અમદાવાદ જીલ્લાના ધોલેરા પાસેના પીપળી ગામે શ્રીહરિ અનેક વખત પધાર્યા છે. આ તિર્થ સ્વરુપ પીપળી ગામમાં શ્રીહરિને વિશે અતિશે સ્નેહવાળા દાદાભાઇ નામે દરબાર હરિભકત હતા.
ગયા પિપળીએ હરિરાય, દાદાભાઈના દરબારમાંય…!
સંવત ૧૮૬૧માં શ્રીહરિ ગામ બૂધેજ ખોડાભાઇના ઘેરથી ચાલ્યા તે ગોરાડ, ગૂડેલ અને મીતલી થઇને સંધ્યા સમયે ગામ પીપળીએ પધાર્યા. એ વખતે ભકતરાજ દાદાભાઇ દરબારને ખબર પડતા તેઓ એ સહુ ગામના સહુ હરિભકતો ને મળીને ગામના ગોંદરે આસોપાલવના તોરણ બંધાવ્યા, કેળના સ્તંભ રોપાવ્યા. મશાલો પ્રગટાવી અને અનંત દિવાઓ કર્યા. સહુ વાજતે ગાજતે સન્મુખ આવ્યા, ગામની સ્ત્રીઓ મોતીના થાળ ભરીને શ્રીહરિને વધાવવા સારું ગામની બજારે, પોતાની મેડીના માઢ વગેરે ચડીને ઉભી રહી હતી. દાદાભાઇએ પોતાના ભુવનમાં શ્રીહરિને અતિ હેતથી પધરાવ્યા. હાથ મુખ ધોવરાવીને શ્રીહરિ બિછાવેલ પલંગ ઉપર બીરાજમાન થયા. શ્રીહરિનું પુજન કરીને અતિભાવથી દંડવત પ્રણામ કર્યો. પોતે વિવિધ ભાતના ભોજનનો થાળ કરાવ્યો અને શ્રીહરિને હેતે જમાડયા પછી સહું સંતો-ભકતોને જમાડયા. રાત્રે એમના દરબારગઢના ફળીયા માં સભા થઇ એ વખતે સદગુરુ મુકતાનંદ સ્વામી વગેરે સહુ સંતોએ કિર્તન ગાન કર્યું. શ્રીહરિએ સુંદર ઉપદેશ આપતા સંત-અસંતના ભેદ વર્ણવ્યા. જેમ બધા પત્થર કાંઇ પારસમણી હોતા નથી, જેમ રાજા-રાજા અલગ અલગ છે, દરેક સંતમાં પણ ફેર રહ્યા છે. ભગવાન વિના બીજે ક્યાયં માલ ન માને એને સાચા સંત જાણવા. આમ, ઘણી ઘણી ઉપદેશની વાતો કરતા અર્ધ રાત્રી વિતી ગઇ. શ્રીહરિના અમૃતવચનો સુણીને ગામના ઘણાય મુમુક્ષુઓ વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. શ્રીહરિ અર્ધરાત્રી વિત્યે પોઢ્યા અને સહુ સંતો ધ્યાન કરવા બેઠા.
શ્રીહરિ રાત્ય રોકાઇને સવારે ત્યાંથી ચાલ્યા તે કૂંડળ પધાર્યા.
– શ્રીહરિચરિત્રામૃત સાગર પુર ૫ તરંગ ૬૮-૬૯
સંવત ૧૮૭૨માં ત્રીજીવખત શ્રીહરિ સંતો-પાર્ષદો અને દરબારો સાથે ગઢપુરથી વડતાલ જતા રસ્તા માં ઝમરાળા ધોલેરા થઇને ગામ પીપળી પધાર્યા હતા.
બીજે દિન ગયા હરિ ઝમરાળે, ત્યાંથિ ચોકડિ સરોવર પાળે..!
ગયા ધોલેરે ધર્મકુમાર, રહ્યા મંદિર માંહિ મુરાર…!
ગયા પીપળિયે પરમેશ, દયાસાગર દીનજનેશ..!
-શ્રીહરિલીલામૃત કળશ ૮ વિશ્રામ પ૭
દાદાભાઇના દરબારગઢમાં વાળું પાણી કરીને સહુ પોઢયા હતા, આ વખતે ગામમાં એક ભવાયાનું (તરગાળા) મંડળ આવેલ હતું. તેઓ રાત્રે ચોકમાં વસંત અને હોળીના ગીતો વાજીંત્રો વગાડીને ગાવતા હતા. આખી રાત્ય ભવાઇના વેશ માં એ ભવાયાઓએ ગીતો ગાયા. રાત્રીના સૂમસામ સુનકારમાં એ ગીતો શ્રીહરિએ દરબારગઢમાં પોતાના ઢોલીયે પોઢયા થકા સાંભળ્યા હતા. સવારે જ્યારે એ ભવાયાઓ શ્રીહરિને મળ્યા ત્યારે એમને પડખે બોલાવીને પુછ્યુ કે “તમે લોકો ગામે ગામ રમત રમો છો, એમા તમને શું મહેનતાણું મળે ?” ત્યારે તેમાંથી એક ભવાયો કહે કે “પેટનું ગુજરાન ગામોગામ કરીએ છીએ, ને જેટલા જોઇએ એટલા વસ્ત્ર એમા મળી રહે છે. વળી, કોઇ કણબીના ગામમાં જાઇએ ને ત્યાં રમીએ તો પાંચ-દસ રુપીયા પણ મળે. કયારેક કોઇને રીઝવવા મુખથી હલકા વેણ બોલીએ ત્યારે તે વળી પાંચ પૈસા દીયે..! એ કરેલા પાપ તો કરોડો કલ્પ વિતી જાય તો પણ અમે એ પાપથી છુટીશું નહી. પાપથી છુટકારો કરવાનો એ તો આપણા હાથમાં છે, હે નાથ..! આપ તો મહાસમર્થ અને ગરીબજનપ્રતિપાળ છો, અમને પાપથી છોડાવવા એ તો આપને માટે સહજ છે, આજ અમે તમ સન્મુખ ગીતો ગાઇશું, આપ અમને પોતાના જાણીને શરણે લેજો.” આમ ભવાયાની વાત સાંભળીને શ્રીહરિ એ એમને ઉપદેશ દીધો કે “જે લોકો સાચા સંતપુરુષનો સત્સંગ કરે છે, અને દારુ માટી ચોરી અવેરી વગેરે પંચ વર્તમાન પાળે છે, એવા જનનો તો તત્કાળ ઉદ્ધાર થાય છે.” ભવાયાઓ એ શ્રીહરિના વચનો સુણીને ગીતો ગાઇને શ્રીહરિને રીઝવ્યા. શ્રીહરિએ પાર્ષદોને બોલાવી ભવૈયાઓને વસ્ત્ર તથા ધન અપાવ્યા. સહુ રાજી થતા થકા પોતાને સ્થાને ગયા. સૌને પીપળીમાં દર્શનદાનનું દિવ્ય સુખ આપીને શ્રીહરિ સહુ સંતો પાર્ષદો સાથે ત્યાંથી કમીયાળા, સીંજીવાડા થઇને વડતાલ પધાર્યા.
– શ્રીહરિચરિત્રામૃતસાગર પુર ૧૬ તરંગ ૫૨ માંથી…. 🙇🏻♂️🙏