ઉપવાસ કર્યો ત્યારપછી બીજે દિવસે અન્નજળ જમ્યા.

એક દિવસ કાનોભગત સાંજે ગામના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાં કોઈ હરિભગત પ્રસાદી સારું મગની ફળીયું લાવ્યા હતા, તે મંદિરમાં સહુ આવેલાને પ્રસાદી વહેંચતાં વધી તે કાનાભગતને આપી. તે લઈને કાનોભગત પોતાને ઘેર ગયા, ત્યારે તેની ઘરવાળી એ જોઇને બોલી જે, “આપણા ખેતરમાં મગની ફળીયું નથી, ત્યારે તમે આ કેનું ખાતર પાડીને લાવ્યા ?” તે સાંભળી કાનોભગત એકદમ દોડતા મંદિરે જઈ તે મગની ફળિયું વાળા હરિભક્તને તેડીને પોતાને ઘેર આવ્યા, ને બોલ્યા જે, “આ તારી કાકી કહે છે જે, તમે કેનું ખાતર પાડ્યું ?” પછી તે હરિભગત બોલ્યો જે, “કાકી ! એ તો હું મારે ખેતરથી ઠાકોરજી ને પ્રસાદી ધરવા સારું લાવ્યો છું. ” ત્યારે બાઈ કહે, “ઠીક.” આમ, દોઉ દંપતિ શ્રીહરિના પંચવર્તમાન ને પરિપુર્ણ પાળતા.

– સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી…