ગામ ઝીંઝાવદરમાં શ્રીજીમહારાજે આશીર્વાદ આપેલો કે “જાવ, અલૈયાખાચર, તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અક્ષરધામમાં તેડી જઇશું…

ગામ ઝીંઝાવદર ના ગામધણી દરબાર સામતખાચર હતા. તેઓ સ્વભાવે થોડા ક્રોધી અને અફિણ-ગાંજાના બંધાણી હોય, એમની ડેલીએ કાયમ મળતીયાઓના ડાયરાઓ જામતા. તેઓને બે દીકરા નામે જેઠસુર ખાચર અને અલૈયાખાચર હતા. આ મુકતરાજ અલૈયા ખાચર નાનપણથી બહુ ધર્મનિયમવાન અને સદગુણી હતા. બાલ્યાવસ્થા થી ગામનાં રામજી મંદિરે દર્શને જતા અને રામાયણની ચોપાંઇઓ સાંભળતા. આ જોઇને એમના માતુશ્રીને સંકલ્પ થતો કે કુંટુંબ માં એકાદ પ્રહ્લાદ જેવો ભગવાનનો ભગત થાય તો સારું થાય.

એકવખતે અલૈયાખાચરને સદગુરુ રામાનંદ સ્વામીનો યોગ થયો અને પવિત્ર સંતજાણી ને એમને ગુરુ કર્યા. કુટુંબનો ખુબ વિરોધ હોવા છતા તેઓ અખંડ ભજન કરતા અને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળેલું.

ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી શ્રીહરિના પુર્ણપુરુષોત્તમપણા માં એમને પરિપુર્ણ નિષ્ઠા બંધાઇ હતી. જ્યારે શ્રીહરિએ ભૂજથી સુંદરજીભાઇનો ગર્વ ટાળવા સારું ગામધણી દરબારોને અઢાર પરમહંસ થઇ તેડાવ્યા, એમાંનાં એક અલૈયાખાચર હતા.

માંચા સુરા સોમલા અલૈયા, મુંળું નાજા માંતરા મામૈયા..!

અજા જીવા વિરદાસ વળી, લાધા કાળા કમળશી મળી..!!

એહ સર્વે તજી ઘરબાર, થાજો પરમહંસ નિરધાર..!

જેમ મોટા મોટા ઘરમેલી, ભજ્યા હરિ તજી જગજેલી..!!

જ્યારે શ્રીહરિએ અલૈયાખાચરને ઝાલાવાડના ગામડાઓમાં સત્સંગવિચરણ અર્થે વીસ કાઠી દરબારો સાથે મોકલ્યા, ત્યારે વિષમસંજોગો હોવા છતા શ્રીહરિએ સ્વહસ્તે આપેલ છડીથી સહુંને સમાધી કરાવીને સતંસગ કરાવતા. જ્યારે છ મહીના વિચરણ કરીને દાદાખાચર ના મામા ઘેલા ધાધલ સાથે પરત ગઢપુર આવ્યા અને શ્રીહરિને મળ્યા ત્યારે શ્રીહરિ એમના ઉપર અત્યંત રાજી થયેલા. એ દિવસે સંવત ૧૮૭૬ના પોષ સુદી પુનમના દિવસે સદગુરુ મુકતાનંદ સ્વામીએ એ સભામાં ઘેલા ધાધલના વ્યક્તિત્વને બદલી ગયેલું જોઇને પ્રશ્ન પુછેલો, જે પ્રથમના ૨૯માં વચનામૃત માં જોવા મળે છે.

અલૈયાખાચર પોતે અખંડ ભજન કરતા અને એમના સંપર્કમાં આવતા સહુંને કરાવતા, જેમના પાલકપુત્રી રામબાઇએ પણ એમના અખંડ બ્રહ્મચર્ય ને જોઇને જ પોતે પણ માંડવેથી પોતાના તમામ ઘરેણા-અલંકારોનું વરરાજા ને હાથઘરણું કરીને સાંખ્યયોગી થવા સારું ગઢપુર જતા રહેલા. રામબાઇ ને એમને જોઇને જ અડગ નિશ્ચયી બનેલા.

એકસમયે શ્રીજીમહારાજ ઝીંઝાવદર અલૈયાખાચરના ઘરે પધારેલા, તેમણે શ્રીજીમહારાજની, સંતોની ને સહું ભકતોની મહીમાંથી ખૂબ સેવા કરી. એ વખતે શ્રીજીમહારાજે અતિ પ્રસન્ન થઇ આશીર્વાદ આપેલો કે, “જાવ, અલૈયાખાચર તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અક્ષરધામમાં તેડી જઇશું…”

અલૈયાખાચરને મહાપ્રભુના આ વચનમાં પૂર્ણ વિશ્વાસ હતો જ કે શ્રીજીમહારાજનો આશીર્વાદ કદી ખોટો ન પડે. એમાં એક વખત અલૈયાખાચરનો ચાકર જેહલો ખૂબ માંદો પડ્યો ને માંદગી વધી જતા મહાપ્રભુએ એને પોતાના અક્ષરધામમાં બોલાવી લીધો. અલૈયાખાચરે જેહલાના દેહના અગ્નિસંસ્કારની તૈયારી કરી ને તેને સ્મશાને લઇ જવાયો. પરંતું અલૈયાખાચરના કાકા કુસંગી હતા, તેઓ બહારગામથી ઘેર આવ્યા ને આવતાની સાથે જ જેહલાના મૃત્યુના સમાચાર સાંભળી સીધા જ ઘોડી પર ચડી સ્મશાને આવ્યા ને અલૈયાખાચરને કહે, ‘મને ખાત્રી કરાવો કે ‘તમારા સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મુજબ આ જેહલો અક્ષરધામમાં ગયો છે.’ એમ કહી અગ્નિસંસ્કાર વિધી અટકાવ્યો.

અલૈયાખાચર ખડકેલી ચિતા પાસે આવી નિધડકપણે બોલ્યા કે, ‘કાકા, આ મૃત્યુ પામેલો જેહલો જ જો ઊઠીને એમ કહે કે ‘મને શ્રીજીમહારાજ એમના અક્ષરધામમાં તેડી ગયા છે. તો આપ બોલો સ્વામિનારાયણની કંઠી બાંધી સત્સંગી થાવ કે નહીં ?’ કાકા બોલ્યા, ‘હા, અલૈયા, મને એ શરત મંજુર છે પણ જેહલો ચિતામાંથી બેઠો થઇ ન બોલે તો … તો શું ?’ ‘તો જાવ કાકા, આ જેહલાની ચિતા ભેળો હું પણ બળી જવા તૈયાર છું.’

આવી આકરી પ્રતિજ્ઞા કરી અલૈયાખાચર તો શ્રીજીમહારાજને પ્રાર્થના કરીને પહોંચ્યા જેહલાના મૃતદેહ પાસે ને મૃત્યુ પામેલા જેહલાના કાનમાં જયાં ત્રણ વખત ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…’ આ મહામંત્ર જપ કર્યો ત્યાં તો સ્મશાનમાં આવેલા સહુ ગામજનોના દેખતા એજ સમયે મૃત્યુ પામેલો જેહલો ચિતા ઊપર સળવળ્યો અને આળસ મરડી બેઠો થઇને બોલ્યો, “હે અલૈયાખાચર, તમે મને અહીં શા માટે બોલાવ્યો ? હું તો અક્ષરધામમાં ભગવાનનું અલૌકિક સુખ ભોગવી રહેલો. એમાં તમારી આકરી પ્રતિજ્ઞાએ ફરીને શ્રીજીમહારાજે મને દેહમાં આવીને અહીં કહેવા મોકલ્યો છે, તો કોઇ સંકલ્પ ન કરશો. હું તો તમારા સત્સંગ ના પ્રતાપે અક્ષરધામમાં જ છું… લ્યો, ત્યારે સહુને જય શ્રીસ્વામિનારાયણ…” આટલું કહી ફરી પાછો જેહલો દેહ છોડીને અક્ષરધામમાં ગયો. ત્યાં હાજર સહુને સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે અક્ષરધામમાં પહોંચ્યાના પરમાણા પણ મળ્યા.

– પહોચ્યાંના પરમાણા માંથી…