શ્રી નિલકંઠ વર્ણી પ્રભુ વનવિચરણ વખતે હિમાલયની ગોદમાં આવેલા જે મઠના અધિપતિ મહંતે એક લાખ રૂપિયાની આવક સહિત સમગ્ર મઠ અર્પણ કરવાનો ભક્તિભાવ દર્શાવ્યો હતો, એ શ્રીપુરનો મઠ અલકનંદા નદીના કિનારે આવેલો છે. નિલકંઠ પ્રભુ જ્યાં રાતવાસો કરીને રોકાયા હતા એ અતિ પવિત્ર સ્થાન સમો એવો બસોથી વધુ વર્ષો જૂનો ‘કમલેશ્વર મઠ’ હતો. અલકનંદા નદીના પ્રવાહથી થોડે જ દૂર આવેલો આ મઠ એક રમણીય સ્થાન છે. આ મઠ દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘કમલેશ્વર માહાત્મ્ય’માં જણાવેલ પૌરાણિક કથા મુજબ આ સ્થાને ભગવાન શ્રીરામચંદ્રજીએ ભક્તિભાવપૂર્વક શિવજીની કમળના પુષ્પથી પૂજા કરી હતી. મહાદેવજીને રામચંદ્રજીની પરીક્ષા લેવાનું મન થયું એટલે પૂજામાં એકાગ્ર થયેલા રામચંદ્રજીની છાબમાંથી એક કમળ લઈને તેમણે સંતાડી દીધું. પૂજામાં અંતે એક કમળ ઓછુ પડ્યું તેથી રામચંદ્રજીએ પોતાનું નેત્રકમળ પૂજામાં અર્પણ કરી દીધું. શિવજી પ્રસન્ન થઈ ગયા. આથી, આ મઠનું નામ ‘કમલેશ્વર મઠ’ તરીકે પ્રસિદ્ધ થયું.
પૂર્વે જયારે આદિ શંકરાચાર્યજીએ બદ્રીનાથના શ્રીવિગ્રહની સ્થાપના કરી એ જ અરસામાં આ મઠની પણ સ્થાપના તેમણે જ કરી હતી. જે તે સમયે ગઢવાલ રાજ્યના મહારાજાએ આ મઠની આજીવિકા માટે બાસઠ ગામોની ઉપજ આ મંદિરને અર્પણ કરી હતી, એટલે સહેજે જ મઠને લાખો રૂપિયાની આવક તે સમયે પણ હતી. સ્થાનિક ટ્રસ્ટ દ્રારા પ્રકાશિત થયેલી આ પુસ્તિકાના ઉલ્લેખ પ્રમાણે મઠની તત્કાલિન આવક ત્રણ લાખ રૂપિયા જેટલી હતી.
આજથી બસો વર્ષ પહેલા જયારે શ્રી નિલકંઠ વર્ણી આ મઠમાં પધાર્યા ત્યારે ઇ.સ. ૧૭૯૨ની સાલ હતી તે વખતે આ મંદિરના મહંત તરીકે સંન્યાસીઓની ફક્કડ પરંપરામાં નિર્મલપુરી નામના મહંત ગાદી પર હતા. તેમની મહંતાઈનો સમય ઈ.સ. ૧૭૮૭ થી ૧૮૧૨ સુધીનો હતો. આ કમલેશ્વર મઠ આજેય દર્શનીય છે. ૠષિકેશથી બદ્રીનાથ જતા રસ્તામાં રુદ્રપ્રયાગ પહેલા આ શ્રીપુર આવેલું છે.
એ સંધ્યા સમયે જ્યારે વર્ણીવેશે બાળપ્રભુ વિચરણ કરતા કરતા જયારે પધાર્યા ને મઠના ઉઘાડા ચોગાનમાં મોટા વૃક્ષના છાંયડે આવીને પદ્માસન વાળી ને ધ્યાનસ્થ બેઠા એ વખતે સહુની જેમ મઠના મહંત પણ બાળવર્ણીનું રુપ જોઇને મોહ પામ્યા. વર્ણીનું સ્વરુપ જોઇને મહંત નિર્મળગીરીને અંતરમાં અદભૂત શાંતિની અનુભુતિ થઇ. વર્ણીને એકલા બેઠેલા જોઇને પોતે આવીને કહેવા લાગ્યા કે, ‘બ્રહ્મચારી! આપ કા તો મઠમાં આવી જાઓ કા તો ગામમાં ચાલ્યા જાઓ.’ આમ, મઠના ઓટલે બેઠેલા વર્ણીને મહંતે કહ્યું. નિલકંઠ વર્ણી એ પૂછ્યું : ‘કેમ?’ ત્યારે મહંત બોલ્યા કે ‘આ ઘનઘોર જંગલમાં હિંસક પશુઓનો ઘણો ત્રાસ છે. રાત્રે તે આંહી આવશે તો તમને જરૂર ફાડી ખાશે.’
આવ્યું જતાં શ્રીપુર નામ ગામ, આદિત્ય અસ્તંગત એહ ઠામ…!
સમીપ દીઠો મઠ એક સારો, ત્યાં ઓટલે આવી કર્યો ઉતારો…!
મહંતજી તે મઠમાં રહે છે, તે આવીને શ્રીહરિને કહે છે..!
હે બ્રહ્માચારી મઠ માંહી આવો, કાં તો તમે ગામ વિષે સિધાવો…!
આવો જમો ભોજન રૂડી ભાતે, સુવો સુખેથી મઠ માંહી રાતે..!
ભાસે નિશામાં ભય સિંહ કેરો, તે પ્રાણીનો નાશ કરે ઘણેરો…!
આમ, મઠના મહંતની આ ચેતવણી સાંભળી વર્ણીએ સ્મિત વેર્યું ને બોલ્યા કે, ‘મહંતજી! શું સંતાઈ જવાથી આવેલું મોત પાછુ જતું રહેશે? લોકો લાંબું જીવવા હાથે દોરા બાંધે છે છતાં આયુષ્યની દોરી તૂટે ત્યારે તે દોરા ક્યાં કામમાં આવે છે? રાજાઓ અનેક વૈદ્ય રાખે છે છતાં ઘણા બાળપણમાં જ મરી જાય છે. વહેલું-મોડું મરવાનું છે તે અમે જાણીએ છીએ માટે મૃત્યુનો ભય અમને રહેતો નથી. અમે તો અહીં ઓટલે જ આરામ કરશું.’
સંતાઈ પેઠે નહિ મોત મૂકે, ચુકાવવાથી નહિ મોત ચૂકે..!
અનેક દોરા દિશ હાથ બાંધે, આયુષ્ય તૂટે નહિ કોઈ સાંધે..!
રાજા જુઓ વૈદ્ય અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે..!
જીવાડવા જત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે…!
મૂર્ખા જનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઊગરે છે?
મોડું વહેલું મરવાનું જાણે, તો તે મુઆનો ભય શીદ આણે…!
અત્યાર સુધી હિમાલયની ગોદમાં શ્રીપુર નગરની બહાર આવેલા આ પ્રસિદ્ધ કમલેશ્વર મઠના મહંત ક્યારેય કોઈના થીય આટલા બધા આકર્ષાયા નહોતા. આ બાળબ્રહ્મચારીનું આકર્ષણ તેમને કોઈપણ ભોગે આશ્રમની અંદર ખેંચી લેવા આગ્રહ કરતું હતું, પરંતુ બીજી બાજુ વર્ણીની મક્કમ ધીરગંભીર વાણીમાં મહંતને બાળહઠ ને જોગીહઠ બંને એક સાથે જણાઈ આવી. તેથી વધુ વાત કરવાનું મૂકી તે મઠમાં ભરાઈ ગયા. ધીમે-ધીમે રાત્યના બે પ્રહર વીત્યા ત્યાં કેસરી સિંહની ત્રાડથી જંગલ ધ્રૂજી ઊઠ્યું. મઠમાં સૂતેલા મહંત ને તેના શિષ્યો સફાળા જાગી ગયા ને ભયથી થરથર ધ્રૂજવા લાગ્યા. મહંતને થયું કે પેલો બાળ-બ્રહ્મચારી જરૂર કાળનો કોળિયો થઈ જશે. એમ જાણીને બહાર શું બને છે તે જોવા તેણે બારીની તિરાડમાંથી જોયું તો આશ્ચર્ય! ગોવાળ પાસે ગાય વર્તે તેવી દશા નાનકડા નિલકંઠ વર્ણી આગળ એ ડાલામથા સિંહની હતી! મહંત અને એના શિષ્યોની રાત આખી આ ઐશ્વર્ય-દર્શનમાં વીતી ને પ્રાગડના દોરા ફૂટતાં વર્ણી નદીએ સ્નાન કરવા ચાલ્યા ને સિંહ સાથે ચાલતો થકો ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો.
પછી ત્યાંથી ચાલ્યા મહારાજ, નદીને તટ નાવાને કાજ..!
સિંહ શ્રીહરિ પાછળ જાય, જેમ ગોવાળ પાછળ ગાય…!
સગી આંખે નિહાળેલું આ કૌતુક મહંત સહીત શ્રીપુરના ગામજનોને વર્ણી પાસે લઈ આવ્યું. તે દોડીને વર્ણીના ચરણે ઢળી પડ્યા ને કહેવા લાગ્યા કે ‘બ્રહ્મચારી! આપ બહુ પ્રતાપી પુરુષ છો. આપ અહીં રહી જાઓ. હું આપને આહી થી જવા નહી દઉ, આપને આ મઠના મઠાધિપતિ હું તમને બનાવી દઉં. વર્ષે લાખ રૂપિયાની આવક છે. હું પણ આપનો શિષ્ય બની રહીશ…’ મહંત બોલ્યે જ જતા હતા. તેની વાત અટકાવી વર્ણી વચ્ચે જ બોલ્યા કે ‘મહંતજી! જો દ્રવ્યની ઇચ્છા હોત, તો ઘરનો ત્યાગ શું કામ કરત? જે વસ્તુની ઊલટી થઈ જાય તેને ખાવાની ઇચ્છા થતી નથી, તેમ અમે સંસારનો ત્યાગ કરી દીધો છે, અમે તિરથાટન કરવા સારું ગૌ-દોહન પણ એક સ્થળે નહી રોકાવાનો પ્રણ લઇને વિચરણમાં ફરીએ છીએ….’ આટલું જ કહીને વર્ણીએ વિચરણ માટે ચરણ ઉપાડ્યાં ત્યારે મહંત ને તેના શિષ્યો એ મૂર્તિમાન વૈરાગ્યને જતા અનિમેષપણે જોઈ રહ્યા.
એવું કહી શ્રીહરિ તો સિધાવ્યા, જોતાં જનોની નજરે ન આવ્યા..!
આશ્ચર્ય પામ્યા પુરના નિવાસી, વિજોગથી સર્વ થયા ઉદાસી..!
– શ્રીહરિલીલામૃત કળશ ૩ વિશ્રામ ૩માંથી…