ગામ વગોસણ આયે સુખકંદા, કેલોદ ગામે રયે હે ગોવિંદા..!
– શ્રીહરિવિચરણ વિશ્રામ ૬
કાનમ દેશમાં કેલોદ ગામે શેખ વલીભાઇ નામે એક પુર્વજન્મના મુમુક્ષું હતા. તેઓ સંતોના વિચરણથી સંતોના યોગમાં આવ્યા. સાચા સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરિની સર્વોપરીતાની ગાંઠ્ય વળી ગઇ અને અસત્ય આસતા ટળી ગઇ. એમને શ્રીસ્વામિનારાયણ ભગવાનનો ભરોસો અને નિશ્ચય પરિપુર્ણપણે જીવમાં જડાઇ ગયો હતો. બીજા પીર-ફકીર, મૌલા, મલાં-મલંગ વગેરે ને ખોટા જાણીને એમને તજી એમણે સત્સંગનો સ્વીકાર કર્યો. વલીભાઇને ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગી થયા જાણીને એમની મુસ્લિમ નાત્યના સહુએ વલીભાઇ ને નાત્યબાર કર્યા, આમ છતા પણ વલીભાઇ ડગ્યા નહીને શ્રીહરિનું નિસંશયપણે ભજન કરતા રહ્યા. આમ નાત્યબહાર રહ્યા કરતા કરતા એમને વર્ષ ચાર વીતી ગયા પરંતું વલીભાઇને લગારેય સંશય થયો નહી. તેઓ તો અખંડ શ્રીહરિનું ભજન કરતા હતા.
૧૮૭૫માં વસંતપંચમી ઉત્સવે ગઢપુર આવેલા બોટાદના હરિભક્તો એ શ્રીહરિ ને વિનંતી કરી કે ‘પ્રભુ ! હવે ફાગણ સુદ પૂનમે ઉત્સવ કરવા બોટાદ પધારો.’ આમ સૌનો ભક્તોનો ભાવ જોઇને ફાગણ સુદ ચૌદશે શ્રીજીમહારાજ ગઢપુરથી સંત હરિભક્તો સાથે બોટાદ પધાર્યા. બોટાદમાં હમીર ખાચર, તેમના પુત્ર દાહા ખાચર, સોમલા ખાચર, માતરા ધાધલ, ભગા દોશી વગેરેએ મહારાજનું ધામધૂમથી સામૈયું કર્યું. ગામ બહાર પશ્ચિમ બાજુ એક વિરાટ વટવૃક્ષ હેઠળ હરિભક્તોના ઉતારા હતા, ત્યાં એક મોટો મંચ બાંધવામાં આવ્યો હતો. રંગના ભરેલા ચરુ તથા અબીલ ગુલાલ ગાડાઓ ભરીને ત્યાં લાવવામાં આવ્યા હતા. આ વખતે શ્રીજીમહારાજ સંતહરિભક્તો સાથે ત્યાં ખૂબ રંગે રમ્યા હતા.
આ વખતે કેલોદના વલીભાઇ શેખ શ્રીહરિના દર્શને બોટાદ આવેલા. તેઓ શરણાઇ બહું સારી પેઠે વગાડી જાણતા, જ્યારે તેઓ દર્શને આવ્યા ત્યારે શ્રીહરિએ એમને ખબર અંતર પુછ્યા, અને શ્રીહરિએ કહ્યું કે ‘વલીભાઇ, તમે શરણાઇ લાવ્યા હોવ તો આવતી કાલે રાવલીં વડના છાંયડે સભા થાય ત્યારે અમને સંભળાવજો.’
વલીભાઇ કહે ભલે મહારાજ..! એમ કહી ને જ્યારે બીજે દિવસે વડ નીચે સભા થઇ ત્યારે વલીભાઇ એ આરાધના કરતા શરણાઇના સૂર છેડ્યા અને આરોહ અવરોહ સાથે ઘૂંટાતો હિંડોળરાગ વગાડ્યો ને સભામાં સહું ને મંત્ર મુગ્ધ કરી દીધા. એમના ભકિતમય શરણાઈના સુરથી શ્રીજીમહારાજ ઘણા રાજી થયા અને બોલ્યા કે “વલીભાઇ, આજ તો તમે તુંબરું નો ગર્વ ગળી જાય એવી શરણાઇ વગાડી.” વલીભાઇ કહે કે ‘હે મહારાજ..! મારે તો આપ રાજી થયા એમા બધું જ આવી ગયું, આપની કૃપાદ્રષ્ટીરુપી રાજીપો એજ મારી કળાનું ફળ છે.” આ સુણીને શ્રીજીમહારાજ ઘણા રાજી થયા અને પોતાના બંને હાથેથી સુવર્ણના બાજુંબંધ ઉતારીને વલીભાઇને આપ્યા ને એમના માથે બે હાથ મુકીને ખુબ રાજી થયા હતા.
કેલોદ ગામમાં પોતાના મુસ્લિમ સમાજ માંથી નાત્યબહાર મુકાવા છતા અડગપણે શ્રીહરિનું ભજન સ્મરણ કરતા થકા વલીભાઇ શેખનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે શ્રીજીમહારાજ અનંત મુકતો સાથે રથ, વેલ્ય અને વિમાન સાથે પધાર્યા હતા. એ વખતે કેલોદ ગામની બહાર વાડીમાં સહું મુકતો સહિત ઉતારો કર્યો. આ વાડીનો રખેવાળ ખેડૂત એકાએક જ પોતાના ખેતરમાં ઘણેરા બળદ, ઘોડા ને હાથી વગેરે જોઇને દોડતો આવીને શ્રીહરિ ને બોલવા લાગ્યો કે આ મારું ખેતર ખવાઇ જશે..! ત્યારે માણકી એ અસવાર એવા શ્રીહરિ કહે કે “અમે સ્વામિનારાયણ ભગવાન છીએ, આજ અમે તમારા ગામના વલીભાઇ શેખને તેડવા આવ્યા છીએ, આ બળદ, ઘોડાને હાથી વગેરેના તો આ લોકના નથી, આ તો તમામ દિવ્ય છે. એટલે નાહકની ચિંતા ન કરો.” પેલો રખેવાળ ખેડૂત તો ઘણા જ અચરજ ને પામ્યો, આમ શ્રીહરિ અતિ અલૌકિક પરચો બતાવીને વલીભાઇ પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા.
પહોંચી અવધિ દેહની જયારે, આવ્યા તેડવા મહારાજ ત્યારે..!
લાવ્યા રથ વેલ્ય ને વિમાન, આપે અશ્વે બેસી ભગવાન..!!
આવી વાડીમાં ઉતર્યા નાથ, બહુ સખા છે પોતાને સાથ..!
દિઠું વાડીવાળે તે પ્રસિદ્ધ, રથવેલ્ય વિમાન બહુવિધ..!!
ઘણાં ઘોડાં બળદ અપાર, બોલ્યો રખવાળો તેહ વાર..!
મારી ખેતી આ જાશે ખવાઇ, અમારે છે આટલી જીવાઇ..!!
ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ..!
આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં..!!
અમે આવ્યા છીએ આંહિ આજ, વલીભાઈને તેડવા કાજ..!
એમ એને કહી અવિનાશ, પછી આવ્યા વલીભાઇ પાસ..!!
થયાં વલીભાઇને દર્શન, લાગ્યો પાય કહે ધન્ય ધન્ય..!
મારે હતો ભરૂંસો તમારો, જાણું જરૂર નહિ વિસારો..!!
-શ્રીભકતચિંતામણી પરચા પ્રકરણ ૧૫૧ માંથી…!